સુચિતા કપૂરના પુસ્તક”ઓલિયો”નું ભાવપુર્ણ વાતાવરણમાં વિમોચન સંપન્ન : વિમોચન સાથે જ પુસ્તક અંગ્રેજી તથા મરાઠીમાં અનુવાદ સાથે પણ પ્રકાશિત થશે તેવી જાહેરાત
બે કાવ્ય સંગ્રહો કશિશ અને સિડલિંગ આપી ચુકેલા સાહિત્યકાર અને સોશિયલ વર્કર સુચિતાના પુસ્તક “ઓલિયો”નું વિમોચન સર્વમિત્ર (કે.આર.દોશી ટ્રસ્ટ) અને પંચતત્વ દ્વારા મહાનુભાવો, ભાવિકોની હાજરીમાં કરવામાં આવ્યું હતું. કિડની દર્દીઓની વ્યથા સમજી તેમની સારવાર કરતાં, તેમના માટે ઓલિયો બનીને કાર્યરત ડૉ.પંકજ આર. શાહના દર્દીઓની સત્યકથા અને સંવેદનાને આલેખતા, વિવિધ કિડની રોગ વિશે માહિતી આપતા ગુજરાતી ભાષાના આ પ્રકારના પ્રથમ પુસ્તકનું વિમોચન વરિષ્ઠ સાહિત્યકાર રજની કુમાર પંડયા, ડૉ.વિનોદ જોશી, ડૉ.કેશુભાઈ દેસાઈ તથા નેફ્રોલોજિસ્ટ ડૉ.નીલવ શાહ અને ખુદ ડો.પંકજ આર.શાહની વિશેષ ઉપસ્થિતમાં યોજાયું હતું.ઉપસ્થિત સાહિત્યકારોએ આ પુસ્તકને આવકાર્યું હતું. ગૌરવરૂપ બાબત એ છે કે આ પુસ્તકના વિમોચન સાથે જ તેની અંગ્રેજી તથા મરાઠીમાં અનુવાદ સાથે આવૃત્તિ પ્રકાશિત થશે તેવી જાહેરાત થઈ હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવયિત્રી, લેખિકા લતા હિરાણીએ કર્યું હતું. કાર્યક્રમના પ્રારંભે અમદાવાદથી ખાસ આવેલા માનવ જોશી અને તેમના સાથીદારો દ્વારા વાંસળી વાદન યોજાયું હતું. કાર્યક્રમમાં ભાવિકોની વિશાળ હાજરી નોંધનીય રહી હતી અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં સર્વમિત્ર ( કે.આર.દોશી) ટ્રસ્ટ અને પંચતત્વના સાથીઓ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.