વારંવાર રજૂઆત છતાં તંત્રના બહેરા કાને લોકોનો અવાજ પહોંચતો નથી : રોડ પર મોટા ખાડા પડયાં, એમ્બ્યુલન્સને પસાર થવું મુશ્કેલ, પુલની રેલીંગ તૂટી ગઈ : પ્રશ્નનો હલ નહીં તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન
જેસર તાલુકાના રાણીગામથી ગારિયાધાર તરફ જતાં રોડની હાલત બિસ્માર બની ગઈ છે. રસ્તા પર મોટા-મોટા ખાડા પડી જતાં અકસ્માતોની ઘટનામાં વધારો થયો છે. આ રોડને આરસીસી બનાવવા માટે અનેક વખત રજૂઆતો કરવા છતાં તંત્રના બહેરા કાને લોકોનો અવાજ પહોંચતો ન હોય તેમ માત્ર હૈયાધારણાંઓ જ આપવામાં આવી રહી છે. જેસરના રાણીગામથી ગારિયાધાર તરફનો રસ્તો ઘણાં લાંબા સમયથી વરસાદના કારણે ધોવાઈ ગયો છે. આ ઉપરાંત શેત્રુંજ્ય નદીના પુલ પર નાંખવામાં આવેલી રેલીંગ તૂટી ગઈ છે. જેના કારણે અકસ્માતનું પ્રમાણ વધ્યું છે. રોડની દુર્દશા અને બેઠલા નાળા કારણે ચોમાસામાં થોડો વરસાદ પડે ત્યાં વાહનવ્યવહાર ખોરવાઈ જાય છે. આ રસ્તો ગારિયાધાર, જેસર તાલુકો, રાજુલા, અમરેલીને જોડે છે. જિલ્લાની સફળગાથામાં પણ આ રસ્તાનો ઉલ્લેખ કરાયો છે. તેમ છતાં રસ્તાના કામમાં વેઠ ઉતારવામાં આવી હોવાથી અકસ્માત નોતરતા મોટા ખાડા પડી ગયા છે. રસ્તાની દુર્દશા એવી છે કે, અહીંથી એમ્બ્યુલન્સને પસાર થવું પણ મુશ્કેલ બની ગયું છે. આ બાબતે સીતારામ સેવા ગુ્રપ-રાણીગામ દ્વારા ધારાસભ્ય, ભાવનગર કલેક્ટર, ડીડીઓ, માર્ગ અને મકાન વિભાગ-ભાવનગર અને જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી આરસીસી રોડ બનાવવામાં આવે તેમજ બેઠલા નાળાને ઉંચું લેવામાં આવે તેવી માંગણી કરાઈ છે. વધુમાં અગાઉ માર્ગ અને મકાન વિભાગના અધિકારીએ સ્થળ પર તપાસ લઈ રોડનું કામ કરાવવા હૈયાધારણાં આપી હતી. તેમ છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી થઈ ન હોય, ગ્રામજનોની ધીરજનો બાંધ હવે તૂટવા આવ્યો છે અને જો પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો રસ્તો બંધ કરી ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન છેડવા ચિમકી ઉચ્ચારવામાં આવી છે.