ભાવનગરના પનોતા પુત્ર અને રાજ્યના કેબિનેટ શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘણીએ આજે મંગળવારે વહેલી સવારે મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી, ભાવનગરના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ૮ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની શરૂઆત કરાવી જણાવ્યું હતું કે, યોગ એ ભારતની પુરાતન સંસ્કૃતિ એ વિશ્વને આપેલી અણમોલ ભેટ છે. યોગ એ ઋષિ પરંપરા છે. જેને આજે સમગ્ર વિશ્વે સ્વિકારી છે. “યોગ ભગાવે રોગ” ના ન્યાયે યોગ એ માત્ર એક દિવસની ક્રિયા ન રહેતાં, નિયમિત જીવન શૈલીનો ભાગ બનાવવો જોઈએ. ભાવનગરમાં ગઈકાલે વરસાદ પડ્યો હતો. ગ્રાઉન્ડ પર પાણી ભરાયા હતા. છતાં, યોગ સાધકોનો યોગ પ્રત્યેનો અનુરાગ, ઉત્સાહ અને વહીવટી તંત્રની કટિબદ્ધતાના કારણે આજે વ્યાપાકરૂપમાં યોગ નિદર્શન શક્ય બન્યું છે.
જે યોગની વ્યાપક સમાજ સંસ્કૃતિને દર્શાવે છે. આ અવસરે વડાપ્રધાનએ કર્ણાટકના મૈસુરથી જીવંત પ્રસારણમાં જણાવ્યું કે, યોગથી તણાવ ઘટે છે. આત્મવિશ્વાસ વધે છે. તેને ગમે તે જગ્યાએ ગમે ત્યારે કરી શકાય છે. આ પ્રસંગે મુખ્યમંત્રીનું યોગ દિવસનું જીવંત પ્રસારણ પણ દર્શાવવામાં આવ્યું હતું. ભાવનગર ખાતે આ સિવાય જિલ્લાકક્ષાની ઉજવણી સીદસર ખાતે આવેલા સ્પોર્ટસ ગ્રાઉન્ડ ખાતે તેમજ નિલમબાગ પેલેસ, હાથબ બંગલો, વેળાવદર કાળિયાર અભયારણ્ય ખાતે પણ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી લક્ષ્યમાં રાખીને ૭૫-૭૫ લોકો સાથે યોગાભ્યાસ કરવામાં આવ્યો હતો. આ તકે ધારાસભ્ય વિભાવરીબેન દવે, મેયર કીર્તિબાળા દાણીધારિયા, ડેપ્યુટી મેયર કૃણાલભાઈ શાહ, રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ, કલેક્ટર યોગેશ નિરગુડે, શહેર ભા.જ.પા.પ્રમુખ રાજીવભાઇ પંડ્યા, ડેપ્યુટી કમિશનર વી.એમ.રાજપૂત, જિલ્લા શિક્ષણાધિકારી એન.જી.વ્યાસ, પદાધિકારીઓ-અધિકારીઓ, યોગ સાધકો તેમજ બહોળી સંખ્યામાં ભાવનગરની યોગપ્રેમી જનતા ઉપસ્થિત રહી હતી.