સાળંગપુર BAPS સ્વામિનારાયણ મંદીર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ સંમેલન યોજાયું

26

રાજ્યપાલના હસ્તે પ્રાકૃતિક ખેતી કરતાં જિલ્લાના ૧૩ ખેડૂતોને સન્માનિત કરાયા :જિલ્લાના ૨ ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ અંગેના પોતાના પ્રતિભાવો રજૂ કર્યાં
આઝાદીના અમૃત મહોત્સવ તથા પૂ.પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે અને વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવતા થાય તેમજ ખેડૂતોને વિશેષ પ્રોત્સાહન મળે તે હેતુસર બોટાદ જિલ્લા પ્રશાસન તથા BAPS સ્વામિનારાયણ મંદિર, સાળંગપુરના સંયુક્ત ઉપક્રમે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને આજે BAPS સ્વામિનારાયણ મંદિર, સાળંગપુર ખાતે ‘પ્રાકૃતિક કૃષિ’ સંમેલન યોજાયું હતું.ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે બોટાદ ખાતે યોજાયેલા પ્રાકૃતિક કૃષિ સંમેલનને સંબોધતા જણાવ્યું હતું કે, ખેતી અને ખેડૂતની સમૃદ્ધિ માટે પ્રાકૃતિક ખેતી આજના સમયની માંગ છે. તેમણે જણાવ્યું હતું કે,આત્મનિર્ભર ખેડૂત અને આત્મનિર્ભર ખેતી દ્વારા આત્મનિર્ભર ભારતનું નિર્માણ થઈ શકશે.

આ માટે પ્રાકૃતિક ખેતી પ્રત્યેક ખેડૂત અપનાવે તે આવશ્યક છે. રાજ્યપાલએ પ્રાકૃતિક કૃષિને જળ-જમીન અને પર્યાવરણને સુરક્ષિત કરનારું ઇશ્વરીય કાર્ય ગણાવ્યું હતું.આઝાદીના અમૃત મહોત્સવ તથા પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ અંતર્ગત જિલ્લા વહીવટીતંત્ર, બોટાદ દ્વારા સાળંગપુર તીર્થક્ષેત્રમાં સ્વામિનારાયણ મંદિર ખાતે પ્રાકૃતિક કૃષિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે ઉપસ્થિત ખેડૂતોને પ્રાકૃતિક કૃષિનું મહત્વ સમજાવતા રાજ્યપાલએ જણાવ્યું હતું કે, આઝાદી બાદ ખાદ્યાન્ન ક્ષેત્રે સ્વાવલંબી બનવાના ઉદ્દેશથી રાસાયણિક કૃષિ અપનાવી એ સમયની માંગ હતી. આજે સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગની સમસ્યાથી ત્રસ્ત છે. ગ્લોબલ વોર્મિંગની સમસ્યામાં ૨૪ ટકા જેટલો ફાળો રાસાયણિક કૃષિનો છે. રાસાયણિક કૃષિથી જળ-જમીન અને પર્યાવરણ પ્રદૂષિત થઈ ગયા. જમીન બંજર બની રહી છે. રાસાયણિક ખાતર અને જંતુનાશકોના ઉપયોગથી દૂષિત ખાદ્યાન્ન આરોગવાથી લોકો કેન્સર, ડાયાબિટીસ, હાર્ટએટેક જેવી અસાધ્ય બિમારીનો ભોગ બની રહ્યા છે. રાસાયણિક ખાતર પાછળ કેન્દ્ર સરકારને ૧ લાખ ૬૦ હજાર કરોડની સબસીડીનો ભાર પડે છે.રાજ્યપાલએ જણાવ્યું હતું કે યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રાકૃતિક કૃષિ દ્વારા ખેડૂતોને સમૃદ્ધ કરવાની સાથે કૃષિને પણ સમૃદ્ધ કરવાના સંકલ્પને સાકાર કરવા પ્રાકૃતિક કૃષિને પ્રત્યેક ખેડૂત અપનાવે તે જરૂરી છે ગુજરાતમાં આજે બે લાખ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયા છે તેમ પણ તેમણે જણાવ્યું હતુ.રાજ્યપાલએ જણાવ્યું હતું કે, માનવીએ વિકાસની સાથે સાથે પ્રકૃતિનું એટલું જ દોહન કર્યું જેની સજા રૂપે આજે માનવી જળવાયુ પરિવર્તન જેવી સમસ્યાનો સામનો કરી રહ્યા છે. પ્રકૃતિ રૂપી ઈશ્વરીય વ્યવસ્થા સાથે સહયોગી બની જીવવું એ જ માનવીનો સાચો ધર્મ છે, પ્રાકૃતિક કૃષિ દ્વારા પ્રકૃતિને સહયોગી બની ખેતી કરવામાં આવે છે. રાસાયણિક કૃષિના કારણે આજે દેશની જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે, જમીનમાં રસાયણો અને જંતુનાશકોના ઉપયોગથી જમીનનો ઓર્ગેનિક કાર્બન સતત ઘટી રહ્યો છે અને જમીન બિનઉપજાઉ બનતી જાય છે. રાસાયણિક કૃષિને કારણે જમીનને ફળદ્રુપ બનાવતા સૂક્ષ્મજીવો નાશ પામે છે, જ્યારે પ્રાકૃતિક કૃષિમાં ગાયના છાણ- ગૌમૂત્ર, બેસન, ગોળ અને માટીના મિશ્રણથી બનતા જીવામૃત-ઘનજીવામૃતથી જમીનમાં અળસિયા જેવા મિત્રજીવોની વૃદ્ધિ થાય છે અને જમીન ફળદ્રુપ બને છે.રાજ્યપાલ એ એમ પણ જણાવ્યું હતું કે, ઓર્ગેનિક કૃષિ અર્થાત જૈવિક કૃષિથી પ્રાકૃતિક કૃષિ એકદમ અલગ છે. જૈવિક કૃષિમાં શરૂઆતના વર્ષોમાં ઉત્પાદન ઘટે છે, વિદેશી અળસીયા ભારતીય વાતાવરણમાં પુરી ક્ષમતાથી કામ કરતાં નથી. વર્મી કમ્પોસ્ટ ખાતરના નિર્માણની પ્રક્રિયા ખર્ચાળ છે, એટલું જ નહીં જૈવિક ખેતીથી નિંદામણની સમસ્યાઓનો હલ થતો નથી. જ્યારે પ્રાકૃતિક કૃષિમાં વપરાતા જીવામૃત- ઘન જીવામૃત બનાવવામાં નહીંવત ખર્ચ થાય છે. છાણ-ગૌમૂત્રના કલ્ચરથી ભૂમિમાં અળસિયા જેવા મિત્ર જીવો અને સૂક્ષ્મજીવોની વૃધ્ધિ થતાં જમીન ફળદ્રુપ બને છે. ઉત્પાદન ઘટતું નથી, એટલું જ નહીં નિંદામણની સમસ્યાનો હલ થાય છે. કૃષિ ખર્ચ ઘટે છે અને સ્વાસ્થ્યપ્રદ આહારના ભાવ પણ પ્રમાણમાં વધારે મળે છે, સરવાળે ખેડૂતોને આર્થિક ફાયદો થાય છે. રાજ્યપાલએ પ્રાકૃતિક કૃષિના મહત્વના સિદ્ધાંતોને સમજાવતાં જણાવ્યું હતું કે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિમાં બીજના વાવેતર સમયે બીજને બીજામૃતથી સંસ્કારિત કરવામાં આવે છે જેથી બીજ ઝડપથી અંકુરીત થાય છે, જીવામૃત-ઘનજીવામૃત જેવા કલ્ચરથી જમીનનો આર્ગેનિક કાર્બન વધે છે, જમીન ફળદ્રુપ બને છે. આ ઉપરાંત આ પદ્ધતિમાં જમીનને કૃષિ અવશેષોથી આચ્છાદન કરવાનું મહત્વ છે. આચ્છાદન અર્થાત મલ્ચીંગથી જમીનનું ઊંચા તાપમાનથી રક્ષણ થાય છે, જમીનનો ઓર્ગેનિક કાર્બન વાતારણમાં ઉડી જાય જતો અટકે છે. જમીનમાં ભેજનું પ્રમાણ જળવાઇ રહે છે, પાણીની બચત થાય છે એટલું જ નહીં જમીનમાં અળસિયા જેવા મિત્ર જીવો દિવસ દરમિયાન પણ કાર્ય કરી જમીનને ફળદ્રુપ બનાવે છે. આચ્છાદનમાં વપરાતા કૃષિ અવશેષોનું ધીમે ધીમે બાયોમાસમાં રુપાતર થવાથી તે ખાતરની ગરજ સારે છે. રાજ્યપાલશ્રીએ આ પદ્ધતિમાં અળસિયાંના મહત્વને સમજાવતા કહ્યું હતું કે, અળસિયા જમીનને ફળદ્રુપ બનાવી અસંખ્ય છિદ્ર બનાવે છે જેના કારણે જમીનને પૂરતી માત્રામાં ઓક્સિજન મળે છે અને વરસાદનું પાણી આ છીદ્રો દ્વારા જમીનમાં ઉતરતા કુદરતી રીતે જળસંચય થાય છે.એક દેશી ગાયની મદદથી ૩૦ એકર જમીનમાં પ્રાકૃતિક કૃષિ થઈ શકે છે, તેમ જણાવતાં રાજ્યપાલએ ઉમેર્યું હતું કે, દેશી ગાયના એક ગ્રામ છાણમાં 300 કરોડ સૂક્ષ્મ જીવાણું હોય છે જે જમીનની ફળદ્રુપતા વધારે છે. જ્યારે દેશી ગાયનું છાણ- ગૌમૂત્ર ખનીજ નો ભંડાર છે. તેમણે જીવામૃત- ઘનજીવામૃત બનાવવાની સરળ પદ્ધતિને પણ તર્કબધ્ધ રીતે સમજાવી હતી. રાજ્યપાલશ્રીએ મિશ્રપાક પદ્ધતિ અપનાવવાં ખેડૂતોને અનુરોધ પણ કર્યો હતો અને ફેમિલી ડોક્ટરની જેમ ફેમિલી ફાર્મરના વિચારને અપનાવવાં જણાવ્યું હતું. પૂ. સંતશ્રી જ્ઞાનેશ્વર સ્વામીજીએ આશિર્વાદ પાઠવીને ધરતીપુત્રોને રાસાયણિક ખેતીને તિલાંજલિ આપવા અને પ્રાકૃતિક ખેતીને અપનાવવા તેમજ અન્ય ધરતીપુત્રોને પણ દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અપનાવવાં જાહેર અનુરોધ કર્યો હતો.રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે પ્રાકૃતિક ખેતી કરતાં જિલ્લાના ૧૩ ખેડૂતોને સન્માનિત કર્યાં હતાં. તેમજ પ્રાકૃતિક ખેતી કરતાં ૨ ખેડૂતોએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યાં હતાં. કાર્યક્રમના પ્રારંભે રાજ્યપાલએ વિવિધ વિભાગો તેમજ પ્રગતિશીલ ખેડૂતો તરફથી પ્રાકૃતિક કૃષિ અંગે ઉભા કરાયેલા સ્ટોલ તથા પ્રદર્શનની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત તેમણે BAPS યજ્ઞપુરૂષ વાડી તેમજ ગૌશાળાની પણ મુલાકાત લઇને જરૂરી જાણકારી મેળવી હતી. પ્રારંભમાં જિલ્લા કલેક્ટર બી.એ.શાહે તેમના સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી અને અંતમાં જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણાએ આભાર.દર્શન કર્યું હતું. આ પ્રસંગે બોટાદના ધારાસભ્ય સૌરભભાઇ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ ઘનશ્યામભાઇ વિરાણી, જિલ્લા પોલીસ અધિક્ષક કરણરાજ વાઘેલા, પૂ. સંતશ્રી જ્ઞાનેશ્વર સ્વામીજી, આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર ધાર્મિક બારોટ, જિલ્લાના અધિકારીઓ-પદાધિકારીઓ સહિત સાળંગપુર મંદિરના સંતગણો અને જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
તસવીર-વિપુલ લુહાર,બોટાદ

Previous articleભાવનગરની કેટલીક શાળાઓ પોતાના વિદ્યાર્થીઓને ઓછા ટકા આવે તો એડમિશન નથી આપતી..! પણ જો તે વિદ્યાર્થી એ જ શાળામાં સેલ્ફ ફાઇનાન્સમાં એડમિશન આપે તેના વિરોધમાં જિલ્લા શિક્ષણાધિકારી રજુવાત કરાઈ
Next articleભાવનગર શહેરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, વાતાવરણમાં ઠંડક : લોકો ખુશખુશાલ