તળાજા પંથકમાં મેઘ મહેર થતા ખેડુતોએ હળ જોતર્યા, મગફળી, કપાસ, બાજરીના વાવેતરનું સ્થાન મોખરે, દેશી ટેકનિક આજે પણ અકબંધ
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં વર્ષ 2022ના ચોમાસાનો સારો પ્રારંભ થવા સાથોસાથ અનેક ગામડાઓમાં 3થી વધુ નોંધપાત્ર-વાવણી લાયક વરસાદ વરસી જતાં ધરતીપુત્રો એ શુકનવંતા વાવણા શરૂ કર્યાં છે, હાલ વહેલી સવારથી ખેડૂતો બળદ ટ્રેક્ટર સહિતના ખેત ઓજારો સાથે વાડી-ખેતરોમાં વાવણી કાર્યમાં મગ્ન જણાઈ રહ્યાં છે. ભાવનગર શહેર-જિલ્લામાં આ વર્ષે જોઈએ એવી જમાવટ વરસાદે હજું સુધી કરી નથી લોકો અને ધરતીપુત્રોને હૈયે હાશકારો થાય એવો વરસાદ હજી પડ્યો નથી. પરંતુ આ બાબતમાં તળાજા તાલુકો બાકાત છે કારણકે ચોમાસાના પ્રારંભના ગણતરીના જ દિવસો વિત્યા હોવા છતાં 14થી વધુ ગામોમાં વાવણી લાયક વરસાદ પડ્યો છે. આથી ખેડૂતોએ ક્ષણનો પણ વિલંબ કર્યાં વિના વાવણી કાર્યને પ્રધાન્યતા આપી વાવણીની શરૂઆત કરી છે. તળાજા તાલુકામાં આ વર્ષે રોકડીયા પાકોના વાવેતરમાં પ્રથમ સ્થાને મગફળી બીજી ક્રમે કપાસ ત્રીજા નંબરે બાજરી તથા તલ-કઠોળ શાકભાજી સાથે પશુ ચારાનુ વાવેતર થઈ રહ્યું છે. આ વર્ષે સેંકડો પ્રગતિશીલ ખેડૂતોએ મૂળ પાકોની પેટર્ન પણ બદલી છે. છેલ્લા એક વર્ષથી મગફળી-શિંગના વાવેતર થકી ખેડૂતોને મહત્તમ આર્થિક લાભ થઈ રહ્યો હોય આથી તળાજા તાલુકામાં શિંગનું વાવેતર મોખરાનું સ્થાન ધરાવે છે. તળાજા તાલુકામાં છેલ્લા ઘણા વર્ષોથી બાગાયત ખેતીની પણ બોલબાલા છે, અહીં કેળ, શેરડી સાથે ચિકુ, નાળીયેર કેરી સહિતના ફળ-ફળાદિની ખેતી પણ મોટા પ્રમાણમાં ફૂલીફાલી છે. જે પ્રગતિશીલ ખેડૂતોએ રોકડીયા પાકની પેટર્ન બદલી છે એ ખેડૂતોએ એક મોટો ફેરફાર પણ ખેતીમાં કર્યો છે, જેમાં જે કિસાનો પિયતની સવલત ધરાવે છે એવાં ખેડૂતોએ વાવણી સાથે ડ્રીપ અને ફૂવારા પધ્ધતિ પણ ગોઠવી છે. આથી કદાચ વરસાદ ખેંચાય તો પણ પાકને નુકશાન ન થાય એ સાથે સુધારેલી આવૃત્તિના બિયારણ અને રાસાયણિક ખાતર-દવાઓનો ઉપયોગ કરી મહત્તમ પાક ઉતારવાનાં પ્રયત્નો કરી રહ્યાં છે. એ સાથે આગામી દિવસોમાં ધોધમાર વરસાદ પડે એવી કુદરતને પ્રાર્થના પણ ખેડૂતો કરી રહ્યાં છે. આજે ખેડૂતો પ્રગતિના પંથે છે ખેતીમાં મહત્તમ પણે અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યાં છે. આજે મોટા ભાગે બળદ તથા હળ જેવાં જૂનવાણી સાધનોનું સ્થાન મિની ટ્રેક્ટર સહિતના મશીનો-સાધનોએ લીધું છે, પરંતુ વર્ષોથી પરંપરાગત ખેતી કરતાં ખંતિલા ખેડૂતો ચોમાસામાં વાવણી ટાણે પર્યાવરણની રક્ષા સાથે વધુ ખેત ઉત્પાદન માટે વર્ષોથી બળદ સાથે દેશી વાવણીયાની મદદ વડે જ ખેતી કરે છે. ભાવનગર જિલ્લાના તળાજા-મહુવા તાલુકામાં બળદ તથા દેશી વાવણીયાની લોકપ્રિયતા આજે પણ અકબંધ છે. પ્રયોગશીલ ખેડૂતોના મત મુજબ દેશી પધ્ધતિથી કરવામાં આવેલી વાવણી થકી પર્યાવરણનું જતન અને વધુ સારું તથા વધુ ખેત ઉત્પાદન લઈ શકાય છે.