મુંબઈમાં ચોમાસાની શરૂઆત

43

ચોમાસું મુંબઈ સહિત કોંકણના મોટાભાગના વિસ્તારોમાં પહોંચી ગયું : ચોમાસાની શરૂઆત થતાં ગરમીથી ત્રસ્ત નાગરિકોને રાહત : ચાર દિવસ સુધી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદની હવામાન વિભાગની આગાહી
મુંબઈ, તા.૧૧
મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં આજથી ચોમાસાની શરૂઆત થતાં ગરમીથી ત્રસ્ત નાગરિકોને રાહત થઈ છે. હવામાન વિભાગ મુજબ દક્ષિણ પશ્ચિમ ચોમાસું મુંબઈ સહિત કોંકણના મોટાભાગના વિસ્તારોમાં અને મધ્ય મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં પહોંચી ગયું છે. હવામાન વિભાગે જણાવ્યું કે મુંબઈમાં આજે ચોમાસાની સત્તાવાર શરૂઆત થઈ ગઈ છે. આ સાથે જ તેને વીકેન્ડ માટે મુંબઈમાં ભારે વરસાદનું યેલો એલર્ટ પણ આપ્યું છે. શુક્રવારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ પશ્ચિમ ચોમાસુ મધ્ય અરબી સમુદ્રના અન્ય ભાગો, સમગ્ર ગોવા, કોંકણના કેટલાક ભાગો અને કર્ણાટકના કેટલાક ભાગો સુધી વિસ્તર્યું છે.ત્યારે ધીમે ધીમે આગળ વધતું દક્ષિણ પશ્ચિમનું ચોમાસું ગુજરાતમાં ક્યારે પ્રવેશ કરશે તેના અંગે દરેક લોકોને ઉત્સુક્તા છે. જોકે છેલ્લા એકબે દિવસથી પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગ રુપે દક્ષિણ ગુજરાતના વલસાડ સહિતના કેટલાક વિસ્તારોમાં તો સૌરાષ્ટ્રના અમરેલી સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. તો બીજી તરફ હવામાન વિભાગે પણ આજથી ચાર દિવસ સુધી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગનું કહેવું છે કે આગામી ૪૮ કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની અસર વધુ જોવા મળશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી બે દિવસમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને રાજકોટમાં વરસાદી માહોલ જોવા મળશે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદી માહોલ રહી શકે છે. આ ઉપરાંત રાજ્યમાં કેટલાક વિસ્તારમાં થન્ડર સ્ટોર્મની એક્ટિવિટી પણ રહી શકે છે. હવામાન વિભાગ અનુસાર આગામી ૪૮ કલાક દરમિયાન ચોમાસાને આગલ વધવા માટેની સ્થિતિ અનુકૂળ દેખાઈ રહી છે જેના કારણે મેઘરાજના સવારી ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી, ઉત્તર અરબી સમુદ્રના કેટલાક ભાગો, કોંકણના બાકીના ભાગો, ગુજરાત રાજ્યના કેટલાક ભાગો, મધ્ય મહારાષ્ટ્રના મોટાભાગના ભાગો, સમગ્ર કર્ણાટક અને તમિલનાડુ, તેલંગાણાના કેટલાક ભાગો, આંધ્રપ્રદેશમાં આગળ વધશે.મહત્વનું છે કે છેલ્લા ચાર દિવસથી રાજ્યમાં અમરેલીમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. તેમાં આજે પણ સાવરકુંડલા તાલુકાના અનેક ગામોમાં વરસાદ વરસ્યો હતો. સાવરકુંડલાના વિજપડી ગામમાં ધોધમાર વરસાદ વરસતા રોડ- રસ્તા તેમજ શેરીઓમાં પાણી ફરી વળ્યાં હતા. જ્યારે ધારી, કુંકાવાવ, બાબરા વિસ્તારમાં ગઈ કાલે વરસાદ ખાબક્યો હતો.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleરાજ્યસભાની ૧૬ બેઠકોમાંથી નવમાં ભાજપનો વિજય થયો