આસામમાં ભૂસ્ખલનમાં બે સગીર બાળકો દટાઈ ગયા

18

નેશનલ હાઈવે ૬ તૂટ્યા બાદથી મધ્યભારતના પૂર્વોત્તરના કેટલાક ભાગોમાં હાલમાં અવરજવર બંધ કરી દેવાઈ
ગુવાહાટી, તા.૧૬
આસામમાં ભયંકર વરસાદનો કહેર ચાલું છે. આજે આસામના ગોવાલપારા જિલ્લામાં સતત પડી રહેલા વરસાદના કારણે ભૂસ્ખલનમાં બે સગીર બાળકો જીવતા કાટમાળમાં સમાય ગયા હતા. ત્યારબાદ રાહત અને બચાવ દળે બંને બાળકોના મૃતદેહોને કાટમાળમાંથી બહાર કાઢ્યા હતા. આ ઘટના આજે સવારની ગોવાલપારીની છે. આસામમાં છેલ્લા ઘણા દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. જેમાં છેલ્લા ૩ દિવસોમાં ૬ લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. એસડીઆરએફની ટીમે આજે ગોવાલપારામાંથી બે બાળકોના મૃતદેહ બહાર કાઢ્યા છે. હાલના દિવસોમાં પૂર્વોત્તરના રાજ્યો સતત વરસાદનો સામનો કરી રહ્યા છે. મેઘાલયમાં સતત થઈ રહેલા વરસાદના કારણે લુમશનોંગ વિસ્તારમાં નેશનલ હાઈવે ૬નો કેટલોક ભાગ ધ્વસ્ત થઈ ગયો હતો. આ નેશનલ હાઈ-વેના તૂટ્યા બાદથી મધ્યભારતના પૂર્વોત્તરના કેટલાક ભાગોમાં હાલમાં અવરજવર બંધ કરી દેવામાં આવી છે. આ નેશનલ હાઈવે દક્ષિણી આસામ, મિઝોરમ, ત્રિપુરા અને મણિપુરના કેટલાક ભાગોને દેશના બીજા ભાગ સાથે જોડે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, જો આ હાઈવે પર ટૂંક સમયમાં પરિવહન શરૂ કરવામાં નહીં આવે તો આ વિસ્તારમાં આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો ખોરવાઈ શકે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે આસામમાં પૂરના કારણે ઊભા થયેલા સંકટનો સામનો કરવાના ઉપાયોને લઈને અધિકારીઓના એક દળ સાથે મીટિંગ કરશે. આસામમાં સતત થઈ રહેલા વરસાદથી દિહિંગ નદીનું જળસ્તર અચાનક વધી ગયું છે. જેના કારણે ૧૫ જૂનના રોજ બક્સા જિલ્લાના સુબનખાટા વિસ્તારમાં એક પુલનો ભાગ ધ્વસ્ત થઈ ગયો છે. આ પુલ ધ્વસ્ત થવાથી લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ દિવસોમાં દેશના ઘણા ભાગોમાં હવામાન બદલાઈ રહ્યું છે. રાષ્ટ્રીય રાજધાનીમાં આખી રાત હળવા વરસાદ બાદ મહત્તમ તાપમાન ૪ ડિગ્રીની નીચે આવી ગયું હતું. હવામાન વિભાગના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે બુધવારે સવારે ૮ઃ૩૦ વાગ્યા સુધી અજમેરના માંગલિયાવાસમાં સર્વાધિક ૫૧ મિલીમીટર વરસાદ નોંધાયો હતો.

Previous articleસેન્સેક્સમાં ૧૦૪૫, નિફ્ટીમાં ૩૩૧ પોઈન્ટનો કડાકો જોવાયો
Next articleએટીએફના ભાવ વધતાં વિમાન ભાડામાં વધારો થશે