કર્ણાટક, મધ્યપ્રદેશ અને હવે મહારાષ્ટ્રમાં રાજકીય ડ્રામા : ૨૦થી વધુ ધારાસભ્યો સુરતમાં : શિંદે સાથે જે ધારાસભ્યો સુરત આવ્યા છે તે તેમની સાથે છે કે નહીં તે હજુ સત્તાવાર રીતે જાણવા નથી મળ્યું, સરકાર બચાવવા શિવસેનાના ધમપછાડા]
મુંબઈ, તા.૨૧
કર્ણાટક, મધ્યપ્રદેશ અને હવે મહારાષ્ટ્ર… શિવસેનાની આગેવાનીમાં છેલ્લા અઢી વર્ષથી ચાલી રહેલી મહા વિકાસ અઘાડી સરકાર સામે હવે મોટું સંકટ સર્જાયું છે. તેવામાં હવે સવાલ એ છે કે શું મહારાષ્ટ્રમાં પણ એ જ થશે કે જે કર્ણાટક અને મધ્યપ્રદેશમાં થયું, કે પછી રાજસ્થાનના સીએમ ગેહલોતની માફક ઉદ્ધવ ઠાકરે ચમત્કાર કરી પોતાની સરકાર બચાવી લેશે? શિવસેનાના ટોચના નેતા અને મંત્રી એકનાથ શિંદે અપક્ષ સહિત પોતાના ખાસ ધારાસભ્યો સાથે સુરત આવી પહોંચતા ઉદ્ધવ ઠાકરે સરકાર કપરી સ્થિતિમાં આવી પડી છે. બીજી તરફ, સરકારમાં શિવસેનાના સાથી અને મહારાષ્ટ્રના પોલિટિક્સના કિંગ ગણાતા એનસીપીના વડા શરદ પવારે કહી દીધું છે કે શિવસેનાએ પોતે જ પોતાના ધારાસભ્યોને મનાવવા પડશે. શિંદે સાથે જે ધારાસભ્યો સુરત આવ્યા છે તે તેમની સાથે છે કે નહીં તે હજુ સત્તાવાર રીતે જાણવા નથી મળ્યું. જોકે, એકનાથ શિંદેની ગણતરી મહારાષ્ટ્રના કદાવર તેમજ બહોળો સમર્થક વર્ગ ધરાવતા નેતા તરીકે થાય છે. તેવામાં તેમનું સરકારની બહુમતી સંકટમાં આવી જાય તેટલી સંખ્યામાં ધારાસભ્ય લઈને ગાયબ થઈ જવું કોઈ નાનીસૂની વાત નથી. મહારાષ્ટ્ર વિધાનસભામાં કુલ ૨૮૮ બેઠકો છે, જેમાંથી ભાજપ પાસે ૧૦૬, શિવસેના પાસે ૫૫, એનસીપી ૫૩, કોંગ્રેસ ૪૪, અપક્ષો ૧૩, અન્યો ૧૬ બેઠક ધરાવે છે જ્યારે એક બેઠક ખાલી પડી છે. શિવસેનાના નેતા સંજય રાઉત દાવો કરી રહ્યા છે કે તેમણે એકનાથ શિંદે સાથે સંપર્ક સાધી લીધો છે. રાઉતનું એમ પણ કહેવું છે કે, શિંદે ભાજપ પર મહાવિકાસ અઘાડી સરકારને ઘરભેગી કરવાનું ષડયંત્ર રચવાનો આક્ષેપ કરી રહ્યા છે. જોકે, બીજી તરફ એવા પણ અહેવાલ આવી રહ્યા છે કે શિવસેનામાં મોટો બળવો થઈ શકે છે, અને પક્ષના વધુ ધારાસભ્યો ગુજરાત રવાના થઈ અસંતુષ્ટો સાથે જોડાઈ શકે છે. મહારાષ્ટ્રમાં આ અગાઉ ભાજપ અને શિવસેનાની સરકાર હતી. જોકે, ૨૦૧૯માં થયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ ભાજપ અને શિવસેના વચ્ચે સીએમના પદને લઈને ડખો થયો હતો. સૌથી વધુ બેઠકો મળી હોવાથી ભાજપે સીએમ પોતાનો જ હશે તેવી વાત કરી હતી. , પરંતુ શિવસેનાએ તે માનવાનો ઈનકાર કરી દઈ એનસીપી તેમજ કોંગ્રેસના ટેકાથી સરકાર બનાવી હતી, જ્યારે સૌથી વધુ બેઠક મળી હોવા છતાંય ભાજપ હાથ ઘસતો રહી ગયો હતો. ઉલ્લેખનીય છે કે, ભાજપે એનસીપીના નેતા અને શરદ પવારના ભત્રીજા સાથે મળીને સરકાર બનાવવા પ્રયાસ કર્યો હતો. ફડણવીસની તાબડતોબ શપથવિધિ પણ યોજી દેવાઈ હતી, પરંતુ આ સરકાર ગણતરીના કલાકોમાં જ ઘરભેગી થઈ ગઈ હતી. જોકે, તાજેતરમાં જ થયેલી રાજ્યસભાની ચૂંટણી વખતે જ છેલ્લા અઢી વર્ષથી સત્તા પર રહેલી મહાવિકાસ અઘાડી સરકારમાં કંઈક ચાલી રહ્યું હોવાની વાત ઉઘાડી પાડી હતી. ભાજપે પૂરતું સંખ્યાબળ ના હોવા છતાંય અપક્ષ ધારાસભ્યોની મદદથી પોતાના વધારાના ઉમેદવારને જીતાડવામાં સફળતા મેળવી હતી. જે ઉદ્ધવ ઠાકરે સરકાર માટે એક મોટો આંચકો હતો. વળી, ગઈકાલે જ થયેલી એમએલસીની ચૂંટણીમાં પણ ભાજપનો જ હાથ ઉપર રહ્યો હતો.હાલના સમયમાં કોઈ રાજ્યમાં આવો રાજકીય ડ્રામા સર્જાયો હોય તેવી આ પહેલી ઘટના નથી. મહારાષ્ટ્ર પહેલા મધ્યપ્રદેશ, રાજસ્થાન તેમજ કર્ણાટકમાં આવી સ્થિતિ સર્જાઈ ચૂકી છે. જેમાં મધ્યપ્રદેશ તેમજ કર્ણાટકમાં સત્તા પરિવર્તન કરવામાં ભાજપ સફળ રહ્યો હતો, જ્યારે રાજસ્થાનમાં કોંગ્રેસના અશોક ગેહલોત હોશિયાર સાબિત થયા હતા. કર્ણાટકમાં જેડીએસ અને કોંગ્રેસના ધારાસભ્યોએ બળવો કરી ભાજપને સમર્થન આપ્યું હતું, અને આખરે પક્ષે રાજ્યમાં સરકાર પણ બનાવી હતી. મધ્યપ્રદેશમાં પણ કોંગ્રેસના ધારાસભ્યોને તોડીને ભાજપ સત્તાપરિવર્તનમાં સફળ થયો હતો. મહારાષ્ટ્રમાં પણ આગામી દિવસોમાં આવા જ દ્રશ્યો જોવા મળે તો નવાઈ નહીં. જોકે, રાજસ્થાનમાં બળવો કરનારા સચિન પાઈલટને મનાવીને સરકાર બચાવવામાં કોંગ્રેસ સફળ રહી હતી.
ભાજપના નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસનો શિવસેના પ્રત્યેનો અણગમો કોઈનાથી છૂપો નથી. તેમણે જ રાજ્યસભા ચૂંટણી તેમજ એમએલસીની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારની ગેમ કરી નાખી હતી. હવે જોવાનું એ રહે છે કે, ૨૦૧૯ની વિધાનસભા ચૂંટણીમાં સૌથી વધુ બેઠકો મળ્યા બાદ પણ હાથ ઘસતા રહી ગયેલા ફડણવીસને આ વખતે સીએમની ખુરશી પર બેસવા મળે છે કે પછી રાજસ્થાનમાં જે જોવા મળ્યું તેમ શિવસેના પોતાના ધારાસભ્યોને સમજાવી પાછા લાવવામાં સફળ થશે? આ વાતનો જવાબ મેળવવા હવે લાંબી રાહ નહીં જોવી પડે.
શિવસેનાના એકનાથ શિંદે સહિત ૧૦થી વધુ ધારાસભ્યો સુરતની હોટલમાં કેદ
મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપના સમાચાર પ્રાપ્ત થયા છે. એવી માહિતી મળી છે કે શિવસેનાના ૧૦થી વધારે ધારાસભ્યો હાલ ગુજરાતમાં પહોંચ્યા છે. તમામ લોકોને સુરતની એક જાણીતી હોટલમાં રાખવામાં આવ્યા છે. સૂત્રોનું કહેવું છે કે શિવસેનાના મંત્રી અને મોટા નેતા એકનાથ શિંદે સહિત ૧૧ ધારાસભ્યો સુરત આવ્યા છે અને હોટલમાં રોકાયા છે. સૂત્રોના કહેવા પ્રમાણે એકનાથ શિંદે બીજેપીના સંપર્કમાં છે. એકનાથ શિંદે ઘણા લાંબા સમયથી શિવસેનાથી નારાજ હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. શિવસેનાના ૧૧ જેટલા ધારાસભ્યો જે હોટલમાં રોકાયા છે ત્યાં પોલીસ પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે. અહીં કોઈને પણ જવા દેવાની મંજૂરી નથી. તમામ ધારાસભ્યો મોડી રાત્રે જ અહીં પહોંચ્યા હોવાના અહેવાલ છે. તમામ ધારાસભ્યો ડુમસ રોડ પર આવેલી મેરિયટ હોટલમાં બંધ છે. પોલીસ હાલ કોઈ પણ વ્યક્તિને બેરિકેડથી અંદર જવા દેતી નથી. એવી ચર્ચા છે કે મોડી રાતથી અહીં બેઠકનો દોર ચાલી રહ્યો છે. તમામ ધારસભ્યો ગુજરાતના નેતાઓના સંપર્કમાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે. મહારાષ્ટ્રની ૧૦ બેઠક પર વિધાન પરિષદની ચૂંટણી યોજાઈ હતી. જેના પરિણામ જાહેર થઈ ગયા છે. જેમાં બીજેપીના તમામ ઉમેદવારોની જીત થઈ છે. એનસીપી અને શિવસેનાના બે-બે ઉમેદવારની જીત થઈ છે. એક બેઠક પર કૉંગ્રેસની જીત થઈ છે. મહારાષ્ટ્રની ૧૦ બેઠક પર ૧૧ ઉમેદવાર મેદાનમાં હતા. એમએલસીની બેઠકમાં ભાજપના પાંચ ઉમેદવાર પ્રસાદ બાલક, શ્રીકાંત ભારતીય, પ્રવીણ દરેકર, ઉમા ખાપરે, રામ શિંદે સામેલ છે. એકનાથ શિંદે શિવસેનાના મોટા નેતા છે. મહારાષ્ટ્રની રાજનીતિમાં તેમની સારી પકડ છે. તેઓ સારા રણનીતિકાર છે. તેમને વર્તમાન સીએમ ઉદ્ધવ ઠાકરેના નજીકના સાથી માનવામાં આવે છે. જોકે, છેલ્લા થોડા દિવસોથી તેઓ નારાજ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. એમએલસીની ચૂંટણી બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાત્રે એક ઇમરજન્સી બેઠક બોલાવી હતી. આ બેઠકમાં પણ એકનાથ શિંદે હાજર ન રહ્યો હોવાનું કહેવામાં આવે છે.