નૂપુર શર્માને કાશી ધર્મ પરિષદે આપેલું સમર્થન

37

નૂપુર શર્માના વિરોધમાં હિંસક દેખાવોનો વિરોધ : દેશ બચાવવા સંતો રસ્તા ઉપર ઊતરશે : નુપુર શર્માને દુષ્કર્મની ધમકીઓ આપનારા પર રાસુકા લગાવવા માગ
લખનૌ, તા.૧૧
ઉત્તર પ્રદેશ સહિત દેશના અન્ય ક્ષેત્રોમાં જુમાની નમાજ બાદ હિંસક ઘટનાઓ જોવા મળી હતી. કાશી ધર્મ પરિષદે શુક્રવારના રોજ આ મામલે બેઠક યોજીને દેશભરમાં બનેલી હિંસાની ઘટનાઓની ટીકા કરી હતી અને તે અંગે નારાજગી વ્યક્ત કરી હતી. કાશી ધર્મ પરિષદ દ્વારા તેઓ નુપુર શર્માની સાથે છે તેવું એલાન કરવામાં આવ્યું છે. સાથે જ નુપુર શર્માને દુષ્કર્મની ધમકીઓ આપનારાઓ પર રાસુકા લગાવવાની માગણી કરવામાં આવી છે. કાશી ધર્મ પરિષદમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, ટૂંક સમયમાં જ સંતો, મહાત્માઓ અને નાગા સાધુઓ આ મામલે એક સંયુક્ત બેઠક યોજશે અને આગળની રણનીતિ તૈયાર કરશે. દેશને બચાવવા માટે સંતો પણ રસ્તાઓ પર ઉતરશે. ઉપરાંત શહેર લેવલે સંત સમાજના એકમો રચવામાં આવશે જેમાં તમામ પંથના લોકો સામેલ થઈ શકશે. કાશી ધર્મ પરિષદ દ્વારા કેન્દ્ર અને પ્રદેશ સરકારો સમક્ષ આ પ્રકારની અરાજકતા ફેલાવનારા તથા તેના કાવતરાખોરોને ઝડપીને તેમના સામે આકરી કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી છે. સુદામા કુટી હરતીરથ ખાતે પાતાલપુરી મઠના પીઠાધીશ્વર મહંત બાલક દાસની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં કાશીના મઠોના પીઠાધીશ્વર, સંતો, મહંતો અને સામાજીક કાર્યકરોની ઉપસ્થિતિમાં ૧૬ પ્રસ્તાવો પસાર કરવામાં આવ્યા હતા. બેઠક દરમિયાન એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, આ પ્રસ્તાવને તમામ અખાડાઓ, તમામ પંથોના પ્રમુખો સાથે મળીને સરકારને મોકલવામાં આવશે. તેમના દ્વારા એવી માગણી કરવામાં આવી છે કે, સરકાર કટ્ટરપંથિઓ સામે આકરૂં વલણ દાખવે. પથ્થરમારા અને હિંસા માટે જવાબદાર વ્યક્તિ અને સંસ્થા પર લગામ કસીને તેને બંધ કરવામાં આવે. તેમની સંપત્તિઓ જપ્ત કરવામાં આવે. બેઠકમાં સંતોએ હિંસા માટે જવાબદાર કાવતરાખોરોનો પર્દાફાશ કરવાનો મત વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત હિંદુ દેવી-દેવતાઓ અંગે અપમાનજનક ટિપ્પણી કરનારાઓ, ફિલ્મોમાં દેવી-દેવતાઓની મજાક ઉડાડનારાઓને સરકાર તાત્કાલિક જેલમાં મોકલે તેવી પણ માગણી કરવામાં આવી છે. સાથે જ રાંચી ખાતે હનુમાન મંદિર પર હુમલો કરીને તોડફોડની જે ઘટના બની હતી તે અંગે પણ ટીકા કરવામાં આવી હતી. કાશી ધર્મ પરિષદની બેઠકમાં એવી માગણી કરવામાં આવી છે કે, જ્ઞાનવાપી મામલે સત્ય બોલનારા અફસર બાબાને સ્થાયી સુરક્ષા આપવામાં આવે. અફસર બાબા પર હુમલો કરનારાઓની ધરપકડ કરીને રાસુકા લગાવવામાં આવે.

Previous articleકાશ્મીરી યૂટ્યૂબર ફૈસલ વાનીની ધરપકડ કરાઈ
Next articleડો.પ્રકાશભાઈ ભટ્ટ દ્વારા ઇંગ્લેન્ડ (U.K.)ની ન્યુરોલોજી વિષય અંતર્ગતની વિશ્વ કક્ષાએ સૌથી અઘરી અને પ્રખ્યાત પરીક્ષા MRCP UK Neurology exam પાસ કરવામાં આવી