OMG- Oh my God!! (બખડ જંતર)

23

વત્સ.આજથી વીસ પચ્ચીસ વરસ પહેલા આ નામ ફેનની લાગે.સંસ્કૃત છાંટસભર નામ. અટક વરૂં. નામ અને અટકમાં વિરોધાભાસ ઉડીને આંખે વળગે.
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના શિયાળ ગામનો વતની. સચિવાલયમાં જીડીસી તરીકે ઓળખાતી જગ્યા માટે જાહેર સેવા આયોગ ભરતીની કાર્યવાહી કરતી. આપણી ભરતી સિસ્ટમની સુંદરતા એ છે કે ગામડે રહેતા કૌવતવાળા પાણીદાર છોકરાંવ ચોટીએ દોરો બાંધીને મહેનત કરે એટલે બેરોજગારીનો કોઠો વીંધી નોકરી રાણીને વરી શકે.
માધવ અજમેરા રાજકોટના ઊપલેટાનો.પિતાજી ગુજરાતી શાળામાં શિક્ષક.માધવ કોલેજના બીજા વરસમાં. જીડીસી માટેની પરીક્ષા આપી . એ સમયે કોચીંગ કલાસ, મેગેઝિન -કંઈ કરતા કંઈ ન મળે. વર્તમાનપત્રો વાંચો. અનડા પ્રકાશન જ્ઞાનજયોત કરીને જનરલ નોલેજ માટે પુસ્તક પ્રગટ સમયાંતરે કરે. એ પુસ્તક સ્પર્ધાઓમાં પરીક્ષા માટે ટેન કમાંડન્ડન્ટ, રામાયણ, મહાભારત, બાઈબલ કે કુરાન જે ગણો તે જ્ઞાનજયોત. સૌરાષ્ટ્રના છાપામાં તો વેરના વળામણા, પાદરડીની સીમમાં ઢીમ ઢાળી દીધું, તસ્કરોની રાડ એવા પ્રકારના સમાચાર આવે. જેને વલોવીએ તો જનરલ નોલેજ ન નીકળે.એ વખતે આયોગનો અભિગમ અંતરિયાળ ગામડા ઉમેદવારને શું આવડે છે તેની કસોટી કરવાનો હતો!! ધારો કે કોઈ ઉમેદવાર ડેનીસ લીલીને અમેરિકાના પ્રમુખ બુશની પત્ની માને તો રાજ્ય સરકારના વહીવટ પર કયું આભ તૂટી જવાનું હતું. જીડીસી . તમને થાય કે આ કંઈ મોટી તોપ છે? જીડીસી એટલે જનરલ ડયૂટી ક્લાર્ક. સચિવાલયના વહીવટી માળખાનું પ્રથમ સોપાન.તે સમયે સચિવાલયનો તાપ, કડપ અને દબદબો હતો. ખાતાના વડા હેડ કવાર્ટર લીવ મેળવ્યા સિવાય સચિવાલયના ઝાંપે પણ આવી શકે નહી. શિસ્ત પાલનનો સુવર્ણયુગ હતો. ક્રમશઃ લુણો લાગવા લાગ્યો એ અલગ વાત છે.એકવાર કોઈ અનુભાગ અધિકારીએ ખાતાના વડાને સરકારી કામ માટે ફોન લગાવ્યો. પેલાએ વાત ન કરી. અધિકારીએ નિર્ભિકપણે સચિવને ફરિયાદ કરી.સચિવે તેની પીએને ખાતાના વડાને ફોન જોડવા કહ્યું. ફોન લાગ્યો પેલાને ખખડાવી નાંખ્યો વોર્નિંગ આપી કે સચિવાલયમાંથી પટાવાળા ફોન કરે તો સચિવનો ફોન ગણીને રીસ્પોન્સ આપજો નહીતર તમારી ખેર નથી.
વત્સ, માધવ અને બીજા ૧૯૮ છોકરાને પૂર્વ સેવા તાલીમ માટે જીએડીમાંથી ખાખી રંગના પરબીડિયા આવ્યા.
આ બધાએ પહેલીવાર ગાંધીનગરના ઝાડવા જોયા.ગાંધીનગર એટલે ગાંધીનગર.એના જેવું બીજું કોઈ શહેર થવું નથી. આપણા ગીતાકાર રમેશ પારેખને ગાંધીનગર ગમેલું નહીં અને અહીં કાંઈ માણસ મળેલો નહી તે વાત અલગ છે!!
ગાંધીનગર. પંચાક્ષરી નામ. રાજ્યનું પાટનગર. ચંડીગઢ પેટર્ન પ્રમાણે બનાવેલું શહેર. અન્ડરગ્રાઉન્ડ વીજ કેબલને લીધે વાયરોના ગૂંચળાથી મુક્ત શહેર. લાંબા પહોળા રસ્તા, બાગબગીચા.
દરેક સેકટરમાં શોપિંગ સેન્ટર ,બગીચા, દવાખાનું, પ્રાથમિક શાળા. હવે તો વિકાસના વાવાઝોડામાંપ્રાથમિક શાળાઓ તો ઉડી ગઈ. ક્યાંય સરકારી પ્રાથમિક શાળા ન રહી.બીજું શું ઉડશે એ તો મારો વાલો જા્‌ણે.ગાંધીનગર જોયું ન હોય એણે આટલું સાંભળ્યું હોય. કહેવત છે કે જીવ્યા કરતાં જોયું ભલું. ગાંધીનગરમાં માત્ર શ્વાસ લીધા હોય કે ટુકું રોકાણ કર્યું હોય તે પ્રથમ પ્રેમની જેમ ભૂલાય નહી ને નાસૂરની જેમ દૂઝયા કરે.
બધાએ પૂર્વ સેવા પરીક્ષા પસાર કરી. હંગામી ધોરણે કાયમી નિમણૂક મળી ગઈ. સરકારી કવાર્ટર મેળવવા અરજી કરી. કવાર્ટર પણ મળી ગયા. વત્સને સેકટર ૨૪ મા એને માધવને સેકટર-૧૬ મા કવાર્ટર મળ્યા. તમામ પ્રકારની બદી સામે લડનાર કર્મચારીમાં ક્રમશઃ મૂલ્યોના ધોવાણનીશરૂઆત થયેલી. એમાં મળેલ કવાર્ટર મંજૂરી વિના કોઈને પેટા ભાડે આપીને ગજવું ગરમ કરી લેવું. વત્સ આ રસ્તે અગ્રેસર થયો. પગાર મોટા હતા નહી અહીંનો ખર્ચ કાઢવાનો ને ઘરે પૈસા મોકલવાનો તકાજો.
વત્સે માધવને મળેલ સેકટર-૧૬ ના ૫૫૫/૫ મા રહેવાનું શરૂ કર્યું. ગાંધીનગરાઓનું જીવન સીધી લીટી જેવું. સવારે દસ વાગ્યે જમી અથવા ટીફીન લઈ સચિવાલય જવું. એ સમયે છૂટવાનો સમય સાંજે સાડા પાચનો હતો. છૂટીને સીધા ઘરે સાયંકાલ લેન્ડ થાય. સાંજે ચા પીને લુંગી અડધી ચઢાવીને ટોટી લઈ કંપાઉન્ડમાં પાણી છાંટવાનું . કંપાઉન્ડ પાણીથી લથબથ કરી દેવાનું કંપાઉન્ડમાં ખાટલા ઢાળી ઉંઘવાથી પંખા ચલાવવા ન પડે . લાઈટ બીલની બચત થાય. સરકારી નગર. રાત્રે આઠેક વાગ્યે સન્નાટો પ્રસરી જાય. કોઈ અજાણ્યાને સરનામું પૂંછવું હોય તો માણસ ન મળે ને ઝાડ કે વીજળીના થાંભલાને સરનામું પૂંછવું પડે.રાત્રે ચા પીવા માટે ચીલોડા સર્કલે જવું પડે.
વત્સની નાતમાં મામા-ફઈના દીકરા- દીકરી વચ્ચે લગ્ન થઈ શકે. મૂળમાં કૌટુંબિક એકતા રહે તેમ જ મિલકતની લોહિયાળ વહેંચણી નિવારી શકાય. વત્સને નોકરી મળી કે પહેલા મામાની દીકરી ગાર્ગી સાથે જળ આપેલું.
વત્સના મામા એટલે હવે થનાર સસરા પ્રતાપભાઈ ધાધલ ગાંધીનગર વત્સને મળવા આવનાર હોવાની ઈનલેન્ડ લેટરથી જાણ કરેલ. એ જમાનામાં ખતખબર માટે પંદર પૈસાનું પત્તુ એટલે પોસ્ટકાર્ડ લખતા. ખાનગી વાત લખવા આંતરદેશીય પત્ર એટલે ઈનલેન્ડ પત્ર લખવામાં આવતો.
પ્રતાપભાઈ પથિકાશ્રમ બસ સ્ટેશને ઉતર્યા. રીક્ષા કરીને ઘરે આવ્યા. વત્સ અને માધવ નીચે વાંકા વળીને પગે લાગ્યા. વત્સે માધવને ઇશારાથી પાણી લાવવા કહ્યું. માધવે ગોળાનું બુજારૂં ઉઠાવ્યું. અંદર લોટો નાંખ્યો. ગોળાના તળિયે ઘસાણો. ખાલી ગોળાનો અવાજ અલગ હોય ને!! માધવ સમજી સમજી ગયો. એ કાંઈ રેંજીપેંજી ન હતો.
તરત જ પરિસ્થિતિ સમજી ગયો. ડેમેજ કંન્ટ્રોલ એકસરસાઈઝ શરૂ કરી.
સેકટર ૧૬ ના સરકારી મકાનોમાં એક સવલત હતી કે રસોડામાંથી અગાસીમાંથી આવી શકાત હતું. ચૌદસીયા તરીેકે ઓળખાતા દરેક પ્રથમ માળે ગેલેરી/ બાલકની જેવી અગાસી મળતી હતી. માધવ જગ લઈને પાણીની ટાંકાનું ઢાંકણ ખોલી ભરી લાવ્યો ને વત્સના સસરાને જગમાથી ગ્લાસમાં પાણી ભરી ગ્લાસમાં પાણી આપ્યું. પછી ગઈકાલે લાવેલ પાપડી,ચેવડો અને પેંડા ડીશમાં ભરીને ટીપોઈ પર મુકી કહ્યું “ વડીલ નાસ્તો કરો હું ચા લાવુ છું”
માધવ રસોડામાં આવ્યો.ચા બનાવવા તપેલી કાઢી . તપેલીમાં થોડું પાણી નાંખ્યું.દૂધ નાંખ્યું. ચા પતી નાંખી. ખાંડ નાંખવા ડબ્બો ખોલ્યો. ડબ્બામાં ખાંડ જ ન હતી. માર્યા ઠાર. ગ્રહણ ટાણે સાપ તે આનું નામ. હજુ સ્ટવ પેટાવેલો નહી તે ગનીમત. સંકટ સમયની સાંકળ બીનાભાભી. ભોંયતળિયે રહે. સરકારી કર્મચારીઓ કવાર્ટર રહેતા ત્યારે સહોદરની જેમ રહેતા હતા. કોઈને અડધી રાતે મદદની જરૂર હોય એટલે અવાજ કરે કે મદદ કરતા. ઈર્ષાનું તત્વ લેશમાત્ર નહી.કર્મચારીને રહેવા માટે જમીન મળી મકાન બનાવ્યા પછી બધાના દિમાગમાં માનો કે હળાહળ હળયુગ આવ્યો ને મિત્રતા, બંધુત્વનો યુગ માનો કે પૂરો થયો. ઈર્ષા, વૈમનસ્ય વધી ગયા.કવાર્ટમાં વરસો સાથે રહેનાર મિત્રોએ બાજુબાજુમાં પ્લોટ લઈ મકાન બનાવ્યા પછી આત્મીયતા વધવાના બદલે બોલવા વ્યવહાર ન રહ્યા ને જિંદગીભરની દુશ્મની થઈ લટકામાં. માધવ વાટકી લઈ પાછળના રસ્તેથી માધવ નીચે આવ્યો.ધત તેરે કી. બીનાભાભી પિયર ગયેલા. ઘરે ભાભીનો ભાઈ હાજર. તેને રસોડાની ગતાગમ ઓછી. સરવાળે બધા ડબ્બા ફંફોસ્યા. મીઠું, મરચું , હળદર, કોકમ, મગ મોગર, સોજી ખાર.એક ડબ્બો સૌથી ઉપર. તેને પકડીને નીચે ઉતારતા ઊંધો પડ્યો ને ખુલી ગયો. ખાંડ વેરાઈ રસોડામાં. કોઈ અર્બન ગુજરાતી ફિલ્મનું જાણે કે ટાઈટલ. સાવરણીથી ખાંડ ભેળી કરી.વાટકી ભરીને ખાંડ લઈ માધવ ઉપર આવ્યો. સ્ટવ પેટાવી ચા તૈયાર કરી કપમાં ગાળીને પ્રતાપભાઈને આપી. પ્રતાપભાઈ સરભરાથી ખુશ થઈ વિદાય થયા.
માધવે વત્સને માંડીને વાત કરી. વત્સ હરખભેર માધવને ભેટી પડ્યો. થેન્ક યુ થેન્ક યુ કહેવા લાગ્યો. માધવ સુદ્રશનધારી કૃષ્ણ જેનું મનમોહક સ્મિત કરીને બોલ્યો કે ભગવાન ખાલી મીરાનો ઝેર કટોરો અમૃત બનાવે, મગરના જડબામાં ફસાયેલ ગજેન્દ્રનો ગરબડ લઈને મોક્ષ કરે, નરસિંહ મહેતાની હૂંડી શેઠ સગાળશા થઈને ચલાવે તેવું થોડું હોય? માધવ અજમેરા બની વત્સ વરૂ ની મુશ્કેલી હલ ન કરી શકે?
વત્સ લુચ્ચું હસીને બોલ્યો ઓએમજી!!

– ભરત વૈષ્ણવ

Previous articleવડોદરાની ૨ મહિલા ક્રિકેટર્સનું ટીમ ઈન્ડિયામાં સિલેક્શન, શ્રીલંકા સામે રમશે
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે