મુંબઇ,તા.૧૨
ચોમાસાના આગમન બાદ મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ દરમિયાન રાજ્યના મરાઠવાડા વિસ્તારમાં વીજળી પડવાને કારણે ૫ લોકોના મોત થયા છે. માત્ર જાલના જિલ્લામાં જ ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા છે. ઔરંગાબાદ જિલ્લામાં પણ બે લોકોએ જીવ ગુમાવ્યા છે. આ બંને જિલ્લા મહારાષ્ટ્ર ના મરાઠવાડા ક્ષેત્રમાં છે. ઔરંગાબાદ, હિંગોલી અને નાંદેડ જિલ્લામાં ભારે વરસાદ શરૂ થયો છે. આ વર્ષે મરાઠવાડામાં ભારે વરસાદની સંભાવના છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે ભારે વરસાદની બેટિંગ શરૂ થઈ છે. વરસાદની સાથે સાથે વાદળોનો ગડગડાટ અને વીજળીનો કડાકો પણ શરૂ થાય છે. પશુઓ ચરાવવા ગયેલા વ્યક્તિ પર વીજળી પડી હતી. જેના કારણે પિસારામ ચાચાણે (ઉંમર ૬૦ વર્ષ)નું મોત થયું હતું. તેવી જ રીતે ભંડારા જિલ્લાના લાખણી તાલુકાના શિવની મોગરા વિસ્તારમાં વીજળી પડવાથી બે બાળકો ઘાયલ થયા હતા. આ બંનેના નામ ક્રાંતિવીર સુભાષ ગરપડે (ઉંમર ૧૨) અને છકુલી હિમાંશી રાજુ નેવારે (ઉંમર ૧૦) છે. પીસારામ ગાય ચરાવવા ગયો હતો અને આ બંને બાળકો બકરા ચરાવવા ગયા હતા. દરમિયાન મુશળધાર વરસાદ શરૂ થયો હતો. પીસારામ અને બંને બાળકો એક ઝાડ નીચે ઊભા હતા. ત્યારે અચાનક વીજળી પડી હતી અને ત્રણેય ખરાબ રીતે દાઝી ગયા હતા. ગ્રામજનોએ ત્રણેયને લાખણીની ગ્રામ્ય હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ડોક્ટરોએ પીસારામને મૃત જાહેર કર્યો હતો. પ્રાથમિક સારવાર બાદ બંને બાળકોને વધુ સારવાર માટે ભંડારાની જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વીજળી પડવાથી એક મહિલાનું મોત નિપજ્યુ છે. આકરી ગરમી બાદ શનિવારે બપોરે ૨.૩૦ વાગ્યે પડેલા ભારે વરસાદ દરમિયાન વીજળી પડતાં એક મહિલાએ જીવ ગુમાવ્યો હતો. આ અકસ્માત ભોકરદન તાલુકાના કોડા વિસ્તારમાં બન્યો હતો. મહિલાનું નામ ગંગાબાઈ પાંડુરંગ જાધવ (ઉંમર ૫૫) છે. તે તેના પુત્ર દત્તા પાંડુરંગ જાધવ અને પુત્રી ભારતી ગજાનન જાધવ સાથે ખેતરમાં ગઈ હતી. ત્યારપછી બપોરે ૨.૩૦ કલાકે જોરદાર વરસાદ શરૂ થયો હતો. દરમિયાન ઘરે પરત ફરતી વખતે વીજળી પડતાં ગંગાબાઈનું મોત થયું હતું અને દત્તાત્રય જાદવ અને ભારતી જાદવને ગંભીર ઈજા થઈ હતી. તેઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.