છેલ્લા એકાદ સપ્તાહથી વધી રહેલા બફારા અને ગરમી બાદ હવામાન વિભાગની આગાહી બાદ પણ છેલ્લા ચારેક દિવસથી રાહ જોવડાવ્યા બાદ આજે બુધવારે બપોરના બારેક વાગ્યાના સુમારે ભાવનગર શહેરમાં આખરે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી અને શહેરભરમાં એકસાથે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક ફેલાઇ જવા પામી છે. સવારથી ગોરંભાયેલા વાદળો વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી અને રસ્તાઓ પર પાણી ઉતરી આવ્યા હતાં. લગભગ પોણી કલાક હળવા-ભારે ઝાપટા સાથે પાણી વરસ્યા બાદ લોકોને ચોમાસુ આવી પહોંચ્યાનો અહેસાસ કરાવી મેઘરાજાએ વિરામ લીધો હતો. જો કે, હળવા છાટાઓ સાથે પોતાની હાજરી સતત નોંધાવી હતી. મેઘરાજાની એન્ટ્રી થતાની સાથે જ પીજીવીસીએલની પ્રિ-મોન્સુનની કામગીરીની પોલ ખુલી ગઇ હતી અને મોટાભાગના વિસ્તારોમાં વિજળી ગુલ થઇ ગઇ હતી.