ફાયરબ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો
ભાવનગર શહેરના કુંભારવાડા મોતી તળાવ રોડ પર આવેલા રામાપીરના મંદિર પાસે ખુલ્લી જગ્યામાં આજરોજ સવારે ઓઈલના ખાલી ટીપડા તથા કચરાના જથ્થામાં આગ લાગી હતી. ગઇકાલે પણ તે જગ્યાએ મોડી સાંજે આગ લાગી હતી. ત્યારે ફરી આજે સવારે આગ લાગી હતી. તેમજ શહેરના ચિત્રા વિસ્તારમાં આવેલી માર્કેટીંગ યાર્ડ પાસે દુકાન પાસે ખુલ્લી જગ્યામાં પણ આગ લાગી હતી. આ અંગે ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરતા ફાયરબ્રિગેડની એક ગાડીએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ સમગ્ર બનાવ અંગે ફાયર વિભાગમાંથી જાણવા મળતી વિગતો અનુસાર આજે સવારે 8:15 કલાકે ફાયરબ્રિગેડને કોલ મળ્યો હતો કે, શહેરના કુંભારવાડા મોતી તળાવ રોડ પર આવેલા રામાપીરના મંદિર પાસે ખુલ્લી જગ્યામાં પડેલા ઓઈલના ખાલી ટીપડા તથા કચરાના જથ્થોમાં કોઈ આકસ્મિક કારણોસર આગ લાગી છે. જેથી ફાયરબ્રિગેડનો કાફલો દોડી આવ્યો હતો અને સતત પાણીનો છંટકાવ કરી આગપર કાબૂ મેળવ્યો હતો. બે કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. ગઈકાલે કુંભારવાડા મોતી તળાવ રોડ પાસે શેરી નંબર.8 માં આવેલી ખુલ્લી જગ્યામાં ઓઇલના ટીપડા તથા કચરામાં આગ લાગી હતી. ત્યારે બીજા દિવસે તે જ સ્થળ પર આગ લાગી હતી જેમાં ફાયર બ્રિગેડના કાફલાએ દોડી આવી પાણીનો છટકાવ કરી આગ પર કાબૂ મેળવ્યો હતો. બીજો બનાવ શહેરના ચિત્રા વિસ્તારમાં આવેલી માર્કેટીંગ યાર્ડ પાસે દુકાન નંબર A-84, 85 ની વચ્ચે ખુલ્લી જગ્યામાં કચરામાં આજે સવારે 10 વાગ્યા આસપાસ આગ લાગી હતી. આ અંગે ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરતા ફાયરબ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગને ઓલવી નાખી હતી.