નવીદિલ્હી,તા.૧૧
ભારતના યુવા ગ્રાન્ડ માસ્ટર આર. પ્રજ્ઞાનંદનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. ૧૬ વર્ષીય યુવા ગ્રાન્ડ માસ્ટર માટે અત્યાર સુધીનું આ વર્ષ ખૂબ જ શાનદાર રહ્યું છે. પ્રજ્ઞાનંદે શાનદાર પ્રદર્શન સાથે નોર્વે ચેસ ગ્રુપ-એ ઓપન ટુર્નામેન્ટની ૯ તબક્કાની સ્પર્ધામાં ૭.૫ પોઈન્ટ સાથે વિજય મેળવ્યો છે. તે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન અજેય રહ્યા હતો અને શુક્રવારે મોડી રાતે સાથી ભારતીય આંતરરાષ્ટ્રીય માસ્ટર (IM) વી પ્રણીત પર વિજય સાથે ટુર્નામેન્ટનું સમાપન કર્યું હતું. પ્રજ્ઞાનંદ (ઈએલઓ ૨૬૪૨) બીજા સ્થાન પરના આઈએમ માર્સેલ એફ્રોઈમ્સ્કી (ઈઝરાયેલ) અને આઈએમ જંગ મિન સેઓ (સ્વીડન)થી એક પોઈન્ટ આગળ રહ્યા. પ્રણીત ૬ પોઈન્ટ સાથે સંયુક્તરૂપે ત્રીજા સ્થાને હતા પરંતુ ઓછા ટાઈ-બ્રેક સ્કોરના કારણે છેલ્લા ટેબલ દરમિયાન છઠ્ઠા સ્થાને પહોંચી ગયા હતા. પ્રજ્ઞાનંદે પ્રણીત ઉપરાંત વિક્ટર મિખલેવ્સ્કી (૮મા લેવલ), વિટાલી કુનિન (છઠ્ઠા ટેબલ), મુખમદજોખિદ સુયારોવ (ચોથા તબક્કા), સેમેન મુતુસોવ (બીજા લેવલ) અને માથિયાસ ઉનનેલેન્ડને (પહેલા તબક્કા)પરાજય આપ્યો હતો. જ્યારે અન્ય ૩ મુકાબલામાં ડ્રો થયો હતો. નોર્વે ચેસ ટુર્નામેન્ટના આઠમા રાઉન્ડમાં ભારતના દિગ્ગજ ચેસ ખેલાડી વિશ્વનાથન આનંદનો અઝરબૈજાનના મામેડયારોવ સામે પરાજય થયો હતો.