બોરતળાવમાં પાણીની આવકને ગંભીર અસર થવાની સંભાવના મહાપાલિકાએ વ્યક્ત કરી : આ કૃત્ય અટકાવવા સીટી એન્જીનીયરે પોલીસમાં ફરિયાદ કરી
દર વર્ષે ચોમાસુ આવે એટલે બોરતળાવનો વિવાદ જાગે છે. ભુમાફિયાનો ડોળો બોરતળાવની કિંમતી જમીન પર ચીટકેલો છે . બીજી બાજુ મ્યુ. તંત્ર બોરતળાવની રખેવાળીમાં ઉણું ઉતરી રહ્યું છે અથવા તો આંખ આડા કાન કરી મિલીભગત થઈ રહી છે, બોરતળાવમાં પાણી આવતું રોકવા કારસો થયો હોય એમ વધુ એક ગંભીર બનાવ સામે આવ્યો છે. ઉપરવાસમાંથી પ્રથમ પાણી ભીકડા હેડવર્ક્સ -બેઝિનમાં આવે છે અને ત્યાંથી બોરતળાવમા પાણીની આવક થાય છે, આ બેઝીન જ ખોદી નાખી મસમોટા ખાડા કરી નાખવામાં આવ્યા છે. આથી બોરતળાવમાં પાણીની આવકને ગંભીર અસર થવા વકી છે. આ મામલે મ્યુ. સીટી એન્જીનીયરએ પોલીસને અરજી આપી પગલાં ભરવા જણાવ્યું છે, હાલાકી મોટા મોટા ખાડા ઓ કરી માટી લઈ જવાઈ ત્યાં સુધી મ્યુ. તંત્ર બેધ્યાન રહેતા શંકા ઉદભવી છે ! ભાવનગર શહેરને પીવાનું પાણી પૂરું પાડતા ગૌરીશંકર સરોવરમાં જે સ્થળેથી પાણીની આવક થાય છે અને જે મુખ્ય સ્ત્રોત છે તે ભીકડા કેનાલમાં બેઝીનની નજીક કેટલાક આસામીઓ દ્વારા ખનીજ ચોરી કરીને ખાડાઓ કરી નાખ્યા છે. મનપાના આ ડેમને નુકશાન પહોંચાડવા અને ગેરકાયદેસર રીતે ખનન કરવા બદલ પોલીસને ફરિયાદ કરવામાં આવી છે અને ખનીજ વિભાગ આવા તત્વો સામે લાલ આંખ કરે તેવી માંગ પણ કરવામાં આવી છે. ગૌરીશંકર સરોવરમાં આ ભીકડા કેનાલ માંથી વરસાદના પાણીની આવક થાય છે અને આ સ્ત્રાવ વિસ્તારમાં ઘણા સમયથી માટી ચોરી થતી હોવાનુ બહાર આવતા આખરે સીટી એન્જિનિયરે પોલીસ ઉપરાંત કલેકટર તંત્રને ફરિયાદ કરી છે ભીકડા કેનાલની બેઝીન જે સ્થળે દરવાજા આવેલા છે તે જ સ્થળે મોટા પાયે નુકશાન કરવામાં આવ્યું છે અહીં ડેમની નજીકમાં જ બે સ્થળોએ ગેરકાયદેસર રીતે જે.સી.બી કે અન્ય સાધનો દ્વારા માટી ચોરી કરવામાં આવી છે. અહીં આમ તો મનપા દ્વારા ચોકીદાર રાખવામાં આવ્યો છે. પરંતુ માટી ચોરી કરવા આવતા શખ્સો માથાભારે હોય કોઈને ગણકારતા નથી અને પોતાની રીતે ખનન કરીને ચાલ્યા જતા હોય આખરે મનપા એ ખાણ ખનીજ વિભાગ અને પોલીસમાં આ મામલે ફરિયાદ કરી હોવાનું જાણવા મળ્યું છે. ભીકડા બેઝીનમાં ઉપરવાસમાંથી પાણી આવે છે. જેમાં ખોખરા,માલેશ્રી તેમજ અનેક ગામોમાંથી ભીકડા બેઝીનમાં આવે છે ત્યાંથી બોરતળાવમાં પાણી આવે છે આ બેઝીનની અંદરની સાઈડમાંથી ભુ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે ખનીજ ચોરી કરી ડેમની અંદર મસમોટા ખાડાઓ પાડી દીધા છે.આથી પાણીની આવકને ગંભીર અસર પડવા વકી છે. જોકે, મ્યુ. તંત્ર રહી રહીને જાગતા અનેક શંકાઓ ઉઠી છે.!