વેકેશન બાદ ફરીથી શાળામાં આવેલા ભુલકાઓમાં આનંદ
ભાવનગર શહેર અને જિલ્લાની શૈક્ષણીક સંસ્થાઓ 35 દિવસીય ગ્રીષ્મકાલીન વેકેશન પૂર્ણ થતા આજરોજ સોમવારથી રાબેતા મુજબ શરૂ થયું હતું. ઉનાળુ વેકેશન બાદ આજથી શાળાઓ ખુલતા જિલ્લાની માધ્યમિક અને પ્રાથમિક શાળાઓમાં વિધાર્થીઓની પ્રથમ દિવસે પાંખી હાજરી જોવા મળી હતી. બીજી તરફ વેકેશન બાદ ફરીથી શાળામાં આવતાં કેટલાંક ભૂલકાં હર્ષોલ્લાસ સાથે અન્ય મિત્રોને મળતા અને વેકેશનમાં માણેલી મજા શેર કરતા જોવા મળ્યા હતા. શાળાઓમાં વર્ગખંડમાં બાળકો વગર સૂનું લાગતું હતું, જે હવે શિક્ષણ શરૂ થતા ખિલખિલાટ જોવા મળી રહ્યો છે.નવા શૈક્ષણિક સત્રના આરંભ સ્થાનિક સ્ટેશનરી દુકાનમાં પાઠ્યપુસ્તકો, રજીસ્ટર, નોટબુક, નવનીત પોથીઓ, ગાઈડ અને સાહિત્ય તેમજ અન્ય સ્ટેશનરીની ચીજવસ્તુઓ તેમજ સ્કૂલ બેગ, શુઝ તથા યુનિફોર્મ સહિતની આવશ્યક ચીજવસ્તુઓની ખરીદી માટે અંતિમ તબક્કામાં સ્થાનિક મુખ્ય બજારોમાં ગ્રાહકો ખરીદી કરવા મળ્યા હતા.ભાવનગરના ડીઈઓ એન.જી. વ્યાસે જણાવ્યું હતું કે, ભાવનગર જિલ્લામાં કુલ 416 શાળાઓમાં 1.16 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જે 2022-23 નવા સત્રનો આજથી પ્રારંભ થયો છે. જોકે, પહેલો દિવસ હોય તેથી શાળાઓમાં પાંખી હાજરી જોવા મળી રહી છે પણ એકાદ અઠવાડિયામાં ફૂલ હાજરીઓ જોવા મળશે.