હુમલાખોરની તાત્કાલિક ઓળખ થઈ શકી નહોતી, સૈનિક સાથેના ગોળીબારમાં ઘાયલ થયા બાદ કસ્ટડીમાં લેવાયો
વોશ્ગિંટન, તા.૧૦
અમેરિકામાં અલગ-અલગ જગ્યાએ ખુલ્લેઆમ ગોળીબારની ઘટનાઓ સામે આવી રહી છે અને જેમાં નિર્દોષ લોકોના મોત થઈ રહ્યા છે. અમેરિકાના સ્મિથ્સબર્ગના મેરીલેન્ડ શહેરમાં ખુલ્લેઆમ ગોળીબાર થયો હતો. સાથે જ આ ઘટનામાં ૩ લોકોના મોત થયા હતા. એક બંદૂકધારીએ ગુરૂવારે ઉત્તર મેરીલેન્ડમાં એક મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ પર ગોળીબાર કર્યો હતો. જેમાં ઓછામાં ઓછા ૩ લોકો માર્યા ગયા હતા અને અન્ય ગંભીર રીતે ઘાયલ થયા હતા. સાથે જ આ ઘટના અંગે રાજ્યપાલે જણાવ્યું હતું કે, તેઓ શૂટર વિશે જાણતા નથી. વોશિંગ્ટન કાઉન્ટી શેરિફના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, હુમલાખોરની તાત્કાલિક ઓળખ થઈ શકી નહોતી. મેરીલેન્ડ રાજ્યના સૈનિક સાથેના ગોળીબારમાં ઘાયલ થયા બાદ તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. ગોળી માર્યા બાદ શંકાસ્પદ હુમલાખોર અને જવાન બંનેને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. વોશિંગ્ટન કાઉન્ટી શેરિફ ઓફિસે જણાવ્યું હતું કે, ગોળીબાર ગુરૂવારે બપોરે ૨.૩૦ વાગ્યે બિકલ રોડના ૧૨૯૦૦ બ્લોક પાસે થયો હતો. તમને જણાવી દઈએ કે, હાલમાં જ ખુલ્લેઆમ ફાયરિંગની ઘટના સામે આવી છે. ન્યૂયોર્ક, ટેક્સાસ સહિત અનેક વિસ્તારોમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. તમને જણાવી દઈએ કે, અમેરિકાના ફિલાડેલ્ફિયામાં શનિવારે મોડી રાત્રે એક બંદૂકધારીએ ભીડ પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. આ ઘટનામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૩ લોકોના મોત થયા છે. જ્યારે ઘણા લોકો આ ગોળીબારમાં ઘાયલ થયા છે. અહેવાલમાં જણાવ્યા અનુસાર, આ ઘટના મધ્યરાત્રિ બાદ બની હતી. કહેવામાં આવી રહ્યું છે કે, આ ઘટનામાં અનેક બંદૂકધારીઓ સામેલ હતા. તે જ સમયે, અમેરિકાના ઓક્લાહોમાના તુલસા ખાતે એક હોસ્પિટલ પરિસરમાં યુવકે ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારમાં ૩ લોકોના મોત થયા હતા. આ સાથે હુમલાખોરનું પણ મૃત્યું થયું હતું.