ભાવનગરના રુવા ગામે ખાતે અમૃત સરોવરના નિર્માણની કામગીરીનો પ્રારંભ કરાવતાં કલેકટર યોગેશ નિરગુડે

24

ભાવનગર પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા નિર્મિત જળસંચય માટે અમૃત સરોવર બનાવવાં માટે સંપૂર્ણ આર્થિક યોગદાન
ભારત દેશની આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં ભાવનગર જિલ્લામાં ૭૫ અમૃત સરોવરનું નિર્માણ કરવામાં આવનાર છે. આ અમૃત સરોવરો પૈકી ભાવનગરના રુવા ગામ ખાતે ભાવનગર પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા નિર્મિત થનાર અમૃત સરોવરનું ખાતમુહૂર્ત આજે સવારે કલેકટર યોગેશ નિરગુડેએ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, ભાવનગર જિલ્લામાં જિલ્લા વહીવટીતંત્ર અને કલેકટરના સક્રિય પ્રયાસોને લઈને ૭૫ સરોવરનું નિર્માણ વિવિધ સંસ્થાઓ તેમજ વ્યક્તિઓના આર્થિક તેમજ શ્રમદાનના સહકાર સાથે થઈ રહ્યું છે. ભાવનગર જિલ્લામાં ૭૫ અમૃત સરોવરના નિર્માણથી પાણીની સંગ્રહ ક્ષમતામાં અનેક ગણો વધારો થનાર છે ત્યારે ભાવનગર પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સંપૂર્ણ આર્થિક સહયોગ સાથે રુવા ગામે તળાવ નવીનીકરણના કામનું ખાતમુહુર્ત કલેકટર યોગેશ નિરગુડે દ્વારા આજે સવારે રુવા ગામ ખાતે કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, અમૃત સરોવર નિર્માણની કામગીરીનો પ્રારંભ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવીયાએ થોડા દિવસો પહેલા પાલીતાણાના હણોલ ગામ ખાતેથી કરાવ્યો હતો. જિલ્લામાં વરસાદી પાણીના સંગ્રહ માટે જુના તળાવને ઊંડા ઉતારવાનું અને નવીનીકરણનું કાર્ય જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જિલોવાની નિગરાનીમાં કરવામાં આવી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની દેશના દરેક જિલ્લામાં આઝાદીના અમૃત મહોત્સવ અવસરે ૭૫ સરોવરના નિર્માણમાં આગેવાની લઇને ભાવનગર જિલ્લામાં ૭૫ ને બદલે ૧૦૦ સરોવરો બનાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
આ પ્રસંગે ભાવનગર પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડના અધિકારીઓ, સિંચાઇના પંચાયત વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી ડી.આર. પટેલ, સિંચાઇ વિભાગના અધિકારીઓ, સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Previous articleસૂર્ય નારાયણના પ્રકોપ સામે ઢાલ બની પધારતા વાદળો….
Next articleઇસ્કોન ક્લબમાંથી હાઈપ્રોફાઈલ જુગાર ઝડપાયો રૂ.૬.૦૫ લાખના મુદ્દામાલ સાથે ૬ નબીરા પકડાયા