રાજુ રદી કાગડોળે, ગીધડોળે, ગરૂડડોળે, સમડીડોળે, ઘુવડડોળે ઇડીની તપાસની બીજી નોટિસની પ્રતીક્ષા કરે છે!!! (બખડ જંતર)

10

ખાખી પરબીડિયામાં આવેલ કાગળ જોઇને રાજુ રદીના આનંદનો પાર ન રહ્યો. પ્રેમિકાના પરવાળા જેવા રસીલા ઔષ્ઠને ચૂમતો હોય તેવી કામોતેજક અદાથી ખરબચડા, રૂક્ષ,શુષ્ક, બદબુદાર, વિષાણુયુકત પરબીડિયાને જોર જોરથી ચૂમતો રહ્યો પહેલી ધારનો પીધા વગર ઓમપ્રકાશ કે જહોની વોકરની જેમ ઝૂમ ઝૂમ બરાબર ઝૂમતો રહ્યો, નાચતો રહ્યા.દેવી શપ્તસતિમાં રકતબીજના નાશ પછી માતૃગણો ઉન્નત થઇ નર્તન કરેલ તેમ રાજુ નર્તન કરવા મંડયો!!
એક સંભાવના વિચારીએ કે કોઇ છોકરીના બાપને રાજુ ગમી ગયો હોય( એ મોટાભાઇ શું ચલાવો છો તમે? છોકરીના બાપને રાજુ ગમે એમ કહો એટલે બંને જણા જુલિયસ સિઝરની પત્ની હોય તો પણ શંકાના પરિઘમાં આવે . સમજણ પડી મોટા?)છોકરીને રાજુ ગમવો જોઇએ!! આવું કાંઇક હોય તો પણ ખાખી પરબીડિયું ન આવે.ઈનલેન્ડ લેટર-અંતર્દેશીય પરબીડિયું, પોસ્ટકાર્ડ કે બટેટિયા પીળા કલરનું પરબીડિયું આવે. ખાખી પરબીડિયામાં નોકરી મળવા કે નોકરી છૂટવાના સમાચાર આવે!!!
રાજુને પાછું અંગ્રેજી પીવામાં ફાવટ. કોઇ ડાઉટ?પણ ખાટલે મોટી ખોડ એ કે અંગ્રેજી વાંચતા ન આવડે!!
રાજુ મારી પાસે આવ્યો. ખાખી પરબીડિયું મને ધર્યું.
“શું છે?”મેં પૂછયું.
“ શું છે એની તો રામાયણ છે.” રાજુ રદીએ જવાબ આપ્યો.મેં રાજુને કવર ખોલવા કહ્યું.
રાજુએ કવર ખોલી કાગળ મને આપ્યો.
કાગળ જોઇને હું હબક ખાઇ ગયો. ઇડીની નોટીસ હતી. એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટની નોટીસ . (એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટનો ગુજરાતી સમાનાર્થી શબ્દ નથી. હિન્દીમાં પ્રવર્તન નિદેર્શાલય કહે છે.વર્તન, ગેરવર્તન, સદવર્તન શબ્દો જાણીતા છે. ગબ્બરસિંહની જેમ ક્રૂર , નિર્મમ , નિર્દય તરીકે વગેવાયેલ સરકારી તોતા છે. સેમ ટુ સેમ સીબીઆઈ!! )હમ કભી રાજુ કો દેખતે, કભી હમ નોટીસ કો દેખતે !!
મેં રાજુને કહ્યું ,” રાજુ ઇડીએ પૂછપરછ કરવા તને ૧ લી જુલાઈએ બોલાવ્યો છે.”
રાજુ આનંદથી ઉછળી પડ્યો. કંદોઈને ત્યાં જઇ પંદર કિલો પેંડા -કાજુકતરી લઇ આવ્યો.બધાને વધામણી આપી . નોટીસની ખુશાલીમાં પેંડા વહેંચ્યા.
રાજુ રદી મિત્ર પાસેથી કોટ-પેન્ટ, ટાઇ લઇ આવ્યો. ઇડીની ઓફિસે લેંધાસદરામાં જઇએ તો ઇડીની આબરું ન જાય, કોઇ એસી ચાલુ કરો.રાજુની માએ રાજુના કપાળમાં કુમકુમ તિલક કર્યું. અક્ષત ચોંડયા. બે હાથના ટચાકા ફોડી ઓવારણા લીધા. રાજુ રદી ૧૨.૩૯ના વિજય મુહૂર્તે સ્વગૃહેથી સંચર્યો. કુંવારીકા-ગાયનું શુકન મેનેજ કર્યું!!વિનોબા ટ્રાવેલ્સના કાયમી મુસાફર એવા રાજુ રદીએ ઇડી દફતરે જવાનું હોવાથી પદરના ખર્ચે ટેકસી કરી. સાંજે તો સીટીબસ છે જ!!
રાજુ રદી નોકરી માટે ઇન્ટરવ્યુમાં જતો હોય તેવા પોઝીટીવ ભાવથી ઉત્સાહથી ઇડી દફતરે આવ્યો. કચેરી ખોલવાનો સમય થયો ન હતો. વેકેશન પૂરું થાય અને સ્કૂલો શરૂ થાય ત્યારે છોકરા કરતાં વાલીઓની ભીડ વધુ હોય તેમ જેમની તપાસ થવાની હતી તેનાથી કમ્પાઉન્ડ ભરાઇ ગયેલ. જે લોકો પુસ્તકાલયમાં બેસીને સ્પર્ધાત્મક પરીક્ષા માટે ચોટલી બાંધીને તૈયારી કરતા હોય તે લોકો પુસ્તકાલયનો દરવાજો ખુલે કે દાખલ થવા માટે ખરતી ઉલ્કા જેમ પૃથ્વી તરફ પ્રચંડ વેગથી ધસે તેવા વેગથી ઘૂસતા હોય છે. સિંગલ થિયેટરમાં પણ લાલાયિત દર્શકો આવી જ રીતે ઘૂસતાં હોય છે!!!
ઇડી દફતરમાં પોલીસ જેવા દેખાતા સિકયોરિટીએ તેના હાથમાં રહેલા લિસ્ટમાંથી નામ બોલીને કોણ કોણ હાજર છે અને કોણ ગેરહાજર છે તેની વિગતો તૈયાર કરી.રાજુની પહેલી પૂછપરછ પૂરી થઇ!!રાજુ કંમ્ફર્ટેલ હતો!!!
રાજુ અને બીજા બધા ક્યાંથી કોન્ફરન્સ હોલમાં ગયા. સૌને બેસવા માટે પૂરતી વ્યવસ્થા હતી.બધા ગોઠવાઇ ગયા. બધાની નોટીસની ખરાઇ કરાઇ. સેવક બધાને પાણીની બોટલ આપી ગયો. હિમાલય બ્રાંડની મોંઘા ભાવની બોટલ હતી. કોઇ કારકુન જેવો માણસે પોલાઇટલી પૃચ્છા કરી “સર આપ કયાં લેંગે? કોલ્ડ યા હોટ?”આ કદાચ બીજીવારની પૂછપરછ હતી. રાજુ આ પ્રકારની રાજુને લાગ્યું કે લોકો ઇડીને નાહક વગોવે છે!! ઇડીની તપાસ રોકેટસાયન્સ થોડી છે??ચાનાસ્તા લંચ વચ્ચે રાજુના આઘારકાર્ડ, પાનનંબર, નીલ આઇટી રિટર્ન, લાઇટબીલ, પ્રોપર્ટી ટેકસ, નિશુલ્ક રાશન વિતરણની પરચૂરણ વિગતો અંગે આકરી પૂછપરછ થઇ પણ ખરી!!
ચા-પાણી-કુકીજને રાજુએ ન્યાય આપ્યો.
આમ,બેત્રણ કલાક પસાર થયા .પાછો કોઇ જુનિયર ઓફિસર લંચમાં પંજાબી ફાવશે કે ગુજરાતી થાળી? એમ પૂછી ગયો. આ પૂછપરછ મોંમાં પાણી લાવી ગઇ. અગાસિયેમાંથી લંચ આવી ગયું. રાજુએ દાબી દાબીને ખાધું. વામકુક્ષિ માટે રેસ્ટરૂમ તૈયાર હતો. રાજુએ વામકુક્ષિને બદલે બે કલાકની ફસર્ટ કલાસ ઊંધ ખેંચી નાંખી!!
રાજુ ઊંઘમાંથી જાગ્યો કે કુકીજ-જયુસ- ચા તૈયાર જ હતા. એમને ન્યાય આપ્યા સિવાય છૂટકો હતો?? રાતનું ડિનર મેરિયેટમાથી આવ્યું.
સૌને કન્વેન્યન્સ તરીકે રૂપિયા ચાર હજાર રોકડા આપ્યા.તપાસમાં સહકાર આપવા માટે ગોલ્ડન અક્ષરે લખેલ મોનેન્ટો આપ્યો. પાછું વિઝિટ અગેઇન અને બેસ્ટ ઓફ લક પણ કહ્યું.!!ખરેખર ઇડીવાળાનો ત્રાસ હોય છે એમ રાજુ રદીએ વિચાર્યું પણ ખરૂં!!
દિવસ પૂરો થયો કે અવર નિયામકે બે હાથ જોડી કહ્યું,” આગતાસ્વાગતામાં કોઇ કમી રહી ગઇ હોય તો માફ કરશો!! થોડુંક ફંડ કન્સટ્રેન્ટ છે.”
તમે માનશો ?સતત ચાર દિવસ એટલે કે ૯૬ કલાક ઇડીએ રાજુ રદીનું રિગરરિયસ ઇનિસ્ટ્રોગેશન કર્યું. જેમાં રાજુ રદીનું વજન ૨૦ કિલો વધી ગયું!!
રાજુ કાગડોળે, ગીધડોળે, ગરૂડડોળે, સમડીડોળે, ઘુવડડોળે ઇડીની તપાસની બીજી નોટિસની પ્રતીક્ષા કરે છે!!!

– ભરત વૈષ્ણવ

Previous articleબહેનોને સાડી,બાળકોને ભેટ આપી જન્મદિનની ઉજવણી
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર,GSSB પરીક્ષાની તૈયારી માટે