નીતાબેન અને સમીરભાઈના લગ્નના પાંચ વર્ષ પછી દીકરીનો જન્મ થયો. ઘરમાં ખુશીનું “આગમન” થયું એટલે દીકરીનું નામ પણ રાખ્યું “ખુશી”.
ખુશી ત્રણ વર્ષની થઈ અને સ્કૂલે મૂકી. સ્કૂલમાં તેની સખીઓને મમ્મી મુકવા આવે, કોઈને તેના પપ્પા, તો કોઈને મોટોભાઈ. ખુશીની એક ખાસ સખી રૂપા. રૂપાને બે વર્ષ મોટો ભાઈ જનક. જનક રોજ રૂપાને સ્કુલે મુકવા આવે. એક દિવસ ખુશીએ ઘરે જઈને એની મમ્મીને કહ્યું,” મમ્મી, મારે ભાઈ કેમ નથી? પેલી રૂપાનો ભાઈ રોજ એને સ્કુલે મુકવા આવે છે અને બાય બાય કરે, અને રોજ સાંજે લેવા આવે છે. મમ્મી મને પણ ભાઈ જોઈએ.બે વર્ષ પછી તેના ઘરે નાનકડા ભઇલાનુ આગમન થયું. ’ને ખુશીના અંગેઅંગમાં ખુશીની લહેર દોડી. ભઈલાનું નામ હર્ષ રાખ્યું. ખુશી તો મારો ભાઈ, મારો ભઈલુ,કરતી ઘેલી થઇ ભાઈને રમાડે.
એક વાર ખુશીના હાથમાંથી બે વર્ષનો હર્ષ પડ્યો. માથામાં ઈજા થઈ હતી. જ્યારે પાંચ વર્ષનો થયો ત્યારે તેની હરકત જોઈને ડોક્ટરને બતાવ્યું ત્યારે ખબર પડી કે માથામાં ઇજા થવાથી તે થોડો મંદબુદ્ધિનો થયો છે. ખુશી માટે તેનો ભાઈ સર્વસ્વ હતો.
. સમય તો ઝડપથી સરકવા લાગ્યો.વીસ વર્ષનો હર્ષ ખુશીનો પડછાયો. જ્યાં જાય ત્યાં ખુશીની સાથે જ હોય. તેના પપ્પાએ કહ્યું, “ખુશી હવે તારા લગ્ન થવાના છે તો ભાઈને એકલો મૂકી દે, તું નહીં હશે ત્યારે તારી જુદાઈ સહન નહિ કરી શકે.
ને ખુશી બે દિવસ માટે મામાને ત્યાં ગઈ. ને આ બાજુ ઘરમાં ખુશીને ન જોતા હર્ષ એ ધમાલ કરી.લાકડી લઈ બધાને મારવા દોડે. લાકડી લઈને નીતા બેનના માથામાં ફટકારી અને નીતાબેન ત્યાં જ ઢળી પડ્યા. ખુશી મામાને ત્યાંથી પાછી આવી. મમ્મી મૃત્યુ પામી હતી.ખુશીને જોઈને હર્ષ તેની પાસે ગયો, તો ખુશીએ તેને એક તમાચો માર્યો અને જોરથી ધક્કો માર્યો.
ખુશીના આવા વર્તનથી હર્ષ અવાક્ થઈ ગયો. શાંત થઈ ગયો. મમ્મીની અંતિમ ક્રિયા પછી પોતાના પપ્પા પાસે સુઈ ગયો. ખુશીથી દૂર રહેવા લાગ્યો. ત્રણ મહિના પછી ખુશીના લગ્ન લેવાયા.
લગ્નના બે દિવસ પહેલા હર્ષ ખુશીના રૂમમાં ગયો અને તેના પગ પાસે બેસીને બોલ્યો, દીદી મને માફ કરજે. મારાથી ભૂલમાં મમ્મીને લાકડી મરાઈ ગઈ.મને તારા વગર ન્હોતું ગમતું.પણ દીદી હવે હું તારા વગર રહેતા શીખી ગયો છું. હું ડાહ્યો બની ગયો છું. દીદી આ મારું ભણવાના બે વર્ષ બાકી છે. પછી હું નોકરી કરીશ અને તું ચિંતા ન કરતી. હું પપ્પાને પણ સાચવીશ અને ચોધાર આંસુએ રડવા લાગ્યો.
ખુશી રડતા રડતા બોલી, ” ભયલુ.. તું તો બહુ મોટો થઈ ગયો. સમજદાર થઈ ગયો. પછી હસતા હસતા બોલી, હવે તો તું નોકરી કરશે એટલે ઘરમાં એક રુપાળી વહુનું “આગમન” થશે અને હર્ષ શરમાઈને ખુશીને ભેટી પડ્યો. દૂર ઉભેલા સમીરભાઈ ભાઈ-બહેનના પ્રેમને આસુસભર આંખે નિહાળી રહ્યા.
રીટા મેકવાન “પલ”
સુરત