સેનામાં ભરતીની અગ્નિપથ યોજના સામે એક દિવસના બંધનું એલાન : દિલ્હી, પંજાબ, યુપી તેમજ બિહાર જેવા રાજ્યોના રેલવે સ્ટેશનો પર પોલીસનો બંદોબસ્ત ખડકાયો, ભારત બંધની આજે ક્યાંય ખાસ અસર જોવા ન મળી
નવી દિલ્હી, તા.૨૦
લશ્કરી દળોમાં ભરતી માટે ગયા સપ્તાહે જાહેર કરાયેલી અગ્નિપથ યોજનાના વિરોધમાં આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી યુપી, હરિયાણા, બંગાળ, બિહાર તેમજ તેલંગાણા જેવા રાજ્યોમાં આ યોજનાનો વિરોધ થઈ રહ્યો છે. રોષે ભરાયેલા લોકોએ ટ્રેનોને મોટાપાયે નિશાન બનાવતા અગમચેતીના ભાગરુપે રેલવે દ્વારા આજના દિવસે ૫૦૦ ટ્રેનો રદ્દ કરાતા મુસાફરો અટવાઈ ગયા છે. બીજી તરફ, બંધના એલાન દરમિયાન કોઈ હિંસા ના થાય તે માટે સંવેદનશીલ રાજ્યોમાં પોલીસ તેમજ અર્ધલશ્કરી દળોનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તેમાંય દિલ્હીની સરહદો પર આજે પોલીસે એકેએક વાહનનું ચેકિંગ શરુ કરતા સવારે ઓફિસ અવર્સ દરમિયાન જબરજસ્ત ટ્રાફિક જોવા મળ્યો હતો.’અગ્નિપથ’ના હિંસક વિરોધમાં એકનું મોત, પ્રદર્શનકારીઓએ ટ્રેક બ્લોક કરતાં ૨૦૦થી વધુ ટ્રેનો અટવાઈ રેલવેના જણાવ્યા અનુસાર, તાજેતરમાં થયેલી હિંસાની ઘટનાને ધ્યાનમાં રાખતા આજે તકેદારીના ભાગરુપે ૧૮૧ મેઈલ અને એક્સપ્રેસ ટ્રેનો તેમજ ૩૪૮ પેસેન્જર ટ્રેનોને રદ્દ કરી દેવાઈ છે, જ્યારે ૪ મેઈલ એક્સપ્રેસ અને ૬ પેસેન્જર ટ્રેનોને આંશિક રીતે રદ્દ કરાઈ છે, તો ચેન્નઈ ડિવિઝનમાં પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ આજે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આજે દિલ્હી, પંજાબ, યુપી તેમજ બિહાર જેવા સંવેદનશીલ રાજ્યોના રેલવે સ્ટેશનો પર પોલીસનો વધારાનો બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો હતો. જોકે, ભારત બંધની આજે ક્યાંય ખાસ અસર જોવા નથી મળી રહી. મોટાભાગના રાજ્યોમાં જનજીવન રાબેતા મુજબ જ ચાલી રહ્યું છે, તેમજ સરકારી ઓફિસો પણ ખૂલ્લી જ છે.બીજી તરફ, કોંગ્રેસે અગ્નિપથ યોજનાને પાછી ખેંચી લેવાની માગ કરી છે. પક્ષના નેતા અજય માકને જણાવ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા આજે દિલ્હીના જંતરમંતર પર સત્યાગ્રહ કરવામાં આવશે, અને સાંજે પાંચ વાગ્યે કોંગ્રેસના નેતા રાષ્ટ્રપતિને મળીને આ યોજના પાછી ખેંચી લેવાની માગ કરશે. કોંગ્રેસે એવી પણ માગ કરી હતી કે આવી કોઈ યોજના લાવતા પહેલા યુવાનો સાથે તેના પર વાત કરવી જોઈએ તેમજ પાર્લામેન્ટમાં પણ તેના પર ચર્ચા થવી જોઈએ. કોંગ્રેસના નેતા સલમાન ખુર્શીદે આ યોજનાનો વિરોધ કરતા કહ્યું હતું કે તેનાથી સશસ્ત્રદળોની પ્રકૃતિ પર સવાલ સર્જાયો છે, આ સમગ્ર મુદ્દો ખૂબ જ ચિંતાજનક છે. બીજી તરફ, પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે ૨૦૨૪ની લોકસભા ચૂંટણી પહેલા અગ્નિવીર જેવા રુપકડાં નામ આપીને ભાજપ દ્વારા લોકોને મૂર્ખ બનાવાઈ રહ્યા છે. કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજના, સરકારે આપ્યા દરેક સવાલના જવાબઉલ્લેખનીય છે કે, અગ્નિપથ યોજનાનો મોટાપાયે વિરોધ થઈ રહ્યો હોવા છતાંય કેન્દ્ર સરકાર તેના પર મક્કમ છે. એટલું જ નહીં, નવી યોજના હેઠળ અગ્નિવીરોની ભરતી કરવાની પ્રક્રિયા પણ શરુ કરી દેવામાં આવી છે. જેના હેઠળ ૧૭.૫ વર્ષથી ૨૧ વર્ષના યુવાનો આર્મીમાં ચાર વર્ષ માટે ભરતી થઈ શકે છે. કોરોનાકાળ દરમિયાન ભરતી ના થઈ શકી હોવાથી સરકારે અગ્નિપથમાં ઉપલી વય મર્યાદામાં બે વર્ષની વૃદ્ધિ પણ કરી છે.અગ્નિવીરનો પગાર ૩૦ હજાર રુપિયાથી શરુ થશે. તેમને છ મહિનાની ટ્રેનિંગ અપાશે તેમજ વર્ષ દરમિયાન ૩૦ દિવસ રજા પણ મળશે. સર્વિસ પૂરી થવા પર ૨૫ ટકા અગ્નિવીરોને સૈન્યમાં સર્વિસ ચાલુ રાખવાનો વિકલ્પ અપાશે. જે લોકો નિવૃત્ત થવા માગતા હોય તેમને ૧૧ લાખથી પણ વધુ ટેક્સ ફ્રી રકમ અપાશે.