લોકો ટોળે વળી જોઇ રહ્યા હતા . ટોળાના ગુણધર્મો ભૂતકાળમાં સમાન રહેલા. વર્તમાનમાં સમાન રહે છે અને ભવિષ્યમાં સમાન રહેશે. તમાશો જોવો. પરંતુ , મદદ ન કરવી. જરૂર જણાય ભીડનો લાભ લઇ હાથની ખંજવાળ શાંત કરવી. ફિર મૌકા મિલે ના મિલે દૌબારા!!
આજથી ત્રીસ વર્ય પહેલાં મોબાઇલ ન હતા. એટલે ટોળું ક્યાંય આગ લાગી હોય તો મદદ કરવાના બદલે વિડીયો ઉતારવા કે વાયરલ કરવાની ફિરાકમાં ન હોય. કોઇ મરણાસન્ન કે મુર્મુવિષુ મરવા માટે પુલ કે હાઇ રાઇઝ બિલ્ડીંગ પરથી છલાંગ મારી મરવા પ્રયાણ કરે તો બચાવવાના બદલે વિડીયો ઉતારતા ન હતા .જો કે ટોળું કલબલાટ કરે પણ બચાવવા કોઇ માઇનો લાલ આગળ ન આવે!!!
કોઇ મવાલી જેવો શખ્સ કોઇ ગરીબડાને લાત, ઘુંસા, ગડદાપાટુથી પીટી રહ્યો હતો. તેના મોંમાંથી લોહી નીકળતું હતું.હાથપગ પર ઇજાના નિશાન હતા.તે રહેમની ભીખ માંગતો હતો!! કસાઇ અને રહેમ??
એટલામાં એક સુટેડબુટેડ યુવાન ધસી આવ્યો. ટોળાંને બે હાથથી હડસેલતો એ પેલા ગરીબડા નજીક આવ્યો.
યુવાને મવાલીનો કોલર પકડ્યો. તેને પેલા ગરીબડાથી થોડો આઘો કર્યો!!
“તું મને ઓળખછઅ્” મવાલીએ તુમાખી પ્રદર્શિત કરી.
“તું મવાલી લુખ્ખો છું” પેલા યુવાને ઠંડા કલેજે ઘા મારતો હોય તેમ જવાબ આપ્યો!!
“હું વાવોલનો છું . ગોલ બાપુ છું” પેલાએ પોતાનો વરવો પરિચય આપ્યો.
“ પહેલી વાત ક્ષત્રિય નબળી કે મજલુમ માણસ પર વાર ન કરે. તું તો બાપુના નામ પર કલંક છે, લાંછન છે.ફરીવાર બાપુ હોવાની વાત કરી કોઇને હેરાન કર્યા છે તો મારા જેવો ભૂંડો કોઇ નથી તે યાદ રાખજે. અહીં ફરીવાર દેખાયો તો ચીરી નાંખીશ. તારે મને જોઇ લેવો હોય, ગાંધીનગરનો કલેકટર ગંગારામ છું. જ્યારે જોવો હોય ત્યારે જોઇ લેજે. ચલ ફૂટ અહીંથીપ”આટલું બોલીને રેડ બિકનવાળી ગાડીમાં વનરાજની માફક બિરાજમાન થઇ ગંગારામ વિદાય થયા.
ઉપસ્થિત જનતા સંમોહન સહ મંત્રમુગ્ધ થઇ કલેકટર સાહેબને જતા નિહાળી રહ્યા!!
– ભરત વૈષ્ણવ