શિવસેના છોડવાનો નથી, કોઈ પાર્ટીમાં જોડાવાનો નથી : શિંદે

12

માત્ર હિન્દુત્વની લડાઈ છે અને બાળાસાહેબ ઠાકરેએ જે હિન્દુત્વ શીખવ્યું હતું તેના માટે લડત ચલાવી રહ્યા હોવાનો નેતાનો દાવો
ગૌહાટી,તા.૨૨
મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકાર સામે જંગે ચડેલા એકનાથ શિંદેએ ગુવાહાટી એરપોર્ટ ઉપર પત્રકારોને સ્પષ્ટ જણાવ્યું હતું કે પોતે કોઈ પક્ષમાં જોડાવાના નથી, શિવસેના છોડવાનો કોઈ સવાલ નથી. આ માત્ર હિન્દુત્વની લડાઈ છે અને શિવ સેના સ્થાપક બાળાસાહેબ ઠાકરેએ જે હિન્દુત્વ શીખવ્યું હતું તેના માટે આ લડત ચલાવી રહ્યા છે. પોતાને ૪૦ જેટલા ધારાસભ્યોનો ટેકો હોવાનો દાવો કરતા, સુરતથી ગુવાહાટી પહોંચેલા શિંદેએ વધુમાં જણાવ્યું હતું કે પોતે કે બળવો કરનારા કોઈ સભ્યોએ શિવ સેના છોડી નથી. પોતે કોઈ પક્ષમાં જોડવાની તૈયારી નથી કરી રહ્યા. અમારી માંગ એટલી જ છે કે ઠાકરે પણ હિન્દુત્વ તરફ પરત ફરે અને અગાઉ ભાજપ અને સેનાની કે યુતિ હતી તેમાં આવે. આ નિવેદનોનો સંકેત સ્પષ્ટ છે કે કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસને છોડી ભાજપ સાથે પરત ફરે તો જ ઉદ્ધવ ઠાકરે સરકાર બચી શકે છે. સોમવારે સુરત ખાતે શિંદે રોકાયેલા હતા ત્યારે ઉદ્ધવ ઠાકરેના બે દૂતને પણ આવો જ જવાબ મળ્યો હતો. બળવાખોર એકનાથ શિંદેને મનાવવા મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાના મિલિન્દ નાર્વેકર અને ધારાસભ્ય રવિન્દ્ર ફાટકને સુરત ગયા હતા. ત્યાં તેમણે એકનાથ શિંદે મુખ્ય પ્રધાનનો સંદેશો પાઠવ્યો હતો. આ લગભગ એક કલાક ચાલી હતી. આ બેઠકમાં નાર્વેકર સમક્ષ એકનાથ સિંદેએ પ્રસ્તાળ મૂક્યો હતો. જેમા ચાર શરત જણાવી હતી. ભાજપ સાથે યુતિ કરશો તો શિવસેના સાથે જોડાયેલો રહીશ, કોંગ્રેસ-એન.સી.પી. સાથે કરેલી આઘાડી તોડી પાડવી. દેવેન્દ્ર ફડણવનીસને સીએમ અને તેમને નાયબ મુખ્ય પ્રધાન બનાવવા માગણી કરી હોવાનુંપણ જાણવા મળે છે. બીજી તરફ ઉદ્ધવ ઠાકરેએ એકનાથ શિંદેને પહેલાં મુંબઇ આવવા અને અહીં મોકળા મને ચર્ચા કરવા જણાવ્યું હોવાનું કહેવાય છે.

Previous articleનિવૃત્તિની વય અને પેન્શનની રકમમાં થઈ શકે છે વધારો
Next articleશિવસેનાએ વ્હીપ જાહેર કર્યું, કેબિનેટ મિટિંગમાં ૮ પ્રધાનોની ગેરહાજરી