૧૯૯૭માં દિલ્હીમાં તાજ હોટલમાં વિશ્વસ્તરની એક કૉન્ફરન્સયોજાઈ હતી. તેમાં વિશ્વના ખ્યાતનામ IT ઇજનેરો તેમજ અગ્રણી નેતાઓ હાજર હતા. જેની પ્રવેશ ફી હતી ૮૦૦૦ રૂપિયા. તે સમયે સભામાં પ્રવક્તાએ કૉન્ફરન્સના chairperson તરીકે ટી.વિશ્વનાથનને મંચ પર પધારવા આમંત્રણ આપ્યું. દરેકના મનમાં કોટ-પાટલૂન અને ચમકતા બૂટમાં સજ્જ કોઈ વ્યક્તિનું ચિત્ર હતું પરંતુ વિશ્વનાથન્ ઊભા થયા ત્યારે બધાની આંખો પહોળી થઈ ગઈ. સાદો ઝભ્ભો, ધોતિયું, પગમાં ચાખડી, વધી ગયેલી દાઢી.આવા લઘરવઘર વેશ સાથે તેઓએ મંચ પર આવી લગાતાર ત્રણ કલાક સુધી મલ્ટીમિડિયા વિષયક વક્તવ્ય આપ્યું. ઉપસ્થિત સર્વે વ્યક્તિઓ દિગ્મૂઢ થઈ ગયા. થોડા સમય બાદ તેઓ ગાંધીનગર – અક્ષરધામની મુલાકાતે આવ્યા ત્યારે સંતો સાથે બે કલાક વિતાવ્યા. ત્યારે તેમણે કહેલું કે, “મેં નક્કી કર્યું છે કે મારો પહે૨વેશ આ જ રાખવો છે.” તેનું કારણ પૂછતાં તેઓ કહે, “મારે દુનિયાની ટોચ પર પહોંચવું છે, તો પછી કપડાં પાછળ શું કામ સમય બગાડું? એક વખત એવો આવશે કે લોકો મારાં કપડાં સામે નહીં, પણ મારા જ્ઞાન સામે જોશે. દુનિયામાં ચહેરો નથી પૂજાતો, પણ જ્ઞાન પૂજાય છે.” આશ્ચર્ય એ વાતનું છે કે તેમણે એક પણ ફિલ્મ જોઈ નથી. ખરેખર, સાદાઇને અપનાવીને પણ વ્યક્તિ મહાન બની શકે છે.
અમેરિકન તત્ત્વચિંતક અને કવિ ’રાલ્ફ વૉલ્ડો ઇમર્સન’ કહે છે, “To be simple is to be great” અર્થાત્ સાદું બનવું તે મહાનતા છે.
પરંતુ, આજના ભૌતિકયુગમાંઉછરેલા યુવકોમાં સાદાઈ નામનો ગુણ જાણે અમાસનોચંદ્રબની ગયો છે. મોંઘાં અને ઊંચી બ્રાન્ડનાં કપડાં, શૂઝ, મોબાઈલ, હેરસ્ટાઇલ,વાહનો અને એવી જાતજાતની મોંઘી વસ્તુઓનો શોખ આજની યુવાનીનો જાણે પર્યાય બની ગયો છે.પરંતુ, આજના બાપકમાઈ પર ઉછરતા નબીરાઓને એ ખ્યાલ નથી કે સાદાઈ માણસને એક ખુમારી અને તાકાત આપે છે.
અખંડ ભારતના ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના પ્રથમ ગૃહપ્રધાન અને ઉપવડાપ્રધાન હોવા છતાં, તેઓના અંતિમ સમયે તેમનું બેન્ક બેલેન્સ કેવળ રૂા.૨૩૬/- હતું. વળી, કપડાં પણ માત્ર ચાર જોડી જ હતા. છતાં પણ તેમનો પ્રભાવ સ્વતંત્ર ભારત પર આજે દાયકાઓ પછી પણ એવો ને એવો જ રહ્યો છે.
લોકો આક્ષેપકરે છેઃ ’સાદાઈ તો ગરીબાઈનું પ્રતીક છે.’ પરંતુ મહાપુરુષો પ્રત્યુતરમાં જણાવે છેઃ’Simplicity is the glory of expression.’ અર્થાત્ સાદાઈમાં જ સમૃદ્ધિ અને ભવ્યતા છે.
ઘણી વાર કહે છેઃ ’રંગરાગ વિનાનું જીવન જટિલ છે.’ પરંતુ ત્યારે મહાપુરુષો કહે છેઃ’Life is not complex. We make it complex.Life is simple, and simple thing is the right thing. બી.એ.પી.એસ. યુવાપ્રવૃત્તિના સ્થાપક યોગીજી મહારાજ યુવાનોને સાદાઈનો ગુણ કેળવવા ખૂબ તાલીમ આપતા. તેઓ કહેતા, ‘જ્યાં-ત્યાં, જેમ-તેમ, જેવું-તેવું ચલાવી લેતાં શીખવું.’ અર્થાત્, ઓછી સુવિધાઓ કે અગવડો આપણને અકળાવી ન શકે,આપણા પ્રગતિમાર્ગમાં આપણને રોકી ન શકે અનેઆપણા અંતરઆનંદને છીનવી ન શકે એવી રીતે પોતાની જાતને ઘડવી જોઈએ. ક્યારેક યુવાનો ઓછી સુવિધાઓને કારણે ન ભણી શક્યાનો રંજ કરે છે, પરંતુ એ ન ભૂલીએ કે આધુનિક કોઈ પણ પ્રકારની સુવિધાઓ વિના ઘણા મહાપુરુષોએ વિશ્વનો નકશો બદલી નાખ્યો છે.ભિક્ષા માંગીને ભાદરણ અને ખંભાતમાં સંસ્કૃતનું અધ્યયન કરનાર વિશ્વવંદનીય સંત પૂ.પ્રમુખસ્વામી મહારાજ સુવિધાઓના અભાવ વચ્ચે સાદાઈથી પણ શ્રેષ્ઠ ભણી શક્યા. એ ગુણને કારણે જ પ્રમુખસ્વામી મહારાજ કોઈ અપેક્ષાઓ વિના અનેક અગવડો અને અસુવિધાઓ વચ્ચે હસતે મુખે ગામડે ગામડે વિચરણ કરી શક્યા છે.એપણ ફરિયાદ, કંટાળો, હતાશા કે નિરાશા વિના!!’Simple Living, High Thinking’સાદું જીવન અને ઊંચો વિચાર એ એમની યુવાનીના સમયથી આગવી વિશેષતા રહી છે.
એક યુવાન તરીકે સંતોષ અને સાદાઈનો ગુણ કેળવવાનું કોઈ ઉચ્ચ ડિગ્રી મેળવવા કરતાં પણ વધુ મહત્ત્વનું છે. કારણ કે ડિગ્રીમાં પણ સંતોષ અને સાદાઈ નહીં હોય તો કરેલી પ્રગતિ પણ આપણને સુખ નહીં આપી શકે. અને જીવનમાં સંતોષ, સાદાઈ હશે તો જીવનમાં પ્રગતિ થશે, સુખ પણ મળશે.કહે છે કે સંતોષી વ્યક્તિ દરેક જગ્યાએ સન્માનને પાત્ર બને છે, ખુદ ભગવાનના દરબારમાં પણ! હા, આ આભૂષણ ગણાશે, સાદગીનું આભૂષણ !
એટલે જ સાદાઈરૂપીઅલંકારથી પરિપૂર્ણ યુવાનને કોઈ દુઃખ ક્યાંથી હોય?તો આવો આપણે પણ સાદાઈના ઘરેણાં પહેરીને જીવનને અભુશિત કરીએ.