મુંબઈ, તા.૧૧
૮૦ અને ૯૦ના દશકામાં એક્ટર ગોવિંદાનો ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડંકો વાગતો હતો. ગોવિદાએ બોલિવુડમાં ૧૪-૧૫ વર્ષનું સ્ટારડમ જોયું હતું. એક સમય એવો પણ હતો જ્યારે ગોવિંદા વર્ષમાં ૧૦-૧૪ ફિલ્મો કરતો હતો. પરંતુ ૨૦૦૦ના દશકાની શરૂઆતમાં ગોવિંદાએ ફિલ્મોમાંથી બ્રેક લીધો અને રાજકારણમાં ઝંપલાવ્યું. એ વખતે પ્રકાશિત થયેલા કેટલાય અહેવાલોમાં ફિલ્મમેકર્સ અને પ્રોડ્યુસરોએ ગોવિંદા પર ’અનપ્રોફેશનલ’ અને આળસુ હોવાનો આરોપ મૂક્યો હતો. એટલું જ નહીં લગભગ આખી ફિલ્મ ઈન્ડસ્ટ્રી ગોવિંદાની વિરુદ્ધ થઈ ગઈ હતી. આટલા વર્ષો બાદ છેક હવે, ગોવિંદાએ પોતાની ઉપર લાગેલા આરોપોનો જવાબ આપ્યો છે. ગોવિંદા હાલમાં જ મનીષ પૉલના પોડકાસ્ટ શોમાં આવ્યો હતો. જ્યાં તેણે ભાણિયા કૃષ્ણા અભિષેક સાથેના ઝઘડા અને તેની માફી અંગે વાત કરી હતી. ઉપરાંત પોતાના પર ’અનપ્રોફશનલ’ હોવાના આરોપો પર પોતાનો પક્ષ મૂક્યો હતો. મનીષ પૉલે ગોવિંદાને પૂછ્યું હતું કે, ડાયરેક્ટરો અને પ્રોડ્યુસરોએ તેના પર અનપ્રોફેશનલ અને આળસી હોવાનો આરોપ શા માટે લગાવ્યો હતો? જવાબમાં ગોવિંદાએ કહ્યું, જ્યારે તમે સફળ થાવ છો ત્યારે કેટલાય લોકો તમને નીચે પાડવાની કોશિશ કરે છે. ૧૪-૧૫ વર્ષ સુધી હું મારા કરિયરની ટોચ પર હતો એ વખતે બધું જ મારી તરફેણમાં ચાલતું હતું. એ વખતે કોઈને મારી સામે કશો જ વાંધો નહોતો. આ ફિલ્મ ઈન્ડસ્ટ્રી છે. અહીં લોકો સમય સાથે બદલાય છે અને તેમની સાથેના સમીકરણો પણ. હું ૧૪ વર્ષ સુધી ટોચ પર રહ્યો અને કોઈ પ્લાનિંગ ના કર્યું. જ્યારે મેં જોયું કે લોકો મારી વિરુદ્ધ થઈ રહ્યા છે ત્યારે પણ હું કંઈ ના કરી શક્યો. જે લોકો ન્યૂમરોલોજી, એસ્ટ્રોલોજી અને વાસ્તુશાસ્ત્ર જેવી વસ્તુઓ વચ્ચે ઉછર્યા હોય તેઓ આવી બાબતો પર ધ્યાન નથી આપતા. પહાડ પણ તેઓ ચઢી જાય છે. ગોવિંદાએ ૧૯૮૬માં એક્ટિંગની દુનિયામાં પગ મૂક્યો હતો. તેને પહેલો લીડ રોલ ફિલ્મ ’તન બદન’માં મળ્યો હતો. જોકે, આ ફિલ્મ પહેલા તેણે ૧૯૮૫માં ફિલ્મ ’લવ ૮૬’નું શૂટિંગ શરૂ કર્યું હતું. ૧૯૮૬માં ગોવિંદાની પહેલી ફિલ્મ ’ઈલ્ઝામ’ રિલીઝ થઈ હતી અને બાદમાં એ જ વર્ષે ’લવ ૮૬’ રિલીઝ થઈ. આ બંને ફિલ્મો બ્લોકબસ્ટર રહી હતી. સુપરહિટ ડેબ્યૂ બાદ ગોવિંદા દરેક ફિલ્મમેકરની નજરમાં હતો. ડાયરેક્ટર ડેવિડ ધવન સાથે ગોવિંદાએ લગભગ ૧૭ ફિલ્મો કરી હતી. પરંતુ બાદમાં બંને વચ્ચે ઝઘડો થયો અને પછી ક્યારેય એકબીજા સાથે કામ ના કર્યું. ગોવિંદા હવે એક્ટિંગ બાદ સિંગિંગમાં કરિયર બનાવી રહ્યો છે. ૧૯૯૮માં પોતાનો પહેલો આલ્બમ બહાર પાડ્યા બાદ છેલ્લા થોડા સમયથી ગોવિંદા એક પછી એક પોતાના ગીતો રિલીઝ કરી રહ્યો છે.