ભાવનગર શહેર ભાજપની બૃહદ કારોબારી બેઠક આજે શહેર પ્રમુખ સનતભાઈ મોદીના અધ્યક્ષસ્થાને શિવશક્તિ હોલ ખાતે મળી હતી. જેમાં મેયર નિમુબેન બાંભણીયા, ચીમનભાઈ યાદવ, અમોહ શાહ, મહેન્દ્ર ત્રિવેદી, લક્ષ્મણભાઈ રાધેશ્વર સહિત આગેવાનો-હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતા.
દિપ પ્રાગટ્ય સાથે શરૂ થયેલી કારોબારીના પ્રારંભે સનતભાઈ મોદીએ કેન્દ્રની કામગીરીની જાણકારી આપવા સાથે આગામી વિધાનસભા ચૂંટણીમાં ૧પ૦+ના મીશનની સાર્થક કરવા કાર્યકર્તાઓને લાગી જવા આહવાન કર્યુ હતું અને વિરોધીઓને ખુલ્લા પાડવા જણાવેલ.
ભાજપના આગેવાનોએ પોતાના મંતવ્યો રજૂ કરવા ઉપરાંત આગામી વિધાનસભા ચૂંટણી અંગે વિવિધ વ્યવસ્થાત્મક જવાબદારી અને સંગઠનાત્મક તેમજ બુથ લેવલે કરવાની કામગીરી અંગેની કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.