ઇસ્કોન ક્લબમાંથી હાઈપ્રોફાઈલ જુગાર ઝડપાયો રૂ.૬.૦૫ લાખના મુદ્દામાલ સાથે ૬ નબીરા પકડાયા

26

બંધ રૂમમાં બાજી માંડી બેસેલા નબીરાઓ રંગેહાથ ઝડપાયા, જુગારની ચાલમાં ૫૦૦ – ૫૦૦ની નોટ ઉતરતા હતા ! પટ્ટમાંથી રોકડા ૪.૬૬ લાખ મળી આવ્યા
ભાવનગર શહેરના નામાંકિત ઇસ્કોન ક્લબ એન્ડ રિસોર્ટમાં એક રૂમમાં જુગારની બાજી મંડાઈ હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડો કરી જુગારની બાજી માંડી બેઠેલા ૬ નબીરાઓને રંગેહાથ ઝડપી લીધા હતા. આ સાથે પટ્ટમાંથી રોકડા રૂપિયા ૪.૬૬ લાખ રોકડા મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
હાઇપ્રોફાઇલ જુગાર કેસની મળતી વિગતો મુજબ ભાવનગર બોરતળાવ પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે પી.આઈ. જે.આર ભાચકનને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઇસ્કોન ક્લબમાં રૂમ નંબર ૨૦૦૧ને ડુપ્લીકેટ ચાવીથી ખોલાવી પોલીસે દરોડો કર્યો હતો. આ સમયે ૬ લોકો પૈસા પાના વતી જુગાર રમતા રંગેહાથ મળી આવ્યા હતા. પોલીસે જુગારીઓને કોર્ડન કરી લઈ હલવા દીધા ન હતા. લીસના દરોડામાં યુસુફભાઈ હાજીભાઈ લોહિયા (રહે વડવા પાળિયાધારની સામે, હાજીઅલી બિલ્ડીંગ, ભાઉકર વાડી સામે. ભાવનગર), આસિફભાઇ મમુંભાઈ મેમણ (રે મરીના ટેનામેન્ટ ફ્લેટ નંબર ૭૦૨, ખદિજા મસ્જિદની પાછળ શિશુવિહાર ભાવનગર), આશિફભાઈ હુસેનભાઇ ઘોઘારી (રહે. દોલાસ દરબાર રેસ્ટોરન્ટ પાસે મતવા ચોક ભાવનગર), મુનાફભાઈ મહંમદભાઈ શેખ (રહે, આરબ વાડ મતવા ચોક ભાવનગર), કાદરભાઈ ગફારભાઈ લોહિયા (રહે. મરિયમ ફ્લેટ રૂમ નંબર પ કાઠીયાવાડ ભાવનગર) અને આસિફભાઇ મહંમદહુસેન દોહલા (રહે. શિશુવિહાર સર્કલ પાસે ભાવનગર) જુગાર રમતા રંગેહાથ ઝડપાયા હતા. પોલીસે જુગારના પટમાંથી ગંજી પત્તાના પાના ઉપરાંત રૂપિયા ૪.૬૬ લાખ રોકડા કબ્જે કર્યા હતા આ ઉપરાંત અંગ જડતીમાં મળી આવેલ રોકડ રકમ તેમજ આઇફોન, મોબાઈલ ફોન સહિતના મુદામાલ મળી કુલ રૂપિયા ૬.૦૫ લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. તમામ સામે જુગારધારાની કલમ ૪ અને ૫ તળે પોલીસ કોન્સ્ટેબલ એમ. બી. નીમાવતાએ ગુન્હો નોંધવતા ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ હતી.
જુગારના દરોડામાં આરોપીઓની અંગજડતીમાં કોની પાસેથી શું મળ્યું ?
યુસુફભાઈ લોહિયા પાસેથી રોકડા રૂપિયા ૭૫૦૦ તથા રૂપિયા ૨૫ હજારનો મોબાઈલ, આસીફભાઈ મેમણ પાસેથી રોકડા ૭૦૦૦ તથા ૨૦ હજારનો આઇફોન તથા અન્ય એક ૨૦ હજારનો મોબાઇલ ફોન, આસિફભાઈ ઘોઘારી પાસેથી રૂ.૪૫૦૦ રોકડા અને ૧૫ હજારનો મોબાઇલ ફોન, મુનાફભાઈ શેખ પાસેથી રૂ.૪ હજાર રોકડા અને ૨૦ હજારનો ફોન, કાદરભાઈ લોહિયા પાસેથી ૬૫૦૦ રોકડા અને ૧ હજારનો ફોન જ્યારે આસિફભાઇ દોહલા પાસેથી ૬ હજાર રોકડા અને ૩ હજારનો ફોન મળી આવેલ.
બાતમી મળતા પોલીસ ખાનગી બાઈક પર દરોડો કરવા પહોંચી…
ઇસ્કોન ક્લબમાં રૂમ નંબર ૨૦૦૧માં જુગારની બાજી મંડાઈ હોવાની બાતમી મળતા જ રવિવારે સાંજે ૬ વાગ્યાના સુમારે બોરતળાવ પોલીસ સ્ટાફના માણસો ખાનગી મોટર સાઇકલ લઈ તપાસમાં દોડી ગયેલ અને ઇસ્કોન ક્લબ એન્ડ રિસોર્ટના રિસેપ્શનમાં મેનેજર આનંદ ઠક્કરને સાથે રાખી માસ્ટર કી મેળવી રૂમ ખોલાવતા ઉક્ત તમામ જુગાર રમતા મળી આવતા પોલીસે કોર્ડન કરી લીધા હતા.

Previous articleભાવનગરના રુવા ગામે ખાતે અમૃત સરોવરના નિર્માણની કામગીરીનો પ્રારંભ કરાવતાં કલેકટર યોગેશ નિરગુડે
Next articleનિર્મળનગરમાં જુગાર રમતા પિતા-પુત્ર સહિત ૧૦ પત્તેબાજ ઝડપાયા