આરા સ્ટેશન પર પથ્થરમારો, લોકોને કાબૂમાં લેવા માટે ટિયરગેસના સેલ છોડ્યા, હરિયાણાના પલવલમાં પ્રદર્શનકારીઓએ રસ્તાઓ જામ કરી દીધા
નવી દિલ્હી,તા.૧૬
કેન્દ્ર સરકારે અગ્નિપથ યોજનાનો બિહાર સહિત હરિયાણા અને ઉત્તરાખંડમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. બિહારમાં તો પ્રદર્શનકારીઓએ ટ્રેનમાં આગ લગાવી દીધી છે, આરા સ્ટેશન પર પથ્થરમારો કર્યો છે. પોલીસે લોકોને કાબૂમાં લેવા માટે ટિયરગેસના સેલ છોડ્યા છે. હરિયાણાના પલવલમાં પ્રદર્શનકારીઓએ રસ્તાઓ જામ કરી દીધા છે. ઉત્તરાખંડમાં પણ વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરીને પ્રદર્શન કરી રહ્યા છે. આ તરફ રાજસ્થાનના અજમેરમાં યુવાનોએ ભારે વિરોધ પ્રદર્શન કરવાની સાથે પથ્થરમારો કર્યાની વિગતો મળી રહી છે. યુવાનો આ યોજનાને પાછી ખેંચવા માટેની માંગ કરી રહ્યા છે. નોંધનીય છે કે કેન્દ્ર સરકારે બુધવારે અગ્નિપથ યોજના લોન્ચ કરી છે. મહત્વનું છે કે કેન્દ્ર સરકારની જાહેરાત પછી ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને હરિયાણા જેવા ભાજપ શાસિત રાજ્યોએ અગ્નિવીરોને રાજ્ય સરકારની નોકરીમાં પ્રાથમિકતા આપવાની જાહેરાત કરી છે. યુપીમાં પોલીસમાં સેનામાંથી મુક્ત થયેલા અગ્નિવીરોને પ્રાથમિકતા આપવાની વાત કહેવામાં આવી છે. આ તરફ મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડ સરકારે પણ અગ્નિવીરો માટે જાહેરાત કરી છે. હરિયાણા સરકારે પણ આ જવાનોને નોકરીમાં પ્રાથમિકતા આપવાની જાહેરાત કરી છે. અગ્નિપથ સ્કીમ સામે હરિયાણાના પલવલ અને દિલ્હીના નાંગલોઈ વિસ્તારમાં ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. પલવલમાં પ્રદર્શનકારીઓએ રસ્તા જામ કરી દીધા છે. નાંગલોઈમાં વિદ્યાર્થીઓએ ટ્રેન રોકીને વિરોધ નોંધાવ્યો છે અને યોજનાને પાછી લેવા માટેની માંગ કરી છે. બીજી તરફ ઉત્તરાખંડના પિથૌરગઢમાં પણ અગ્નિપથ યોજનાનો વિરોધ શરુ થયો છે અને વિદ્યાર્થીઓ પ્રદર્શન કરી રહ્યા છે.
બિહારમાં અગ્નિપથ સ્કીનો વિરોધ કરવા માટે રસ્તામાં ઉતરેલા લોકોએ ભાબુઆ સ્ટેશન પર એક ટ્રેનમાં આગ ચાંપી દીધી હતી. આ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વિરોધમાં ઉતરેલા લોકોએ પથ્થરમારો કરતા સ્થિતિ બેકાબૂ બની હતી, જેના પર કાબૂ મેળવવા માટે પોલીસે ટિયરગેસના સેલ છોડવા પડ્યા હતા. બિહારના આરા, સિવાન સહિતના વિસ્તારોમાં મોટી સંખ્યામાં એકઠા થયેલા લોકો આક્રામક મૂડમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. બે વર્ષથી સેનામાં જોડાવા માટે મહેનત કરી રહેલા હરિયાણાના રોહતકના યુવાને આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું છે. મૃતકનું નામ સચિન છે જે જીંદનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને આ કેસમાં વધુ તપાસ કરવામાં આવી રહી છે. હજુ સુધી એ જાણવા નથી મળ્યું કે યુવકે શા માટે આ પગલું ભર્યું છે. તેના પરિવારના સભ્યોએ જણાવ્યું કે તે સેનામાં જોડાવા માટે તૈયારી કરી રહ્યો હતો, જેના માટે તેણે ઘણી મહેનત કરી હતી. યુવકે જે પીજી હોસ્પેટલમાં આપઘાત કર્યો ત્યાં પણ તપાસ કરવામાં આવી રહી છે. અગ્નિપથ સ્કીમ પર થઈ રહેલા વિરોધના કારણે ઘણાં લોકોને એવો સવાલ થઈ રહ્યો છે કે કેન્દ્ર સરકારે કરેલી જાહેરાતમાં એવું તો શું છે કે તેનો આટલો બધો વિરોધ થઈ રહ્યો છે. આવો જાણીએ આ સ્કીમમાં એવું શું છે કે તેનો વિરોધ થઈ રહ્યો છે. થલસેના, વાયુસેના અને નૌસેનામાં યુવાનોની ભરતી ચાર વર્ષ માટે કરાશે. મંગળવારે ભારત સરકારે નવી ભરતી પ્રક્રિયા ’અગ્નિપથ’ની જાહેરાત કરી હતી. આ ભરતીની નવી પ્રક્રિયામાંથી બહાર આવનારા સૈનિકોને ’અગ્નિવીર’ તરીકે ઓળખવામાં આવશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે સુરક્ષા સંબંધ કેબિનેટ સમિતિએ આ નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે, “અમે અગ્નિપથ નામની એક સ્કીમ લાવી રહ્યા છીએ જે આપણી સેનામાં પરિવર્તનકારી બદલાવ કરીને તેમને સંપૂર્ણ રીતે આધુનિક અને સુસજ્જ બનાવશે.” જેમાં પહેલા વર્ષે જવાનોને ૩૦ હજાર માસિક પગાર મળશે. બીજા વર્ષે ૩૩ હજાર, ત્રીજા વર્ષે ૩૬,૫૦૦ અને ચોથા વર્ષે ૪૦ હજાર પગાર મળશે. ૪ વર્ષ પછી સેવા પૂર્ણ કરનારા અગ્નિવીરોને કુલ ૧૧.૭૧ લાખનું પેકેજ મળશે.