સે.-ર૪માં ઝાડા-ઉલ્ટીના કેસો વધતા તંત્રની દોડધામ

1541

ગાંધીનગરના સેક્ટર-૨૪માં ઝાડા-ઉલ્ટીનો રોગચાળો ફાટી નિકળ્યો છે ત્યારે સ્થાનિક હોસ્પિટલો આ દર્દીઓથી ઉભરાઇ રહી છે તેવી સ્થિતિમાં આ રોગચાળો જીવલેણ ન બને અને તેને વધતો અટકાવવા માટે આરોગ્ય તંત્રની સાથે કોર્પોરેશન તથા પાટનગર યોજના વિભાગ દોડતુ થયું છે.

ઘરે ઘરે જઇને સર્વેક્ષણ કરવા ઉપરાંત આ રોગચાળો દુષિતપાણીથી થયો હોવાની સંભાવનાને પગલે વિતરણ કરવામાં આવતા પાણીનું સુપર ક્લોરીનેશન કરવા માટે પણ સુચના આપી દેવામાં આવી છે એટલુ જ નહીં, આજે પાયોવિ દ્વારા પાણીના વધુ નમૂના લઇને પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે. આ સિઝનમાં પાણીજન્ય રોગના દર્દીઓમાં  ચિંતાજનકરીતે વધારો થઇ રહ્યો છે તેમાં પણ ખાસ કરીને ઝાડા-ઉલ્ટીના કેસ તો છેલ્લા બે માસથી સતત વધી રહ્યા છે.

ગરમીને કારણે ઝાડા-ઉલ્ટીના કેસ દર એઠવાડિયે સિવિલમાં ૧૫૦થી પણ વધુ હોય છે ત્યારે ગાંધીનગર શહેરના સેક્ટર-૨૪માંથી  છેલ્લા બે-ત્રણ દિવસથી ઝાડા-ઉલ્ટીના દર્દીઓ પ્રકાશમાં આવ્યા છે. ત્યારે સતત એક જ સેક્ટરમાંથી દર્દીઓ મળી આવવાને કારણે ગાંધીનગર કોર્પોરેશન પણ એલર્ટ થઇ ગયું છે અને આ વિસ્તારમાંથી મળી આવેલાં છુટાછવાયાં કેસ રોગચાળામાં રૃપાંતરીત ન થઇ જાય તે  ખાસ કામગીરી કરવામાં આવી રહી છે. ઘરે ઘરે જઇને સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત મળી આવતા ઝાડા-ઉલ્ટીના દર્દીઓને તાત્કાલિક સારવાર તથા ઓઆરએસ અને જરૃરી દવાઓ પણ આપી દેવામાં આવે છે.

એટલુ જ નહીં, જરૃર જણાય તો આવા દર્દીઓને સિવિલમાં કે સ્થાનિક હોસ્પિટલમાં દાખલ થઇ જવા માટે સુચન કરવામાં આવે છે. ત્યારે આજે આ સર્વેક્ષણ દરમિયાન ઝાડા ઉલ્ટીના વધુ કેસ મળી આવવાને કારણે કોર્પોરેશને આરોગ્યની સેવા વધુ સઘન કરી દીધી છે. જે અંતર્ગત દર્દીઓને સારવાર આપવાની સાથે સાથે આ રોગચાળો થવાના કારણો શોધવાના પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા છે.

ગઇકાલે કોર્પોરેશન દ્વારા પાણીના ત્રણ નમૂના લેવામાં આવ્યા હતા ત્યારે આજે પાટનગર યોજના વિભાગના અધિકારીઓ પણ આજે સે-૨૪માં પહોંચ્યા હતા અને પાણીના નમૂના લઇને પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે એટલુ જ નહીં પાણીના પુરવઠાનું સુપર ક્લોરીનેશન કરવા માટે પણ આદેશ આપી દીધા છે.

Previous articleકલોલમાં કારનો કાચ તોડી ૨૬,૫૦૦ રોકડની ચોરી
Next articleવરલી મટકાનો જુગાર રમાડતા ઈસમને સાહીત્ય સાથે ઝડપ્યો