તેજસ્વી પ્રકાશના હાથમાંથી જતી રહી આયુષમાન સાથેની ફિલ્મ

35

મુંબઈ, તા.૧૩
બિગ બોસ અને નાગિન ફેમ ટીવી અભિનેત્રી તેજસ્વી પ્રકાશે બોલિવૂડમાં પ્રવેશ કરવા માટે હજી થોડી રાહ જોવી પડશે તેમ લાગી રહ્યું છે. એવી જાણકારી મળી હતી કે તેજસ્વી પ્રકાશ અભિનેતા આયુષમાન ખુર્રાના સાથે એક ફિલ્મમાં જોવા મળશે અને આ તેની ડેબ્યુ ફિલ્મ હશે. પરંતુ આ ફિલ્મ તેજસ્વી પ્રકાશના હાથમાંથી જતી રહી હોય તેવી જાણકારી મળી રહી છે. તમને જણાવી દઈએ કે આયુષમાન ખુર્રાનાની સુપરહિટ ફિલ્મ ડ્રીમ ગર્લની સિક્વલ ફિલ્મ ડ્રીમ ગર્લ ૨માં તેજસ્વી પ્રકાશને લીડ રોલ મળ્યો હતો, પરંતુ હવે આ રોલ તેના હાથમાંથી જતો રહ્યો છે. ઉલ્લેખનીય છે કે તેજસ્વી પ્રકાશ બિગ બોસની ૧૫મી સિઝનની વિજેતા છે અને ત્યારપછીથી તેની ફેન ફોલોવિંગ ઘઈ વધી ગઈ છે. અત્યારે તે ટીવીની લોકપ્રિય સીરિયલ નાગિનમાં લીડ રોલ કરી રહી છે. તેજસ્વીના ફેન્સ તેના બોલિવૂડ ડેબ્યુ માટે ઘણાં ઉત્સુક હતા. રિપોર્ટ્‌સ અનુસાર, અભિનેત્રીને એકતા કપૂરની ફિલ્મ રાગિની એમએમએસ પણ ઓફર કરવામાં આવી હતી, પરંતુ ફિલ્મના વિવાદાસ્પદ વિષયને કારણે તેણે ઓફર રિજેક્ટ કરી હતી. તેજસ્વી પ્રકાશે તાજેતરમાં જ બોયફ્રેન્ડ કરણ કુન્દ્રા સાથે ગોવામાં જન્મદિવસની ઉજવણી કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, કરણ તેજસ્વીને ગોવા લઈ ગયો હતો. તેણે તેજસ્વીના જન્મદિવસને ખાસ બનાવવા માટે તમામ પ્રયત્નો કર્યા હતા. કરણ સુનિશ્ચિત કરવા માંગતો હતો કે આ તેજસ્વી પ્રકાશનો અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ જન્મદિવસ બને. વર્ક ફ્રંટની વાત કરીએ તો તેજસ્વી અત્યારે નાગિન ૬માં જોવા મળી રહી છે. આ સિવાય તે કરણ કુન્દ્રા સાથે રિયાલિટી શૉ ડાન્સ દિવાને જૂનિયર પણ હોસ્ટ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે કરણ અને તેજસ્વીની મુલાકાત બિગ બોસના ઘરમાં થઈ હતી. બિગ બોસના ઘરમાં જ તેમની મિત્રતા થઈ હતી જે આખરે પ્રેમમાં પરિણમી હતી.

Previous articleશહેરના જુદા જુદા ચાર સ્થળોએથી ૨૩ શખ્સો જુગાર રમતા ઝડપાયા
Next articleભારતના યુવા ગ્રાન્ડ માસ્ટર પ્રજ્ઞાનંદે નોર્વે ચેસ ઓપન ટાઈટલ જીત્યું