હે. મ. ગોડિયા.મારા બાપુજીનું ટુંકું નામ. પૂરું નામ હેમતરામ. તકલીફો વેઠીને, જાતે રાંધીને કોલેજ પૂરી કરેલી. બહાઉદીન કોલેજ જૂનાગઢમાંથી બી.એ. કરેલું હતું. શિક્ષક તરીકે જોડાઇને નાયબ જિલ્લા શિક્ષણાધિરારી તરીકે ૧૯૮૩માં નિવૃત થયેલ હતા. સ્પષ્ટ વક્તા,સિદ્ધાંતવાદી , તડ ને ફડ અને રાજકીય દબાણને ગાંઠતા ન હોવાથી ૩૩ વરસની નોકરીમાં ૧૭ બદલીઓ થયેલી હતી. છ મહીનાના અંતરે બદલી થયેલી હતી.
હું એમનો પાંચમા નંબરનો પુત્ર . એમને છ પુત્ર અને એક પુત્રી.ત્રણ ત્રણ સંતાનો કોલેજમાં હોય બીજા હાઇસ્કૂલમાં- સ્કૂલમાં હોય. તકલીફ વેઠીને પણ સિધ્ધાંતો જાળવેલ હતા. મારી માએ પણ ખભેખભા મિલાવીને જીવનમાં સાથ આપેલો હતો. કદી ઘરેણા,મોંઘી સાડી વગેરેની માંગણી કરેલી નહીં. મૂળ મુદો એ કે મારા માટે તેમની લાગણી વિશેષ હતી.મારા એક બે પ્રસંગો ટાંકવાની લાલચ રોકી શકતો હતો.
એ સમયે બાપુજી અધ્યાપન મંદિર, વડિયા-કુંકાવાવ, અમરેલી જિલ્લામાં પ્રિન્સિપાલ તરીકે નોકરી કરતા હતા.હું નાનો હતો ત્યારે ખારા બિસ્કીટ સિવાય કાંઇ ખાતો નહીં.તેલના ડબ્બા જેવા પારલે કંપનીના ખારા બિસ્કીટ આવતા હતા.બાપુજી આવા ડબ્બા ખરીદ કરતા હતા.વેપારી કહેતા કે માસ્તર દેવાળું ફૂંકશો.લગભગ પાંચ વરસ લગી બિસ્કિટ સિવાય કંઇ ખાધું ન હતું.રાત્રે સૂતી વખતે બિસ્કીટનો નાનો ડબ્બો રાખતો હતો. ભૂખ લાગે એટલે બિસ્કિટ ખાઇ લેતો હતો. મોહમ્મદ બેગડાનું હિન્દુ સ્વરૂપ હતો.સવારે મારી પથારી ઉપાડવા પડાપડી થતી. કેમ કે,પથારીમાંથી ક્ષત-અક્ષત બિસ્કિટ પામતા હતા.જો કે પછી એનિમિયા થયો હતો.
અમે સરકીટ હાઉસ ,વાઘાવાડી રોડ પર ભાવનગર,મણિલાલ અલગારીના મકાનમાં રહેતા હતા.એકવાર મને બહુ જ મચ્છર કરડેલા.’મારા ભરતને મચ્છર કરડયા’એવું કહી એ જ દિવસે મચ્છરદાની ખરીદ કરી લાવેલા. અનેક પ્રસંગ સ્મરણ મંજૂષામાં છે.સ્થળ સંકોચને લીધે આલેખન કરી શકતો નથી. બાપુજી દુર્વાસા જેવા હતા પણ પ્રેમાળ પણ હતા. તે હદયથી પ્રેમ કરતા હતા. હદયથી પ્રેમ કરનારા તેની અભિવ્યકિત કરતા નથી.તેમના પગલે નોકરીમાં ચાલવા પ્રયત્નો કરેલા છે, જેની બદૌલત સંયુક્ત સચિવ જેવા પદે પહોંચ્યો છું નીડરતા અને નિર્ભિરતા જેવી અમૂલ્ય સંપતિ વારસામાં મળી છે. જેને લીધે સ્પષ્ટ વક્તાની કીર્તિ પામ્યો છું. એમની સાથે મતભેદ હતા, પણ મનભેદ ન હતા!!
બાપુજીના હાથનો માર પણ ખાધેલો છે. હજુ પણ માર ખાવા તૈયાર છું. શરત એ કે બાપુજી પરત આવે!! પુણ્યશ્લોક અને ચિરસ્મરણીય બાપુજીને કોટિકોટિ પ્રણામ!!
– ભરત વૈષ્ણવ