તમામ ઉત્પાદનો પર ટેક્સ લગાવવામાં આવશે જે કોઈ બ્રાન્ડ અંતર્ગત રજિસ્ટર્ડ નથી પરંતુ સ્થાનિક નામથી વસ્તુ વેચે છે, હાલ આવી વસ્તુ પર કોઈ જીએસટી નથી લાગતો
નવી દિલ્હી,તા.૨૨
દેશમાં હવે ખાવા-પીવાની પેકેજ્ડ ચીજ-વસ્તુઓ તથા અનાજ વગેરે પર જીએસટી લાગુ કરવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જાણવા મળ્યા મુજબ આગામી સપ્તાહે ચંદીગઢ ખાતે યોજાનારી જીએસટી કાઉન્સિલની બેઠકના એજન્ડામાં આ મુદ્દાનો સમાવેશ કરવામાં આવે તેવી શક્યતા છે. આ વસ્તુઓ ઉપર ૫ ટકા જીએસટી લાગુ કરવામાં આવે તેવી શક્યતા છે. ગત સપ્તાહે યોજાયેલી જીએસટી મંત્રીઓના સમૂહની બેઠકમાં આ અંગે સહમતિ સધાઈ હતી. તે પ્રમાણે એવા તમામ ઉત્પાદનો પર ટેક્સ લગાવવામાં આવશે જે કોઈ બ્રાન્ડ અંતર્ગત રજિસ્ટર્ડ નથી પરંતુ સ્થાનિક નામથી વસ્તુઓ વેચે છે. હાલ આવી વસ્તુઓ પર કોઈ જીએસટી નથી લાગતો. જો આવી વસ્તુઓ પર ટેક્સની વ્યવસ્થા લાગશે તો તેની કિંમતોમાં વધારો થવાનું નક્કી છે. સરકાર હવે એવા ખાદ્ય પદાર્થો માટે કોઈ ટેક્સ છૂટની મંજૂરી નહીં આપે જ્યાં પેકેટ બનાવીને એક નામથી વસ્તુઓ વેચવામાં આવે છે પરંતુ બ્રાન્ડ તરીકેનો કોઈ દાવો નથી કરવામાં આવતો. આગામી ૨૮ અને ૨૯ જૂનના રોજ ચંદીગઢ ખાતે જીએસટી કાઉન્સિલની એક બેઠક યોજાવાની છે. તેના એક દિવસ પહેલા, એટલે કે ૨૭ જૂનના રોજ જીએસટી અધિકારીઓની બેઠક થશે. બેઠકમાં આ પ્રકારની વસૂલાત સામેના પડકાર અંગે પણ ચર્ચા કરવામાં આવશે.
Home National International ખાવા-પીવાની પેકેજ્ડ ચીજ-વસ્તુઓ તથા અનાજ પર હવે જીએસટી લાગુ કરવાની તૈયારી