રાંચીમાં તોફાની ટોળાને કાબૂમાં લેવા ફાયરિંગ, દિલ્હી, મોરાદાબાદમાં પણ પ્રદર્શન, લખનૌમાં આવેલી ટીલેવાળી મસ્જિદ પર લોકોએ નારેબાજી કરી
રાંચી, તા.૧૦
ભાજપના સસ્પેન્ડ પ્રવક્તા નુપુર શર્માના નિવેદન પર હંગામો શુક્રવારે રાંચી પહોંચ્યો હતો. શુક્રવારની નમાજ બાદ મુખ્ય માર્ગ પર વિરોધ કરી રહેલા લોકોએ સૂત્રોચ્ચાર કર્યા બાદ અચાનક જ પથ્થરમારો શરૂ કરી દીધો હતો. તેમને રોકવા માટે પોલીસે અનેક રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું હતું. પ્રદર્શનકારો પર લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો. પથ્થરમારો અને લાઠીચાર્જમાં એક ડઝનથી વધુ પોલીસકર્મીઓ અને દેખાવકારો ઘાયલ થયા હતા. હંગામા બાદ રાંચી જિલ્લા પ્રશાસને સુજાતા ચોકથી ફિરયાલાલ ચોક સુધીના મુખ્ય માર્ગ અને બંને બાજુ ૫૦૦ મીટરના અંતર સુધી પ્રતિબંધિત આદેશો લગાવી દીધા છે. આ વિસ્તારમાં ૫ કે ૫ થી વધુ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ રહેશે. મળતી માહિતી મુજબ સ્થિતિને કાબૂમાં લેવા માટે રેપિડ એક્શન ફોર્સ અને મોટી સંખ્યામાં પોલીસકર્મીઓને બોલાવવામાં આવ્યા છે. હંગામાને કારણે મુખ્ય માર્ગ પર લગભગ ત્રણ કિલોમીટરની ત્રિજ્યામાં આવેલી તમામ દુકાનો બંધ કરી દેવામાં આવી છે. શહેરના ડોરાંડા વિસ્તારમાં પણ જોરદાર વિરોધ કરવામાં આવ્યો છે. અહીં હંગામા બાદ ડીસીના આદેશથી શહેરી વિસ્તારોમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. જે બાદ પોલીસ કડકાઈથી રસ્તા પરના લોકોને ઘરે જવા માટે કહી રહી છે. તમામ દુકાનો બંધ કરી દેવામાં આવી છે. રાંચીના એસએસપી સુરેન્દ્ર કુમાર ઝા બદમાશો દ્વારા કરવામાં આવેલા પથ્થરમારામાં ઘાયલ થયા છે. તેમની સેન્ટવિટા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તે જ સમયે, પથ્થરમારામાં સિટી એસપી, સિટી ડીએસપી, ઘણા સ્ટેશન ઇન્ચાર્જ સહિત ઘણા સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે શુક્રવારે શહેરમાં મુસ્લિમ સમાજના લોકોએ નુપુર શર્મા અને નવીન જિંદાલની ધરપકડની માગ સાથે દુકાનો બંધ રાખી હતી. સવારથી શહેરની રોજીંદી બજાર સદંતર બંધ હતા. બે વાગ્યાની નમાજ બાદ અચાનક જ હજારો લોકો સૂત્રોચ્ચાર કરતા મુખ્ય માર્ગ પર ઉતરી આવ્યા હતા. જ્યારે ભીડ મુખ્ય માર્ગ ઇકરા મસ્જિદથી નાસભાગના રૂપમાં આગળ વધવા લાગી ત્યારે પોલીસ દળે તેમને રોકવાનો પ્રયાસ કર્યો. જેના પર પ્રદર્શનકારીઓએ પોલીસ પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. રોડની બાજુમાં પાર્ક કરેલી અનેક બાઇક અને વાહનોની તોડફોડ કરવામાં આવી હતી. જેના પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. આ પછી પણ સ્થિતિ કાબૂમાં ન આવી તો અનેક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું. આ ઘટનાની જાણ થતાં જ શહેરના અનેક વિસ્તારોમાં દુકાનો બંધ થઈ ગઈ હતી. રાંચીના એસએસપી સુરેન્દ્ર કુમાર ઝા અને સિટી એસપી અંશુમન સહિત અનેક વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. મોહમ્મદ પયગંબર પર ભાજપના ભૂતપૂર્વ પ્રવક્તા નૂપુર શર્માએ આપેલા નિવેદનને લઈને મુસ્લિમ સમાજ સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે. શુક્રવારે જુમ્માની નમાજ બાદ ઉત્તર પ્રદેશના ઘણા શહેરોમાં હંગામો થયો હતો. સહારનપુરમાં નામજિયોએ રસ્તાઓ જામ કરી દીધા હતા. આ દરમિયાન જબરદસ્તી દુકાનો બંધ કરાવવાને લઈને પ્રદર્શનકારીઓએ તોડફોડ કરી હતી. જ્યારે પ્રયાગરાજમાં લોકોએ પથ્થરમારો કર્યો હતો. પ્રદર્શનકારીઓએ એડીજીની ગાડી પર પથ્થરમારો કર્યો હતો તો સામે જવાબમાં પોલીસે ટીયરગેસના સેલ છોડ્યા હતા. મોરાદાબાદમાં પણ પ્રદર્શનો થયા હોવાના અહેવાલો હતો. લખનૌમાં આવેલી ટીલેવાળી મસ્જિદ પર પણ લોકોએ નારેબાજી કરી હતી. આ પહેલા દિલ્હીની જામા મસ્જિદ પર મુસ્લીમ સમાજ રોડ પર ઉતરી આવ્યો હતો. સહારનપુરમાં બપોરે એક વાગ્યે શહેરની મુખ્ય જામા મસ્જિદમાં જુમ્માની નમાજ બાદ હજારોની સંખ્યામાં લોકો એકઠા થયા હતા. બાદમાં નારેબાજી કરતાં કરતાં જામા મસ્જિદથી ઘંટાઘર તરફ ગયા હતા. ત્યાં પહોંચીને તેમણે ભારે હંગામો કર્યો હતો. પોલીસે ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો હતો. જેના કારણે ભાગદોડ મચી ગઈ હતી. ઘટાંઘર અને નેહરૂ માર્કેટમાં દુકાનો પણ જબરદસ્તી બંધ કરાવી દેવામાં આવી હતી. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ ટુવ્હીલર્સમાં તોડફોડ કરી હતી. પોલીસે કેટલાક પ્રદર્શનકારી નમાજીઓની ધરપકડ કરી હતી. જ્યારે જબરદસ્તી બંધ કરાવવામાં આવેલી માર્કેટની દુકાનોને પોલીસે ફરીથી ખોલાવી હતી. બીજી તરફ પ્રયાગરાજમાં જુમ્માની નમાજ બાદ અટાલા વિસ્તારમાં મુસ્લિમ સમાજના સેંકડો લોકો એકઠા થઈ ગયા હતા. નારેબાજી કરતા પ્રદર્શનકારીઓએ નૂપુર શર્મા વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી હતી. સુરક્ષાદળોએ પ્રદર્શનકારીઓને હટાવવા માટે લાઠીચાર્જ કર્યો હતો. જવાબમાં પ્રદર્શનકારીઓએ પથ્થરમારો કર્યો હતો. પોલીસે ચારેય બાજુ બેરીકેટિંગ કરી દીધી હતી. પોલીસ અને રેપિડ એક્શન ફોર્સ તૈનાત કરી દેવામાં આવ્યા હતા. જોકે, પરિસ્થિતિ નિયંત્રણ બહાર નથી અને લોકોને સમજાવવાની પ્રશંસા કરવામાં આવી રહી છે. મુરાદાબાદમાં પણ નમાજ બાદ ભીડે સરકાર વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન ’નૂપુર શર્મા કો ફાંસી દો’ના નારા લાગ્યા હતા. કાનપુર પ્રકરણમાં થઈ રહેલી ધરપકડને લઈને લઘુમતી સમાજમાં ભારે રોષ છે. જુમ્માની નમાજ બાદ ઘણા વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન થયા હતા. બીજી તરફ એડીજી (કાયદો-વ્યવસ્થા) પ્રશાંત કુમારનો દાવો છે કે ઉત્તર પ્રદેશના શહેરોમાં સંપૂર્ણ રીતે શાંતિ છે. ઘણી જગ્યાઓએ નમાજ શાંતિથી સંપન્ન થઈ હતી. પોલીસની પૂરતી વ્યવસ્થા છે. સોશિયલ મીડિયા પર મોનિટરિંગ ચાલી રહ્યું છે. કાનપુરમાં શાંતિ છે અને નિષ્પક્ષ કાર્યવાહી કરવામાં આવી રહી છે.