મુંબઇ,તા.૧૫
ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ટેસ્ટ કેપ્ટન જો રુટ ટેસ્ટ ક્રિકેટમાં જબરજસ્ત ફોર્મમાં છે. ન્યુઝીલેન્ડ સામે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીમાં જો રૂટે જોરદાર રન ફટકાર્યા હતા અને હવે તેને આનો ફાયદો મળ્યો છે. ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન જો રૂટ ન્યૂઝીલેન્ડ સામે ચાલી રહેલી સિરીઝમાં અત્યાર સુધી બે મેચ રમી ચૂક્યો છે, જેમાં તેણે ૩૦૫ રન બનાવ્યા છે. જેમાં ૨ સદીનો સમાવેશ થાય છે. જો રૂટ પ્રથમ વખત ઓગસ્ટ ૨૦૧૫ (૯૧૭ રેટિંગ્સ) માં ટેસ્ટ રેન્કિંગમાં નંબર ૧ બન્યો હતો, જ્યારે જો રૂટ છેલ્લે ડિસેમ્બર ૨૦૨૧ માં આ સ્થાને હતો. જો રૂટ કુલ ૧૬૩ દિવસ સુધી નંબર-૧ ટેસ્ટ ખેલાડી રહ્યો હતો. જો ફેબ ફોરની વાત કરીએ તો નંબર વન માટે સ્ટીવ સ્મિથ (૧૫૦૬ દિવસ), વિરાટ કોહલી (૪૬૯ દિવસ) અને કેન વિલિયમસન (૨૪૫ દિવસ) નંબર ૧ છે. બુધવારે આઈસીસી દ્વારા જારી કરવામાં આવેલા ટેસ્ટ રેન્કિંગમાં જો રુટને ટેસ્ટનો નંબર વન બેટ્સમેન જાહેર કરવામાં આવ્યો છે. ૩૧ વર્ષીય જો રુટ કુલ ૮૯૭ પોઈન્ટ સાથે નંબર વન છે. તેને એક પોઈન્ટનો ફાયદો મળ્યો છે. બીજા નંબરે માર્નસ લાબુશેન છે. તેને ૮૯૨ પોઈન્ટ મળ્યાં છે. ટોપ-૧૦ ટેસ્ટ બેટ્સમેનોમાં ૧. જો રુટ,૨. માર્નસ લાબુસ્ચાગ્ને,૩. સ્ટીવ સ્મિથ,૪. બાબર આઝમ,૫. કેન વિલિયમસન,૬. દિમુથ કરુણારત્ને,૭. ઉસ્માન ખ્વાજા,૮. રોહિત શર્મા,૯. ટ્રેવિસ હેડ,૧૦. વિરાટ કોહલીનો સમાવેશ થાય છે ટીમ ઈન્ડિયાના બેટ્સમેનો પર નજર કરવામાં આવે તો ટોપ-૧૦માં માત્ર બે જ ભારતીય છે. રોહિત શર્મા ૭૫૪ રેટિંગ સાથે ૮માં નંબર પર અને વિરાટ કોહલી ૭૪૨ રેટિંગ સાથે ૧૦માં નંબર પર છે.