ભાવનગર જિલ્લામાં આગામી તા. ૨૩ થી ૨૫ જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ઉજવાશે : કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને મહાનુભાવો પણ આ શાળા પ્રવેશોત્સવમાં સહભાગી થશે
ભાવનગર જિલ્લા અને શહેરમાં આગામી તા. ૨૩ થી ૨૫ જૂનના રોજ યોજાનાર શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની તૈયારીઓને આખરી ઓપ આપવાં માટે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. કલેક્ટરે આ બેઠકમાં પ્રવેશોત્સવ એ બાળ કેળવણીનું પ્રથમ પગથિયું છે ત્યારે તેને સારી રીતે શાળામાં આવકાર મળે અને ભવિષ્યમાં તેનું સ્થાયીકરણ થાય તે દિશામાં કાર્યરત થવાં શિક્ષણ વિભાગના અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે નિર્ધારિત રૂટ પર સમયબધ્ધ રીતે પ્રવેશોત્સવની કાર્યવાહી થાય તે દિશાના પગલાં લેવાં માટે ઉપસ્થિત અધિકારીઓને સૂચના આપી હતી. આ પ્રવેશોત્સવના દિવસોએ કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લાના મહાનુભાવો પણ બાળકોને પ્રોત્સાહિત કરવાં માટે ઉપસ્થિત રહેશે તેની વિગતો તેમણે આપી હતી. ઉલ્લેખનીય છે કે, પ્રાચીન કાળથી જ ભારતીય સંસ્કૃતિમાં સંસ્કારોનું મહત્વ રહેલું છે. સોળ સંસ્કારોમાં વેદારંભ સંસ્કાર(વિદ્યાનો આરંભ) પણ એક મહત્વનો સંસ્કાર ગણાય છે. બાળકનો શાળા પ્રવેશ એટલે વેદારંભ સંસ્કાર. બાળકએ ઈશ્વરનું સ્વરૂપ છે. બાળક સરસ્વતિ માતાના મંદિરમાં આનંદ કિલ્લોલ સાથે પ્રવેશ કરે એનાથી મોટો ઉત્સવ તો શું હોઈ શકે ..! એટલે જ ગુજરાત ઘણાં સમયથી શાળામાં નવાં પગલાં પાડતાં બાળકોના પ્રવેશને ઉત્સવ તરીકે ઉજવે છે. આ ઉત્સવને વિશિષ્ટ પ્રકારે ઉજવવા માટે ભાવનગર શહેરના દરેક વોર્ડ દીઠ પ્રાથમિક શિક્ષકો દ્વારા ડોર ટુ ડોર ૦ થી ૫ વર્ષની વયના બાળકોનો સર્વે કરીને ૫ (પાંચ) વર્ષ પૂર્ણ કરનાર પ્રાથમિક શાળામાં પ્રવેશપાત્ર અંદાજીત ૨,૮૯૪ અને આંગણવાડીમાં પ્રવેશપાત્ર ૪,૩૩૦ બાળકો માટે પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ભાવનગર શહેરની ૫૭ પ્રાથમિક શાળાઓ અને ૩૧૬ આંગણવાડી કેન્દ્રના બાળકોને પ્રવેશ આપવાં માટે અલગ- અલગ કુલ ૧૦ રૂટો ગોઠવી આંગણવાડી, પ્રાથમિક શાળાના બાળકોને પ્રવેશ આપી નામાંકિત કરવામાં આવશે. પ્રવેશ પામતા દરેક બાળકને દાતાઓ મીટીંગો યોજી તેમના સહકારથી દરેક બાળકને દફ્તર, પાટી, પેન, નોટબુક અને બુટ-મોજા પણ આપવામાં આવનાર છે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જિલોવા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કે.વી. મીયાણી, આઇ.સી.ડી.એસ.ના સવિતા નાથજી, નાયબ જિલ્લા શિક્ષણાધિકારી મીતાબેન દૂધરેજિયા તથા શિક્ષણ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.