બળવાખોર નેતા એકનાથ શિંદે જુથ શિવસેનાના ધનુષ્ય અને બાણ ચિહ્ન પર દાવો કરવાની તૈયારી કરી રહ્યું છે
મુંબઈ, તા.૨૩
મહારાષ્ટ્રની રાજકીય કટોકટીની વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ચારે બાજુથી ઘેરાયેલા છે. શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદે સતત પાર્ટી પર પોતાની પકડ મજબૂત કરી રહ્યા છે. તેમણે દાવો કર્યો છે કે, શિવસેનાના ૪૦ ધારાસભ્યો તેમની સાથે છે. આ સિવાય ઘણા અપક્ષ ધારાસભ્યો પણ તેમની તરફેણમાં છે. તેથી હવે શિવસેનામાં ભાગલા પડવાની શક્યતા છે. આવી સ્થિતિમાં હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે, પાર્ટીના ચિહ્ન અને ઝંડાને લઈને પણ વિવાદ શરૂ થઈ શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે, એકનાથ શિંદે જુથ હવે શિવસેનાના ’ધનુષ્ય અને બાણ’ ચિહ્ન પર દાવો કરવાની તૈયારી કરી રહ્યું છે. સાથે જ આ મામલો ટૂંક સમયમાં ચૂંટણી પંચ સુધી પહોંચી શકે છે. આખરે પાર્ટી સિમ્બોલનો કાયદો શું છે? શું અન્ય જૂથ તેના પર કબ્જો કરી શકે છે. ચાલો તેને વિગતવાર સમજીએપ. તમને જણવી દઈએ કે, ચૂંટણી પંચ રાજકીય પાર્ટીઓને માન્યતા આપે છે અને ચૂંટણી ચિહ્ન પણ ફાળવે છે. ચૂંટણી ચિહ્નો (આરક્ષણ અને ફાળવણી) ઓર્ડર ૧૯૬૮ મુજબ તે પાર્ટીની ઓળખ અને ચૂંટણી ચિહ્નની ફાળવણી સાથે સંબંધિત છે. કાયદા અનુસાર, જો રજિસ્ટર્ડ અને માન્યતા પ્રાપ્ત રાજકીય પાર્ટીના ૨ જૂથો ચિહ્નોને લઈને અલગ-અલગ દાવા કરે છે તો ચૂંટણી પંચ તેના પર અંતિમ નિર્ણય લે છે. આ અંગે આદેશની કલમ ૧૫માં વિગતવાર માહિતી આપવામાં આવી છે. જ્યારે એક જ પાર્ટીના બે જૂથો એક જ ચિહ્ન માટે દાવો કરે છે. આવી સ્થિતિમાં ચૂંટણી પંચ બંને છાવણીને બોલાવે છે. બંને પાર્ટી પોતપોતાની દલીલો કરે છે. ત્યારબાદ આયોગ દ્વારા નિર્ણય લેવામાં આવે છે પરંતુ યાદ રાખો કે ચૂંટણી પંચનો નિર્ણય કોઈપણ સંજોગોમાં પાર્ટીના જૂથોએ સ્વીકારવો પડશે. વિવાદના મામલામાં ચૂંટણી પંચ પ્રાથમિક રીતે પાર્ટીના સંગઠન અને તેની વિધાનસભા વિંગ બંનેમાં દરેક જૂથના સમર્થનનું મૂલ્યાંકન કરે છે. તે રાજકીય પક્ષની અંદરની સર્વોચ્ચ સમિતિઓ અને નિર્ણય લેતી સંસ્થાઓની ઓળખ કરે છે. સાથે જ તે જાણવાનો પ્રયત્ન કરે છે કે, કયા જૂથમાં કેટલા સભ્યો કે અધિકારીઓ પરત ફર્યા છે ત્યારબાદ દરેક શિબિરમાં સાંસદો અને ધારાસભ્યોની સંખ્યાની ગણતરી કરે છે. જો ચૂંટણી પંચ જૂથ નક્કી કરવામાં અસમર્થ હોય તો તે પાર્ટીના ચિહ્નને સ્થિર કરી શકે છે. ત્યારબાદ બંને જૂથોને નવા નામ અને ચિહ્ન સાથે ફરીથી નોંધણી કરવા માટે કહી શકાય. જો ચૂંટણી નજીક છે તો જૂથોને કામચલાઉ ચિહ્ન પસંદ કરવા માટે કહી શકાય છે.