ઉદ્ધવએ કહ્યું કે, જે લોકો મને છોડીને ગયા છે એ મારા ફોટાનો ઉપયોગ કર્યા વિના જનતાની વચ્ચે ફરીને બતાવે
મુંબઈ, તા.૨૪
શિવસેના પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરે એ ફરી એકવખત પાર્ટી પદાધિકારીઓની મીટિંગમાં ઈમોશનલ કાર્ડ ખેલ્યું છે. ભાવુક અંદાજમાં તેમણે કહ્યું કે, ’કોઈ જે પ્રકારનો પણ વ્યવહાર કરી રહ્યા હોય, આપણે તેમાં આવવાનું નથી.’ તેમણે કહ્યું કે, ’જે લોકો કાલ સુધી એમ કહેતા હતા કે, અમે મર્યા પછી પણ શિવસેના નહીં છોડીએ તે આજે મર્યા પહેલા જ આપણને છોડીને જતા રહ્યા. તેમણે કહ્યું કે, ઠાકરે અને શિવસેનાના નામનો ઉપયોગ કર્યા વિના હવે આ તમામ લોકો જીવીને બતાવે. બાગી ધારાસભ્યોએ શિવસેના તોડવાનું કામ કર્યું છે. જેને બાલાસાહેબ ઠાકરેએ બનાવી હતી.
ઉદ્ધવએ ચેતવણી ભર્યા સૂરમાં કહ્યું કે, જે લોકો મને છોડીને ગયા છે. એ મારા ફોટાનો ઉપયોગ કર્યા વિના જનતાની વચ્ચે ફરીને બતાવે. તેમણે કહ્યું કે, જનારા લોકો અંગે મને શા માટે દુઃખ થાય? મેં મારી જીદ નથી છોડી. હું આજે પણ મારી જીદ પર અડગ છું. જે લોકો મારાથી અલગ થયા છે, તે માત્ર થોડા રૂપિયા માટે દૂર ગયા છે. એ લોકોએ મને દગો આપ્યો છે. શિવસેનાએ આ પહેલા પણ આવો બળવો જોયો છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, મને લાગતું હતું કે, મારી મુખ્યમંત્રીની ખુરશી ડગી રહી હતી. પરંતુ મારું કરોડરજ્જુનું હાડકું ડગી રહ્યું હતું. તેમણે કહ્યું કે, ’ધારાસભ્યોને લાલચ આપીને પોતાની તરફ ખેંચાયા. એકનાથ શિંદે પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, શિંદે માટે શું-શું નથી કરાયું. તેમને નગર વિકાસ મંત્રાલય આપ્યું. સંજય રાઠોડ પર ગંભીર આરોપ હોવા છતાં પણ તેમને સંભાળી લેવાયા. પરંતુ બદલામાં શું મળ્યું?’ તેમણે કહ્યું કે, વૃક્ષના ફુલ લઈ શકો છો, ડાળીઓ લઈ શકો છો, પરંતુ તેના બાળકોને લઈ જઈ શકશો નહીં. શિવસેનાના અસ્તિત્વ પર બતાવવું પડશે કે શિવસેના પ્રત્યે તેમની નિષ્ઠા શું છે. શિવસેના પદાધિકારીઓની મીટિંગમાં ઉદ્ધવ ઠાકરેની સાથે આદિત્ય ઠાકરે પણ ઉપસ્થિત હતા. તેમણે કહ્યું કે, અમે સત્તાના લાલચી નથી. સત્તા આવતી જતી રહે છે.’ તેમણે કહ્યું કે, ’પરિવારના સભ્યએ દગો આપ્યો છે. જેવી આ સ્થિતિ ઊભી થઈ અમે સીએમ હાઉસ છોડી દીધું.’ આદિત્યએ કહ્યું કે, ’વધુ બોલી લાગી તો તેમણે અમને છોડી દીધા. આ પહેલા પણ કેટલાક લોકોએ શિવસેનાને દગો આપ્યો હતો. ઉદ્ધવ ઠાકરેએ આ પહેલા ગત બુધવારે ફેસબુક પર લાઈવ થયા હતા અને જનતાને પોતાના સંબોધનમાં ઈમોશનલ કાર્ડ ખેલ્યું હતું. એ વખતે તેમણે કહ્યું હતું કે, વિરોધી જૂથનો એક પણ ધારાસભ્ય એમ કહી દે કે તે મને મુખ્યમંત્રી તરીકે જોવા નથી માંગતો તો તેઓ પદ છોડી દેશે. સાથે જ તેમણે કહ્યું હતું કે, તેમના સ્થાને કોઈ શિવસૈનિક મુખ્યમંત્રી બનશે તો તેમને ખુશી થશે.