વિશ્વમાં રક્ત એવી ચીજ છે જેને કાળામાથાનો માનવી બનાવી શક્યો નથી. વિજ્ઞાન લોહી બનાવવામાં હજૂ સફળ થયું નથી કે કોઇ ફેક્ટરીમાં તેનું ઉત્પાદન કરી શકાયું નથી. માનવ જીવન માટે લોહી ખૂબ જ અગત્યની બાબત છે. અકસ્માતમાં કે કોઇ મોટા ઓપરેશન વખતે લોહીની તાતી જરૂરીયાત પડતી હોય છે. આ લોહી આથી જ રક્ત દાતાઓ પાસેથી એકત્રીત કરવામાં આવે છે.લોહીના બ્લડ ગૃપની શોધ કરનાર અને તે માટે સને ૧૯૩૦ માં નોબેલ પ્રાઇઝ જીતનાર કાર્લ લેન્ડસ્ટેઇનરનો જન્મ તા. ૧૪ મી જૂનના રોજ થયો હતો. તેથી તેની યાદમાં વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા વર્ષઃ૨૦૦૪ થી તા. ૧૪ મી જૂનને વિશ્વ રક્તદાતા દિવસ તરીકેની ઉજવણી કરવામાં આવે છે. વર્ષઃ૨૦૨૨ માટે વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી “રક્તદાન એ એકતાનું કાર્ય છે. સ્વૈચ્છિક રક્તદાન જીવન બચાવવા અને સમુદાયોમાં એકતા વધારવામાં જે ભૂમિકા ભજવે છે, તેના તરફ ધ્યાન દોરવા માટે પ્રયાસમાં જોડાઓ અને જીવન બચાવો’’ ની થીમ સાથે વિશ્વભરમાં ઉજવણી કરવામાં આવી હતી. તેને ધ્યાનમાં રાખીને ગઇકાલે વિશ્વરક્તદાતા દિવસના પ્રસંગે સર તખ્તસિંહજી હોસ્પિટલ, ભાવનગરની બ્લડ બેંક દ્વારા વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગરૂપે બ્લડ બેંક, સર તખ્તસિંહજી હોસ્પીટલ, ભાવનગર અને એરપોર્ટ ખાતે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળની મદદથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
સંસ્થાના સ્ત્રીરોગ વિભાગમાં સગર્ભા અને અન્ય બહેનો માટે, મેડિકલ કોલેજ ખાતે વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ માટે અને નર્સિંગ કોલેજ ખાતે વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ માટે બ્લડ ગૃપિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સર તખ્તસિંહજી હોસ્પિટલની બ્લડ બેંકમાં કોઇપણ જાતની અપેક્ષા વગર નિઃસ્વાર્થ ભાવે રક્તદાન કરનાર તમામ રક્તદાતાઓ અને કેમ્પનું આયોજન કરનાર તમામ કેમ્પ આયોજકોનો સર તખ્તસિંહજી હોસ્પીટલના તબીબી અધિક્ષકશ્રી તુષાર આદેશરાએ રક્તદાન કરનાર તમામ રક્તદાતાઓનો હ્યદયપૂર્વક આભાર વ્યક્ત કરી તમારું માનવતાનું આ કાર્ય અન્યોને પણ પ્રેરિત કરશે તેમ જણાવ્યું હતું. આ અવસરે સરકારી મેડિકલ કોલેજ, ભાવનગર અને નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓને નિયમિત રૂપે રક્તદાન કરવાં માટે પ્રતિજ્ઞા લઇને ભવિષ્યમાં માનવતા માટેના આવાં કાર્યો કરવાં માટે સંકલ્પબધ્ધ થવાં પ્રતિજ્ઞા લીધી હતી.