ઓહો!ઓહો! વાહ! અનિવર્ચનીય! વાહ! અદ્ભૂત! માઇન્ડ બ્લોઇંગ! ફેન્ટીસ્ટિક! ન ભૂતો ન ભવિષ્યતિ !!
વાહ શું નયનરમ્ય દ્રશ્ય. ઉનાળામાં શીતળતા અર્પે એવા બરફીલા દ્રશ્યો. આંખમાં તીવ્ર બળતરા થતી હોય અને આંખમા જીવદયા નેત્રપ્રભા ટીપા આંજ્યા હોય અને શીતળતાનુભૂતિ થાય તેવી દ્રશ્યાવલિ. સ્વાસ્થ્યવર્ધક, બલવર્ધક, સ્ફૂર્તિદાયક, ઉત્સાહપ્રેરક, તાકાતોતેજક!!
આ આંખ ધન્ય છે કે કાર્યક્રમોના પ્રચંડ પુરુષાર્થના ધ્યોતક સમાન દ્રશ્યો નિહાળવાની સ્વર્ણિમ તક પ્રાપ્ત થઇ!! ચર્મચક્ષુ બીડીએ તો દિવ્યચક્ષુ સન્મુખ એ દ્રશ્યો ક્રિકેટમેચની માફક રીપ્લે થાય કે સિરિયલનો એપિસોડ શરૂ થયા પહેલા આગળ શું આવેલ તે એપિસોડ રીકેપ થાય તેમ પુનઃ પ્રસારિત થાય !
ભારતની ભાતીગળ સંસ્કૃતિના મંગળા આરતી જેવી અનુભૂતિ!!અમારી છાતી(છપ્પનની નથી. સાચી સાઇઝ લખીશ તો તમે અમને ઝીરો ફિગર કહેશો તેવી ભીતિ છે.) ગજ ગજ ફૂલે છે. હવે વધારે ફૂલશે તો છાતીનું પાંજરૂં ફુગ્ગાની જેમ ધડામ દઇને ફાટી જશે!!!
એક પક્ષની મંદિર સમાન કચેરીના અનુપમ દ્રશ્યો. મન પુલકિત થઇ ગયું. પરોપકારી, સેવાભાવી સજ્જનો ટિકિટ જેવા ક્ષુલ્લક મુદાને ચ્યુંગમની જેમ લંબાવતા હતા. રાષ્ટ્રની સેવા સિવાય કાંઇ ન ખપે તેવા ભેખધારીઓ લડાઇયજ્ઞ રાજસૂય યજ્ઞ કે અશ્વમેધ યજ્ઞથી કમ ન હતો!! આ યજ્ઞમાં ગાલી-ગાળની આહુતિ!!વાતાવરણમાં માબેનની ગાળો ઝળુંબે. ફાટેલા ઝભ્ભા. ફાટેલી કફની. દ્રૌપદીના ચીરહરણ જેવી હાલત. સ્વયં દુશાસન અને સ્વયં દ્રૌપદી!!
દેશની સેવા માટેની તમન્ના ઠાંસી ઠાંસીને ભરી હોય ત્યાં કોઇ ચંબુ ભ્રષ્ટાચારનો મુદો ઉભો કરી , બળાત્કારનો મુદો ઉભો કરી, લેન્ડ ગ્રેબિંગનો મુદો ઉભો કરી,આતંકી કનેકશનનો મુદો ઉભો કરી અડચણ ઉભી કરે કે કેવી રીતે સહન થાય? ચૂંટણી ચૂંટણીની જગ્યાએ છે અને ઉજ્જવળ કારક્રિદી અલગ બાબત છે!!
તમે જ કહો કે તમે કોર્પોરેટર, વિધાયક, સંસદસભ્ય , મંત્રી બન્યા સિવાય નાગરિકો, પ્રજા, જનતા , જાહેર જનતા જનતા જનાર્દનની સેવા કરી શકો? પ્રસાદ, નેવૈધ્ય, પત્રમ્ પુષ્પમ વિના સેવા-મેવા વગરની કલ્પના કરી શકો? આકાશકુસુમવત ભાસે!?
સેવા કરવાનો રાજમાર્ગ સતા છે. સતાસુંદરીને પામવાનો દ્રુતગતિ માર્ગ( ટપ્પો ન પડ્યો? દ્રુત ગતિ માર્ગ એટલે એકસ્પ્રેસ હાઇ વે!!) છે.ચૂંટણીમાં પ્રવેશ મેળવવા ટિકિટ અનિવાર્ય આવશ્યકતા છે!?
આ એક ઉન્માદસભર સ્થિતિ છે!! મઢુલી નાની અને બાવા વધારે છે. વૈકુંઠ નાનું અને ભગતડા વધારે હોય છે.ટિકિટવાંચ્છુંઓ ઉત્સાહમાં આવીને ટેબલ ખુરશી તોડે, નેતાના પૂતળા સળગાવે, સામેસામા સૂત્રોચ્ચાર કરે,પક્ષના ઝંડા સળગાવે,તોડફોડ, ઓફિસને તાળાબંધી કરે, ટિકિટ ફાળવનાર નેતાઓ જીવ બચાવવા પાછલા દરવાજેથી ભાગી છૂટે, ઉમેદવારની પહેલી યાદી બહાર પાડે કે હોબાળો મચી જાય. ટિકિટ ન મળતા ઉત્પાત કરે, યાદી સુધરે, કોકડું ગૂંચવાઈ જાય!!આ આંખને ગમે તેવા દ્રશ્યો પાંચ વરસે રીપીટ થાય.
હમણાં નગર-નિગમોની ચૂંટણી દરમિયાન ભારે બબાલ થઈ હતી. મધ્યપ્રદેશમાં પાટનગર ભોપાલમાં જ જૂથબંધી માટે કુખ્યાત તેવા પક્ષમાં ચૂંટણીમાં ટિકીટ માટે અંદરો-અંદર જ લાતં-લાત તથા ઘૂસ્તાબાજી થઈ હતી.
વોર્ડ પાર્ષદોની દાવેદારી દરમિયાન આ મારામારી થઈ હતી. ભોપાલમાં બનેલી આ ઘટના વખતે જિલ્લા પ્રમુખ પણ હાજર હતા. તેમણે વાત સંભાળી લેવા માટે પ્રયત્નો કર્યા હતા. દરમિયાન તો મારામારીનો વીડીયો વાયરલ થઈ ચુક્યો હતો. વાસ્તવમાં નિગમ ચૂંટણી માટે બોલાવવામાં આવેલી પક્ષની મીટીંગમાં દાવેદારોના બાયોડેટા લેવામાં આવ્યા હતા.
આ દરમિયાન ભોપાલ શહેરના વોર્ડ નંબર ૪૦, ૪૧, ૪૪, ૫૮, ૫૯, ૬૯, ૭૦ અને ૭૧ના કાર્યકર્તાઓ એકત્રિત થયા હતા. પરંતુ તેમાં સ્થાનિક તથા બહારના દાવેદારો માટે વિવાદ શરૂ થઈ ગયો. વિવાદ એટલો બધો વધી ગયો કે કાર્યકર્તાઓ વચ્ચે હાથા-પાઈ શરૂ થઈ ગઈ હતી, તેમાં લાતો અને ઘૂસ્તાઓ એક-બીજા પર વરસવા લાગ્યા હતા. પછીથી વરિષ્ટ નેતાઓ વચ્ચે પડતાં મામલો શાંત બન્યો હતો, દરમિયાન તો મારામારીનો વીડીયો વાયરલ થઈ ગયો હતો.એવું પણ કહેવાય છે કે, આ મારા-મારીમાં બૂટ-ચંપલનો પણ ઉપયોગ થયો હતો.
અમારી પરમકૃપાળું પરમાત્માને પ્રાર્થના છે કે આવા મોહક, સંમોહક, પીડાનાશક દ્રશ્યોનો કદાપિ દુષ્કાળ ન પડે!! દરેક ચૂંટણીમાં ટિકિટ માટેની બબાલમાં દરેક ટિકિટ વાંચ્છુઓને મલ્ટિપ્લેકસ કે પ્લેટફોર્મ ટિકિટ આપી દો તેવી અમારી વણમાંગ્યે સલાહ છે!!
– ભરત વૈષ્ણવ
Home Vanchan Vishesh ટિકિટ વાંચ્છુઓને મલ્ટિપ્લેકસ કે પ્લેટફોર્મ ટિકિટ આપી દો તેવી અમારી વણમાંગ્યે સલાહ...