રૂપિયો ઐતિહાસિક તળીયે, ૭૮.૨૧ની સપાટીએ પહોંચ્યો

22

શેરબજારમાં વેચવાલીના કારણે બજારમાં ફરી સલામતી તરફ દોટ જોવા મળી રહી છે. વિદેશી ફન્ડ્‌સની સતત વેચવાલીને કારણે ભારતીય ફોરેકસ અનામત ઘટી રહી છે. આજે બજાર ખુલતા ડોલર સામે રૂપિયો વધુ ૩૮ પૈસા ઘટી ૭૮.૨૧ની નવી ઐતિહાસિક નીચી સપાટીએ પટકાયો છે.ભારતીય શેરબજારમાં એકતરફી વેચવાલી અને સામે પક્ષે ક્રૂડ-ડોલરની તેજી ભારતીય રૂપિયા પર દબાણ સર્જી રહી છે. રૂપિયો ડોલરની સામે સોમવારના શરૂઆતી સેશનમાં જ ઐતિહાસિક તળિયે પહોંચ્યો છે.ભારતીય કરન્સી રૂપિયો ડોલરની સામે આજે ઈતિહાસમાં પ્રથમ વખત ૭૮ પ્રતિ યુએસ ડોલરને પાર નીકળ્યો છે. નવા સપ્તાહની શરૂઆતમાં જ બેંચમાર્ક ઈન્ડાયસિસ ૨.૫૦%થી વધુ નીચે ખુલતા અને બ્રેન્ટ ક્રૂડ ચીનમાં કોરોનાનો ઓછાયો ઓસરવા છતા અને પાબંદીઓ હટવા છતા ૧૨૧ ડોલરની આસપાસ ટ્રેડ કરી રહ્યું છે. સામે પક્ષે ડોલર ઈન્ડેકસ અડધા ટકાના ઉછાળે ૧૦૪.૪૦ પર પહોંચતા રૂપિયામાં ઘસારો જોવા મળી રહ્યો છે. ડોલરની સામે ભારતીય રૂપિયો ૭૭.૮૩ના બંધની સામે ૭૮.૧૧ના ઓલટાઇમ લો સપાટીએ ખુલ્યો હતો અને ૭૮.૨૦ની આસપાસ કામકાજ કરી રહ્યો છે. આ સિવાય ૧૦ વર્ષના સરકારી બોન્ડની યિલ્ડ ૭.૬૦%ની આસપાસ કામકાજ કરી રહી છે. ભારતીય વેપાર ખાધ – ઊંચી આયાત સામે ઓછી નિકાસ – વિક્રમી સ્તરે છે તેની અસર પણ રૂપિયા ઉપર ત્રણ મહિનાથી જોવા મળી રહી છે રૂપિયો જેમ નબળો પડે તેમ આયાત મોંઘી થાય છે અને તેના કારણે ભારત ઉપર આયાતી ફુગાવાની શક્યતા પણ વધી છે..ભારત ક્રૂડ ઓઇલ, કોપર, ખાદ્યતેલ જેવી ચીજોની આયાત કરે છે.

Previous articleસેન્સેક્સમાં ૧૪૫૭, નિફ્ટીમાં ૪૨૭ પોઈન્ટનો કડાકો
Next articleડિસે.૨૦૨૦ બાદ પ્રથમ વખત બિટકોઈન ૨૫૦૦૦ ડોલર નીચે