પ્રથમ દિવસે ૧૯,૧૮૨ મહાનુભાવોએ ૮,૧૩૨ ગામોની ૧૦,૬૦૦ શાળાઓની મુલાકાત લીધી, ૮૨૩ શાળાઓમાં ટ્રાન્સપોર્ટેશન સુવિધાની શરૂઆત કરવામાં આવી
રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં તા. ૨૩ થી ૨૫ જૂન ૨૦૨૨ દરમ્યાન ૧૭ મા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની દિર્ઘદષ્ટિપૂર્ણ આ પહેલ દ્વારા આજે રાજ્યભરમાં શિક્ષણ ક્ષેત્રે અનેરી ક્રાંતિ જોવા મળી રહી છે ત્યારે આજની સ્થિતિએ રાજ્યમાં ડ્રોપ આઉટ રેશિયો ખૂબ જ ઓછો અને એનરોલમેન્ટ રેશિયો લગભગ ૧૦૦ ટકા એ પહોંચવા આવ્યો છે. જે કન્યાકેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના વિઝનની એક વિશેષ સિદ્ધિ ગણી શકાય. આ કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાની મેમદપુર પ્રાથમિક શાળા ખાતેથી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું નેતૃત્વ કરીને રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. રાજ્યમાં શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે જ ૨,૦૦,૩૯૯ બાળકોએ પ્રાથમિક શાળામાં ધો-૧માં પ્રવેશ મેળવ્યો છે. રાજ્યના શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીએ આપેલી વિગતો અનુસાર રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે જ ૧૯,૧૮૨ મહાનુભાવોએ ૮,૧૩૨ ગામોની ૧૦,૬૦૦ શાળાઓની મુલાકાત લીધી હતી. આ અભિયાન અંતર્ગત પ્રથમ દિવસે જ મુખ્યમંત્રી, મંત્રીઓ તથા ઉચ્ચ અધિકારી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રાથમિક શાળામાં ધો.૧માં ૧,૦૧,૬૦૬ કુમારો અને ૯૮,૭૯૩ કન્યા મળી કુલ ૨,૦૦,૩૯૯ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે ૪૦૯ કુમાર અને ૨૪૮ કન્યા મળી કુલ ૬૫૭ દિવ્યાંગ બાળકોએ શાળામાં પ્રવેશ મેળવ્યો હતો.