ભાવનગર શહેર તથા જિલ્લામાં આવેલ રાજાશાહી કાળના અનેક દુર્લભ સ્થાપત્યો તંત્રની ગંભીર બેદરકારીના કારણે બિસ્માર હાલતમાં છે. સેંકડો બેનમુન શિલ્પો પૈકી કેટલાક નેસ્તનાબુદ થવાની તૈયારીમાં હોવા છતાં તંત્ર કે સરકારની આંખો ખુલતી નથી.
ભાવનગર શહેરમાં સુંદર નકશીકામ સાથે પથ્થરોમાં કંડારવામાં આવેલ કલાકૃતિ સાથેની ૩ વાવ ઉપરાંત અન્ય ઈમારતો તથા જિલ્લામાં આવેલ અનેક નાની-મોટી વાવની સરેરાશ ગણતરી સાથે તથા ઈતિહાસવિદ્દોના મત મુજબ શહેર-જિલ્લામાં કુલ મળી અને ૧ર૭ સુંદર વાવનું અસ્તિત્વ હતું જે ઘટીને હાલ માત્ર રર રહેવા પામી છે. એક સમયે આવી વાવમાંથી સમસ્ત ગામ તથા માર્ગના કાંઠે બનાવવામાં આવેલ વાવમાંથી વટેમાર્ગુઓ પોતાની તરસ છીપાવતા હતા. સેંકડો વર્ષો વિતવા છતા અને ગમે તેવા દુષ્કાળના સમયમાં પણ આ વાવમાં પાણી અકબંધ રહે છે. થોડી તકેદારી અને સારસંભાળના અંતે આ વાવનું પાણી આજે પણ પીવાલાયક હોય છે.
એ જ રીતે ભાવનગરના મહારાજા તથા રાજવી પરિવારો દ્વારા જિલ્લાના કુદરતી સ્થળો, સમુદ્રતટ તેમજ વનવગડે હવામહેલો, શિકારગાહ બંગલો સહિતનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું તેમજ તળાજાના તાલધ્વજ ડુંગરની ભેખમાં અનેક જુનવાણી ગુફાઓ આવેલી છે. આ ગુફાઓના રહસ્ય આજે પણ અકબંધ છે. કારણ કે તેના પર કોઈ જાતનું સંશોધન કરવામાં આવ્યું નથી તેમજ ઉંચા કોટડા ચામુંડા માતાના મંદિર ખાતે પણ ત્રણ ગુફાઓ આવેલી છે તથા મહુવા સમુદ્ર કાંઠે આવેલ ભવાની માતાના મંદિર પાસે પણ જુનવાણી ગુફાઓ આવેલી છે. આ ગુફાઓ અંગે સ્પષ્ટ તથ્ય તો નથી મળતું પરંતુ પ્રચલીત લોકવાયકા મુજબ આ ગુફાઓ જુનાગઢ સહિત અનેક દુર-દુરના સુપ્રસિધ્ધ યાત્રાધામોના ધ્વારે ખુલતી હતી. આવી ગુફાઓનો ઉપયોગ સિધ્ધ યોગીઓ, બ્રહ્મયોગીઓ, રાજા મહારાજાઓ તથા બહારવટીયાઓ પણ ગુપ્ત માર્ગો તરીકે કરતા હતા. આવી અનેક ઐતિહાસિક વિરાસરતોની સ્થિત રખરખાવટના અભાવે દિન-પ્રતિદિન બિસ્માર બની રહી છે.
આ અંગે સરકાર તથા તંત્ર જાગૃત બની હયાત દુર્લભ વિરાસતોનો જીર્ણોધ્ધાર કરી પર્યટન તથા ધર્મસ્થાન તરીકે વિકસાવે તેવી લોકમાંગ પ્રબળ બની છે.