ક્ષત્રિય કારડીયા પરિવારે દુઃખની ઘડીમાં પણ કર્યો અંગદાનનો સ્તુત્ય નિર્ણય
ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના મોણપુર ગામના ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજના નવયુવાનનું સુરત ખાતે બાઇક અકસ્માતમાં બ્રેઇન ડેડ થતાં એમના પરિજનોએ યુવાનના અંગદાનનો નિર્ણય કરી ત્રણ લોકોના જીવનમાં ઉજાશ ફેલાવ્યો છે. સુરત ખાતે હીરા ઘસવાનું કામ કરતો યુવાન ૧૫ જૂનની રાત્રીએ બાઇક લઈને જઈ રહ્યો હતો ત્યારે અકસ્માત થતાં તેનું માથું જમીન સાથે અથડાયું હતું. માથામાં ગંભીર ઇજાને કારણે સુરતની કિરણ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયેલા યુવકને ફરજ પરના તબીબોએ બ્રેઇન ડેડ જાહેર કર્યો હતો. મૂળ વલ્લભીપુરના મોણપર ગામનો ૩૨ વર્ષીય પૃથ્વીરાજસિંહ ચૌહાણ સુરતમાં હીરા ઘસીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ગત ૧૫મીએ બાઇક સ્લીપ થતાં માથામાં તેને ગંભીર ઇજા પહોંચી હતી. ડૉકટરોએ તેને બ્રેઇન ડેડ જાહેર કરતા પરિવારજનો પર આભ ફાટી પડ્યું હતું. જો કે પોતાના વ્હાલાસોયા કંધોતરને ગુમવાવવાની દુઃખદ ઘડીમાં તેના પરિજનોએ એક સ્તુત્ય પગલું ભરી યુવકના અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો હતો. આથી કિરણ હોસ્પિટલમાં બન્ને કિડની, બન્ને આંખો અને લીવર તથા હૃદયનું અંગદાન કરવામાં આવ્યું હતું. જો કે હૃદયમાં બ્લડ ક્લોટ જામી જતા હૃદયનું દાન શક્ય બન્યું ન હતું. આ અંગ દાન થકી પાંચ વ્યક્તિને નવજીવન મળ્યું છે.