મુંબઇ,તા.૧૮
આયરલેન્ડના પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત થઈ ગઇ છે. ટીમ ઇન્ડિયા આયરલેન્ડ સામે ૨૬ જૂન અને ૨૮ જૂનના બે મેચની ટી૨૦ સીરિઝ રમશે.આઇપીએલ ૨૦૨૨ વિજેતા કેપ્ટન હાર્દિક પંડ્યાને આ સીરિઝ માટે કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ભારતનો એક ખેલાડી આયરલેન્ડ સામે રમવાની તક ન મળતા ખુબ જ નારાજ જોવા મળી રહ્યો છે.ટીમ ઇન્ડિયામાં જગ્યા ન મળવાનું દુઃખ આ ખેલાડી સહન કરી શક્યો નહીં અને તેણે સોશિયલ મીડિયા પર પોતાનો રોષ ઠાલવ્યો છે. આ ખેલાડી બીજુ કોઈ નહીં પરંતુ આઇપીએલમાં ઘણી વખત શાનદરા પ્રદર્શન કરનાર ઓલરાઉન્ડર રાહુલ તેવતિયા છે. રાહુલ તેવતિયાએ ટીમ ઇન્ડિયામાં જગ્યા ન મળવા બાદ એક ટ્વીટ કરી છે, જે સોશિયલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે.રાહુલ તેવતિયાએ આયરલેન્ડ સામે ટી૨૦ સીરિઝ માટે ટીમ ઇન્ડિયામાં તક ન મળ્યા બાદ ટિ્વટર પર લખ્યું, ’અપેક્ષાઓને નુકસાન થયું છે’. તમને જણાવી દઈએ કે રાહુલ તેવતિયા એક ખતરનાક મેચ ફિનિશર છે. આ વર્ષે રાહુલ તેવતિયાની સૌથી યાદગાર આઇપીએલ ઇનિંગ નજર કરીએ તો પંજાબ કિંગ્સ સામેની મેચ ધ્યાને ચડે છે, જ્યારે ગુજરાત ટાઈટન્સને પંજાબ કિંગ્સ સામે એક મેચમાં ૨ બોલમાં ૧૨ રનની જરૂર હતી. ત્યારે તેવતિયાએ સતત બે બોલ પર ૨ સિક્સ ફટકારી ગુજરાત ટાઈટન્સને મેચ જીતાડી હતી. ખતરનાક મેચ ફિનિશર રાહુલ તેવતિયાને સાઉથ આફ્રિકા સામે ટી૨૦ સીરિઝમાં સીલેક્ટર્સે નજરઅંદાજ કર્યો હતો અને હવે આ ખેલાડીને આયરલેન્ડ પ્રવાસ પર ટીમ ઇન્ડિયામાં પસંદ કરવામાં આવી શકે છે. રાહુલ તેવતિયાએ આ વર્ષે ગુજરાત ટાઈટન્સ માટે આઇપીએલ ૨૦૨૨ ની ૧૬ મેચમાં ૩૧ ની સરેરાશ અને ૧૪૭.૬૧ ના સ્ટ્રાઈક રેટથી ૨૧૭ રન બનાવ્યા હતા. રાહુલ તેવતિયાને જો ટીમ ઇન્ડિયામાં પસંદ કરવામાં આવે છે તો હાર્દિક પંડ્યા અને દિનેશ કાર્તિક બાદ ત્રીજો ફિનિશર પણ મળી શકે છે.