ખાલી બાટલાનો ફિલોસોફિકલ ઇન્ટરવ્યુ!!! (બખડ જંતર)

31

અચાનક ફોન રણક્યો.( ગિરધરભાઇ ફોન અચાનક જ રણકે. શો કોઝ નોટિસ કે સમન્સ કે જામીનલાયક કે બિનજામીનલાયક વોરંટ ઇસ્યું ન કરે. કૂકડાની જેમ ખાલી ફેંકાફેંક કરો છો!!)
સામા છેડે બખડજંતર ચેનલના સર્વેસર્વા બાબુલાલ બબુચક હતા.( બબુચક અમે સ્ટાફે પાડેલ નામ છે. બાબુલાલે વિગતો લખાવી અને કવરેજ કરવા હુકમ કર્યો.
હું -ગિરધરલાલ ગરબડીયા-સિનિયર રિપોર્ટર ( ભૈ જુનિયર કોઇ નથી એટલે જુનિયર એ જ સિનિયર કહેવાય છે. સિનિયર રિપોર્ટર રહેવાથી વજન પડે છે. જો કે, હું થીન વેફર જેવો હેવિવેઇટ છું.!!!)અને ઓલટાઇમ ગ્રેટ રાજુ રદી અમારી રામપિયારી લઇને સ્પોટ ખાતે પહોંચ્યા.
ગામને પાદર બાટલે બાટલા. પહેલી નજરે તો બાટલાનું ઓપન ગોડાઉન લાગે.
થોડો આગળ ગયા તો જેમ વિક્રમ વેતાળ વાર્તા ફેઇમ વેતાળ ઝાડ પર લટકતો હતું તેમ બાટલો લટકતો હતો!!
“ તમને કેવું લાગે છે?” અમે બાટલાભાઇને પત્રકાર જગતમાં ઇન્ટરવ્યુ સમયે પૂછાતો પ્રશ્ર પૂછ્યો! ( એક વાર ગમખ્વાર અકસ્માતમાં નવજાત મૃતદેહને અમે આદતવશ આ સવાલ પૂછેલો. “ બહું સારૂં લાગે છે.” એમ કહી મડદાએ અમારી જાત બચાવેલી બોલો?!!)
“ શું લાગે છે ? એની માનેપ..” બાટલો અકળાયો.
“ સંયમ રાખો સભ્ય ભાષામાં જવાબ આપો”અમે વિનંતી કરી.
“ પહેલાં મને નીચે ઉતારો.શરીર અકળાઇ ગયું છે, પ્લીલીલીઇઇઝ” અકળાયેલા બાટલાએ વિનંતી કરી.રાજુ અને અમોએ બાટલાને નજાકતથી વૃક્ષ પરથી નીચે ઉતાર્યો.
“ હાશ.હવે જીવમાં જીવ આવ્યો હોય તેમ લાગે છે. હવે સમજાય છે કે પ્રભુ ઇશુને કેટલી યાતના થઇ હશે! મને તો સાલ્લાઓએ ત્રિશંકુની જેમ ચાર વરસથી લટકાવી દીધેલો!” બાટલો સડસડાટ બોલવા માંડ્યો.
“ એ તો સમજ્યા ,પણ તમે વૃક્ષ લગી કેવી રીતે પહોંચ્યા ? તે વિશે જણાવશો?” અમે શ્રીયુત બાટલાને પૂછયું.
ધ્રુસ્કે ધ્રુસ્કે રડતા શ્રીમાનબાટલાચંદ્ર બોલ્યા,” સર્વ સમસ્યાનું મૂળ રિકતતા, ખાલીપણુ, બિનઉપયોગીપણું છે.”
“જરા વિગતે સમજાવશો?અમારી ( મંદ) બુધ્ધિ છે
“ જુઓ. જ્યારે હું કચ્છડાની માફક છકડો બારે માસમાં આ મુફલીસના ઘરે આવેલો ત્યારે નંદઘેર આનંદ ભયો જય બાટલાલાલ કી ! મેં રીક્ષામાંથી ઉતર્યો ત્યારે હું ડઘાઇ ગયેલો. કયાં હું મહેલોમાં મહાલનાર અને કયાં સુદામાની ઝૂંપડી ?” મને વાપરીને ચા, રોટલા, ખીચડી , શાક કરીને રાજી થયા. એક દિવસ સ્ટવમાં લાલ ભડકા થયા અને સ્ટવ બંધ થઇ ગયો. મને આમતેમ હલાવ્યો. હું ખાલી હતો. મારું અમે સ્ટવનું ટૂંકું સહજીવન પૂરું થયું. સ્ટવને માળિયે અને વૃક્ષના ગાળિયે.” વધુ બોલતાં બાટલો આંસુ રોકી ન શકયો.અમે સાંત્વન આપ્યું .
“ તમારી જગ્યાએ બીજો ભરેલો બાટલો ન આવ્યો ?” અમે પૂછયું.
“ ટુંકી આવકમાં ચાર છેડા માંડમાંડ ભેગા કરતા હોય તેમને મોંઘા ભાવનો બાટલો કયાંથી પોસાય?” બાટલાકુમાર તિરસ્કારપૂર્વક બોલ્યા.
દુનિયાન તમારો સંદેશ શું છે?” અમે આખરી સવાલ કર્યો.
“ દોસ્તો. ભરેલા રહો ત્યાં સુધી જ તમારી કિંમત છે. ખાલી ચણો વાગે ઘણો એવી કહેવત છે તે બાટલા કે બાટલા સમુદાયને લાગુ પડતી નથી.એકટરની ડીમાંડ હોય ત્યારે પ્રોડયુસર,ડિરેક્ટર, સ્પોન્સર્સ, એડવર્ટમેન્ટ એજન્સી, હીરોઇનની, ફેન્સની ભીડભાડ રહે છે.
અન્યથા શેરીનું કૂતરાં સૂંઘવા જતા નથી. સન્નાટો, ખાલીપો, એકલતા, અવગણના, અપમાન માનવીને ઉધઇની જેમ કોરી નાંખે છે. માબાપ પાસે મિલકત હોય ત્યાં સુધી ગોળના દડબા પર માખી બણબણ તેમ સંતાનો આવશે. પણ મિલકત આપી દીધા પછી માબાપ ધરડાધરમા ધકેલાઇ જાય છે.
મદિરાની બોટલની કિંમત ચાર સોથી લઇ કરોડ હોય પણ મદ્ય પીવાઇ જાય પછી ખાલી બાટલી રદીના ભાવે રૂપિયેરોડે વેચાઇ જાય છે! ટુથપેસ્ટ હોય ત્યાં સુધી જ ટયુબની કિંમત છે, ખાલી એટલું ખાલી. સાહેબ તમારી કિંમત પણ પાણીમાં આંગળી બોળીને પાછી લઇ લો પછી કશી જ નથી. ભગવાન આવતા ભવે કોઇ યોજનાનો નહીં પણ ઓપન બજારનો બાટલો બનાવે તેવી પ્રાર્થના કે જેથી વૃક્ષ પર બાટલાફાંસો ખાવો ન પડે!!
ચારે બાજુ કાચની કરચોની માફક ખાલીપો વેરાતો રહ્યો!!!

– ભરત વૈષ્ણવ

Previous articleટીમ ઈન્ડિયાના ત્રણ શાનદાર ખેલાડીનો આયરલેન્ડ પ્રવાસ રદ
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે