ખાલી ખુરશીની આવભગત (બખડ જંતર)

14

સ્થળઃ ભંગાર ખુરશીઓનું ખખડધજ ગોડાઉન
પાત્રોઃ હાથા તૂટેલી, પાયા તૂટેલી, નેતર તૂટેલી, કલર ઉખડેલી, વળી ગયેલી, પૈડાં નીકળી ગયેલી ખુરશીઓ.કણસતી, સિસકતી, ટાઢા ટાઢા નિસાસા ( હવે વરસો પછી ઉના , ગરમ અને ફળફળતા નિસાસાની અપેક્ષા રાખી ખુરશીઓને શરમાવશો નહીં!
નોંધઃ અમારી સાથે બીપી, ડાયાબિટીસના દર્દીઓએ યાત્રા કરવી નહી. કોરોનાના કારણે નહીં પણ ધૂળ, ભેજ, બાબુને લીધે સ્વાસ્થ્યને હાનિ ન પહેોંચે તે માટે માસ્ક પહેરવું!!
વિશેષ સૂચનાઃ આ એક સંપૂર્ણ સાયલન્સ ઝોન હોઇ પંદર ડેસિબલથી વધુ શોરબકોર કરવો નહીં!!
પ્રકાશઃ નળિયાંના છીદ્રોમાંથી ચળાઈને આવતો સૂર્ય પ્રકાશ સ્પોટ લાઇટની જેમ ચોક્કસ ચીજ ફોકસ કરે છે
સંગીતઃ રામ સે હોરરની થર્ડ કલાસ સસ્પેન્સના કંડમ મ્યુઝિક
ટીપ્પણઃ વર્તમાનપત્ર દ્રશ્ય માધ્યમ છે. ટુ ડી છે. અમારો હાસ્યલેખ( લેખકડા તું શેનો પ્રકાર નક્કી કરે છે. કશુંક કદરદાન વાંચકો પર છોડ!!) થ્રીડી છે. જગતનો એકમાત્ર પહેલો અને છેલ્લો લેખ છે!!
આટલી લાઘવયુકત ( કોણ હસ્યુ?લાઘવ આટલું પ્રલંબ છે તો વિગતપ્રચુર કેટલું પ્રપ્રલંબ હશે???)પ્રસ્તાવના સહ પ્રસ્તુત છે ખુરશીઓની વેદના!! ( સાલ્લું ભૂલભૂલમાં પણ જામી ગયું. હંગતા બકડિયું. સોરી ડિલિટ મારજો. બગાસું ખાતાં પતાસું. આ જ છાપશો )
“ આજકાલની ચિબાવલી, તકવાદી, તકલાદી ખુરશીઓ કંઇ કરે નહીં ને છાપે ચડે” માર્ગદર્શક મંડળમાં સમાવિષ્ટ એવી ખુરશીએ નુકતેચીની કરી!!
“ હાય હાય! કોઇ ટેબલ જોડે પાયા મળતા ભાગી ગઇ?” કિટીપાર્ટી કુથલીખોર બટકબોલી ખુરશી બોલી.
“ હા. બોલો હું નહેરૂની ખુરશી છું નહેરૂ મારી
આળપંપાળ ન કરતા એડવિનાની આળપંપાળ કરતા હતા. ખુદની ઉપેક્ષા અને વોહની વાહવાહીની પીડા અભિવ્યકત કરી.
“ હું તો સરદાર સાહેબની ખુરશી છું. સાહેબે મારા કરતા દેશહિતની ખેવના કરી. મને મિડીયામાં ચમકવાની ખેવના ન હતી” દ્રઢ સ્વરે ખુરશીએ કહ્યું.
“ ભાઇઓ હું પ્રિયદર્શીનીની ખુરશી છું. એક સમયે ઇંદિરા ઇઝ ઇન્ડિયા અને ઇન્ડિયા ઇઝ ઇંદિરા એવું સમીકરણ હતું. તેમની કેબિનેટમાં ઇંદિરાજી મર્દ હતી . જેને અટલજીએ દેવી દુર્ગા કહેલ” ખુરશીની અંગરક્ષકોએ ગોળીબાર કરતા હત્યા થઇ તેમ કદલીસ્તંભની જેમ ફસડાઈ પડી !!!
“ ભાઇ ગાંધીનગર તો ખુરશીનું નગર છે. અમારા સાહેબ તો ચોવીસ કલાક ખુરશીમાં પ્રાણ પ્રતિષ્ઠિત રહે છે, ખુરશી પર ઊંઘે છે, રખેને કોઇક બેસી જાય!!” એક ખુરશીએ હ્યુમન ઇન્ટ્રેસ્ટિંગ સ્ટોરી શેર કરી .
“ એક ખાનગી વાત કહું? જ્યારે આપણા ગુજરાતનું નવું પાટનગર બનવાનું હતું. ત્યારે તેનું નામ પાડવામાં ગાંધીનગરનું નામાભિધાન કરવાનું નક્કી થયું ત્યારે કુર્શીનગર કરવાની વાત વિચારણા હેઠળ હતી!!” માહિતી ખાતાની ખુરશીએ ઘટસ્ફોટ કર્યો!!
“ગાંધીનગરમાં ખુરશીની ખટખટ છે. ખુરશી મેળવવા ખુરશી અસ્વારને ગબડાવવાના પંચવરસીય આયોજન થાય છે!! લેગપુલિંગ એ રાષ્ટ્રીય રમત છે. જે હોકી, ફૂટબોલ, ક્રિકેટ લોકપ્રિય છે!!”રમતગમત ખાતાની ખુરશીએ ખેલદિલીપૂર્વક વાત કરી.
“એ બધુ તો સમજ્યા પણ પેલી ખુરશીનું શું કરવું છે?”સિનિયર સિટિઝનની ખુરશી બોલી.
“જુઓ.પેલી કેવા સ્વૈગથી સ્ટેજ પર બેઠી છે.આમ, તો લેધર, રેકઝિન, વુડનની બનેલી છે. પણ બીજા કરતા અલગ હોવાનો ઠસ્સો છે. મોટા સાહેબ બેઠા નથી તો પણ વરસાદથી બચાવવા રક્ષક છત્રી લઇને ઉભો છે. હવે ગરમીથી બચાવવા ચામર ઢોળે, એક બે ચોપદાર છડા પોકારે તો ભયોભયો!!” એક મંથરા ખુરશીએ વિષવમન કર્યું!!

– ભરત વૈષ્ણવ

Previous articleવર્લ્ડ યુથ વેઈટલિફ્ટિંગમાં ૧૬ વર્ષીય ગુરૂનાયડુએ ગોલ્ડ જીત્યો
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે