પ્રધાનમંત્રી આવાસ યોજના થકી ભાડેથી રહેનારને ઘરના ઘરનું સ્વપ્ન થયું સાકાર : વિભાવરીબેન દવે
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ગુજરાત ગૌરવ અભિયાન અંતર્ગત રૂ. ૨૧,૦૦૦ કરોડથી વધુના વિવિધ વિભાગના પ્રકલ્પોના શુભારંભ, ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ કાર્યક્રમ ભાવનગર ખાતેના ઝવેરચંદ મેઘાણી ઓડિટોરીયમ ખાતે “ગુજરાત ગૌરવ અભિયાન” અંતર્ગત યોજાયો હતો. આ કાર્યક્રમમાં પ્રતિકાત્મક રૂપે લાભાર્થીઓએ તેમના ઘરની ચાવી અને કળશ આપવામાં આવ્યો હતો. ગુજરાત ગૌરવ અભિયાન નિમિત્તે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ ભાવનગર જિલ્લાના ગ્રામીણ વિસ્તારના ૧,૧૫૨ આવાસોના લોકાર્પણ અને પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) ના ૩૨૦ આવાસોના લોકાર્પણ તેમજ ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૧૮૫ લાભાર્થીઓને ગૃહ પ્રવેશ થઇ રહ્યાં છે. આમ, કુલ ૧,૬૫૭ લાભાર્થીઓનું ઘરના ઘરનું સ્વપ્ન આજે વાસ્તવમાં સાકાર થયું છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત ધારાસભ્ય સુશ્રી વિભાવરીબેન દવેએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના થકી ભાડેથી રહેનારને કાયમી સરનામું મળશે. તેમજ પોતાના ઘરનું ઘર હોવાનું સ્વપ્ન સાકાર થશે. કોઇપણ નાનો માણસ યોજનાકીય લાભથી વંચિત ન રહે તે વિભાવનાને સાર્થક કરવી એ અમારો સેવા મંત્ર છે. મેયર કીર્તિબાળા દાણીધારીયાએ પોતાના વકતવ્યમાં જણાવ્યું હતું કે, સરકારી યોજના છેવાડાના લોકો સુધી પહોંચતી થઈ છે. તેમજ ઉત્તમ સુવિધાયુક્ત આવાસ યોજના બની રહ્યાં છે. જેથી નાનામાં નાનો માણસ પણ સારા ઘરમાં રહી શકશે. કલેકટર યોગેશ નિરગુડેએ ઉપસ્થિત તમામ લોકોને પોતાના સ્થાયી સરનામું મળવા બદલ અભિનંદન પાઠવ્યાં હતાં. તેમજ સરકારી લાભો મેળવીને યોજનાની માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાં માટે જણાવ્યું હતું. જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભરતસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, સરકારી લાભથી કોઈ વંચિત ન રહી જાય અને અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સાથે મળી સરકારની યોજના લોકો સુધી પહોંચાડવા મક્કમ હોવાનું જણાવ્યું હતું. આ તકે પ્રાસંગિક પ્રવચન જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જિલોવાએ આપ્યું હતું.
આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખશ્રી રાજીવભાઈ પંડ્યા, ડેપ્યુટી મેયર ડો. કૃણાલભાઈ શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી ધીરૂભાઈ ધામેલીયા, શાસક પક્ષના નેતા બુધાભાઈ ગોહિલ, દંડક પંકજસિંહ ગોહિલ, મહામંત્રી ડી. પી. ચુડાસમા, જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશભાઇ લંગાળીયા, લાભાર્થીઓ, પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.