ભાવનગરમાં ગઇકાલે સોમવારે અનેક પેટ્રોલ પંપ પર ઇંધણનો જથ્થો ખૂટી પડતા પેટ્રોલ નથી મળવાનું એ વાતને હવા મળી હતી અને અરાજકતા જેવો માહોલ જોવા મળ્યો હતો. લોકો બેબાકળા થઈ પેટ્રોલ પુરાવવા ઉમટી પડ્યા હતા. અછતની અફવા વચ્ચે જેમને ૧૦૦ના પેટ્રોલની જરૂર હતી તેમણે રૂ.૫૦૦નું પેટ્રોલ પુરાવ્યું હતું. પરિણામે માંગમાં ઉછાળો આવતા સ્વભાવિક છે કે પેટ્રોલ ખૂટી પડ્યું હતું. બપોર બાદ પુરવઠા અને કલેકટર તંત્ર હરકતમાં આવ્યું હતું. જોકે ત્યાં સુધીમાં ઘણું મોડું થઇ ગયું હતું. લોકોએ વિશ્વાસ ગુમાવી દીધો હતો. આથી રાત્રે પેટ્રોલ પંપો પર લાઈનો અને લોકોની ખૂટતી ધીરજ નિહાળી કેટલાક સ્થળે પોલીસ પણ મૂકવી પડી હતી. રાત્રે કલેકટર નીરગુડેએ મામલો સંભાળી પેટ્રોલ ડીલરો સાથે વાતચીત કરી પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો અને લોકોને વિશ્વાસ અપાવતા મહદઅંશે રાહત થઈ હતી. જયારે આજે મંગળવારે સવારે પેટ્રોલ પંપ જોઈએ તેટલું પેટ્રોલ પૂરી આપવાનું શરૂ થતાં હાશકારો થયો હતો. પરંતુ લોકોમાં ડર અને ભયના કારણે બિનજરૂરી મોટી માત્રામાં પેટ્રોલ પૂરાવવા લાગતા આખરે તંત્રએ નિયંત્રણ માટે સૂચના આપતા પેટ્રોલ પંપો પર ટુ વ્હીલમાં રૂ.૧૦૦નું, ફોર વ્હીલમાં રૂ.૨૦૦નું અને ડીઝલ રૂ.૧૦૦૦નું જ પૂરી આપવાનું નક્કી કર્યું હતું જેથી હાલમાં દરેક લોકોની સગવડતા સચવાય જાય અને અફરાતફરી ન રહે. બહુ જલ્દીથી બધું જ પૂર્વવત થઈ જવાનો તંત્રને આશાવાદ છે.