શહેરમાં કાર્બાઈટથી પકવેલી કેરીનું ધુમ વેચાણ : ફુડ શાખાને મળતી નથી

1512

રાજ્યના પાટનગર ગાંધીનગર શહેરમાં ઉનાળામાં રોગચાળો વકર્યો છે ત્યારે હવે ગાંધીનગરની ફુડ શાખાની ઉંઘ ઉડી છે. આજે શહેરમાં વિવિધ ખાણીપીણીની લારીઓ ઉપર તપાસ કરવામાં આવી હતી અને ૬૦ કિલો જેટલા અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો તો શહેરમાં કાર્બાઈડથી પકવેલી કેરીઓનું ધુમ વેચાણ ચાલે છે તેમ છતાં તપાસ દરમ્યાન કયાંય પણ કાર્બાઈડનો જથ્થો મળ્યો નથી. ૭૦ કિલો જેટલી સડેલી કેરીનો નાશ કરી ફુડશાખાએ સંતોષ માન્યો છે.

ગાંધીનગર શહેરના સે-ર૪માં પાણીજન્ય રોગચાળો વકર્યો છે તો ઉનાળામાં અખાદ્ય ખોરાકના કારણે રોગચાળાની સ્થિતિ ગંભીર બની રહી છે ત્યારે કોર્પોરેશનની ફુડશાખાએ હવે તપાસ કરવાનું શરૃ કર્યું છે. આજે શહેરના વિવિધ સેકટરોમાં ખાણીપીણીની લારીઓમાં તપાસ કરવામાં આવી હતી અને અખાદ્ય ચટણી, બટાટા, લીંબુ, બરફ વગેરેે મળી ૬૦ કિલો જેટલા જથ્થાનો નાશ કર્યો હતો. તેમજ આ સ્થળોએથી પ૦૦ ગ્રામ જેટલા પ્લાસ્ટિકનો જથ્થો પણ જપ્ત કર્યો હતો.

એટલું જ નહીં ફુડ શાખા દ્વારા આઠ જેટલા વેપારીઓને ત્યાંથી શેરડીના રસ, લસ્સી, મેંગો મિલ્કશેક, બદામશેક વગેરેના નમુના લઈને તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. જો કે આ તપાસના રીપોર્ટ મહિનાઓ બાદ આવતાં હોવાથી તેનો કોઈ અર્થ સરતો નથી.

બીજી બાજુ ગાંધીનગરમાં હાલ બહારથી આવતા વેપારીઓ દ્વારા કેરીનું વેચાણ કરવામાં આવે છે અને કાર્બાઈડથી આ કેરી પકવવામાં આવતી હોવાની ફરિયાદ હોવા છતાં આજે તપાસ દરમ્યાન એકપણ વેપારીને ત્યાંથી કાર્બાઈડ મળી આવ્યો નથી. એટલું જ નહીં કોર્પોરેશનની ફુડ શાખાએ ૭૦ કિલો જેટલી સડેલી કેરીનો નાશ કરીને સંતોષ માની લીધો હતો. ઉનાળાની આકરી ગરમીમાં ખાણીપીણીની લારીઓ ઉપર ચટણીમાં કલરનો ઉપયોગ વ્યાપક બન્યો છે ત્યારે તેની તપાસ કરવામાં આવતી નથી. આ ચટણી ખાધા બાદ હાથ ઉપર કલર લાગી જાય છે તેમ છતાં આવા વેપારીઓ સામે પગલાં ભરાતાં નથી.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleપલોડિયામાં ૭૨ હજાર સાથે નવ જુગારીઓ ઝડપાયા