નૂપુર શર્માની ધરપકડની માગને લઈ દેશના અનેક શહેરોમાં શુક્રવારની નમાઝ બાદ ભારે તંગદીલી ઊભી થઈ હતી
રાંચી, તા.૧૧
પયગંબર મોહમ્મદ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણીને લઈને ભાજપ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવેલા નેતા નૂપુર શર્માની ધરપકડની માંગને લઈને રાંચીમાં થયેલી હિંસામાં ૨ લોકોના મોત થઈ ગયા છે જ્યારે લગભગ ડઝનો લોકો ઘાયલ થયા છે. આ હિંસામાં આઈપીએસ અધિકારી સહીત પોલીસ કર્મચારીઓને પણ ઈજા પહોંચી હતી. ત્યારબાદ તંત્રએ મોડી સાંજે શહેરના કેટલાક ભાગોમાં કર્ફ્યુ લગાવી દીધો હતો. મૃતકોમાં ૨૨ વર્ષના મોહમ્મદ કેફી અને ૨૪ વર્ષના મોહમ્મદ સાહિલ સામેલ છે. રાંચીના સીટી એસપી અંશુમન કુમારે કહ્યું કે, બંને લોકોના ગોળી વાગવાથી મૃત્યુ થયા છે. બીજી તરરફ આ હિંસામાં ૮ તોફાનીઓ અને ૪ પોલીસ કર્મીઓ ઘાયલ થયા છે જેને રિમ્સ અને અન્ય એક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું કે, કોટલાક લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે જેમની પૂછપરછ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. અસરગ્રસ્ત સ્થળો પર ધારા ૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે. રાચીમાં શુક્રવારની નમાઝ પછી દેખાવો કરી રહેલું ટોળું બેકાબુ બન્યું હતું. તેમણે મુખ્ય રોડ પર સ્થિત હનુમાન મંદિર પર પથ્થરમારો કર્યો હતો. ટોળાને વિખેરવા માટે પોલીસે હવામાં ગોળીબાર અને લાઠીચાર્જ કરવો પડયો હતો. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, મુસ્લિમોએ સવારથી દેખાવો શરૃ કર્યા હતા, પરંતુ શુક્રવારની નમાઝ પછી સ્થિતિ તણાવપૂર્ણ થઈ ગઈ હતી. દેખાવોના પગલે મોટાભાગની દુકાનો અને બજારો બંધ રહ્યા હતા. છતાં ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો, જેમાં અનેક લોકો ઘવાયા હતા. આ હિંસાના વિરોધમાં કેટલાક લોકો હનુમાન મંદિર બહાર હનુમાન ચાલીસા વાંચવા બેસી ગયા હતા. સ્થિતિ પર નિયંત્રણ મેળવવા માટે પોલીસે રાંચી શહેરના કેટલાક વિસ્તારોમાં કરફ્યૂ લાગુ કરવાની જાહેરાત કરી હતી. રાંચી જિલ્લા તંત્ર દ્વારા મોટી સાંજે એક આદેશમાં કહેવામાં આવ્યું હતું કે, રાંચી જિલ્લા તંત્ર દ્વારા સુજાતા ચોકથી ફિરાયાલાલ ચોક સુધી અને મેન રોડ તથા તેની બંને તરફ ૫૦૦ મીટરના અંતર સુધી કર્ફ્યુ લાગુ કરી દેવાયો હતો. અસરગ્રસ્ત વિસ્તારમાં ૫ અથવા ૫થી વધુ લોકોને એકસાથે ભેગા થવા પર પ્રતિબંધ છે. આ દરમિયાન ઉપદ્રવીઓની રોડ પરથી સાંજે લગભગ ૫ઃ૦૦ વાગ્યા પછી પીછે હટ બાદ મેન રોડ અને આજુબાજુની ગલીઓમાં પોલીસે ફ્લેગ માર્ચ કરી લોકોને ઘરની બહાર ન નીકળવાની લાઉડસ્પીકર પર ચેતવણી આપી હતી.